Western Times News

Gujarati News

કાંકરિયા લેકફ્રન્ટમાં માર્ચ પહેલાં મિની ટ્રેનની મોજ માણવા નહીં મળે

અમદાવાદ, શહેરના આબાલવૃદ્ધોમાં પ્રિય બનેલી કાંકરિયા લેકફ્રન્ટની બંને મિની ટ્રેન તાબડતોબ દોડતી થાય તેની ચાતકડોળે સૌ રાહ જાેઇ રહ્ય છે. અટલ એક્સપ્રેસ અને સ્વર્ણિમ જયંતિ એક્સપ્રેસ એમ આ બે મિની ટ્રેનમાં બેસીને લેકફ્રન્ટ ફરતે ૨.૫ કિ.મી.ના ઘેરાવામાં ચક્કર લગાવવાનો આનંદ જ કંઇ ઔર છે,

જાેકે આ ટ્રેનના પાટા ઘસાઇ ચૂક્યા હોઇ તેને બદલવાની કામગીરી ચાલી રહી છે. અલબત્ત, આગામી માર્ચના પહેલા અઠવાડિયા સુધી પાટા બદલાય તેમ લાગતુ નથી એટલે હજુ કાંકરિયા લેકફ્રન્ટના સહેલાણીઓને બે-સવા બે મહિના સુધી મિની ટ્રેનની મોજ માણવા મળે તેમ લાગતુ નથી.

કાંકરિયા લેકફ્રન્ટ તેની નયનરમ્યતાના કારણે અમદાવાદમાં જ નહીં, પરંતુ રાજ્ય અને પરરાજ્યમાં પણ લોકપ્રિય બન્યો છે, તેમાં પણ દર વર્ષે તા.૨૫થી ૩૧ ડિસેમ્બર સુધી યોજાતા રંગારંગ કાંકરિયા કાર્નિવલની વાત જ ન્યારી છે. દર વર્ષે લાખો લોકો કાર્નિવલની ઉત્સુકતાથી પ્રતિક્ષા કરતા આવ્યા છે, પરંતુ ગત વર્ષની જેમ આ વર્ષે પણ કોરોનાના કારણે કાર્નિવલ રદ કરાયો છે એટલે હવે સૌની મિટ મીની ટ્રેન તરફ મંડાઇ છે.

મ્યુનિ. રિક્રિએશનલ કમિટીના શાસકોએ અગાઉ તા.૨૫ ડિસેમ્બર સુધીમાં કાંકરિયામાં મિની ટ્રેન દોડતી થઇ જશે તેવો દાવો કર્યો હતો. મિની ટ્રેનના પાટા ઘસાઇ ગયા હોઇ તેની જગ્યાએ નવા પાટા નખાઇ રહ્યા છે, જાેકે આ કામગીરી ઝટ પૂરી થાય તેમ ન હોઇ ભાજપના શાસકોનો દાવો પોકળ ઠરવાનો છે.

કાંકરિયા લેકફ્રન્ટને ભવ્ય રંગરૂપ આપવા સારું તંત્ર દ્વારા રૂ.૪૮ લાખના ખર્ચે મિની ટ્રેન માટેના પાટા નખાયા હતા, જાેકે આ પાટા હવે ઘસાઇ ગયા હોઇ તેને બદલવા જરૂરી બન્યા છે, જાેકે તંત્ર માટે ઘાટ કરતા ઘડામણ મોંઘું પડ્યું છે, કેમ કે નવા પાટા નાખવાનો ખર્ચ રૂ.ત્રણ કરોડ કરતાં વધુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.