Western Times News

Gujarati News

મહારાષ્ટ્રમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનથી દેશમાં પહેલું મોત

નવી દિલ્હી, દેશમાં કોરોનાથી હાલાત ફરીથી બેકાબૂ થઈ રહ્યા છે. અનેક રાજ્યોમાં કોરોનાના વધતા કેસથી ટેન્શન વધી ગયું છે. આ બાજુ કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનથી દેશમાં પહેલું મોત પણ નોંધાયું છે. જે ઝડપથી કેસ વધવાના શરૂ થયા છે તે ત્રીજી લહેરના ભણકારા દર્શાવી રહ્યા છે. આ અંગે અગાઉ એક્સપર્ટ્‌સ આગાહી કરી ચૂક્યા છે. દેશની રાજધાનીમાં ગુરુવારે કોરોનાના ૧૩૧૩ નવા કેસ નોંધાયા. જે ૨૬ મે બાદ સૌથી વધુ કેસ છે.

પોઝિટિવિટી રેટ પણ વધીને ૧.૭૩ ટકા થઈ ગયો. જ્યારે મહારાષ્ટ્રમાં કોરોનાના નવા ૫૩૬૮ કેસ નોંધાયા. બુધવારે આ આંકડો ૧૪૬૮ હતો. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં ૨૨ લોકોના કોરોનાથી મોત થયા. એક્ટિવ કેસ ૧૮૨૧૭ પર પહોંચી ગયા છે.

મહારાષ્ટ્રના જ પિંપરી ચિંચવાડમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનથી દેશમાં પહેલું મોત નોંધાયું છે. રિપોર્ટસ મુજબ આ દર્દી ૫૨ વર્ષનો હતો. હાર્ટ એટેકથી આ વ્યક્તિનો જીવ ગયો. આ હાર્ટ એટેક કોવિડ-૧૯થી થતી સમસ્યાઓના કારણે આવ્યો. મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના નવા ૧૯૮ કેસ નોંધાયા છે. આ સાથે ઓમિક્રોનના કુલ કેસની સંખ્યા વધીને ૪૫૦ થઈ ગઈ છે.

આ ઉપરાંત ૧૨૫ દર્દીઓને આરટી-પીસીઆર ટેસ્ટ બાદ હોસ્પિટલમાંથી રજા પણ આપી દેવાઈ છે. મીડિયા રિપોર્ટ્‌સ મુજબ આ ૧૯૮ કેસમાંથી ૧૯૦ કેસ તો એકલા મુંબઈમાં જ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં જે નવા ૫,૩૬૮ કેસ નોંધાયા છે તેમાંથી એકલા મુંબઈમાં ૩,૬૭૧ કેસ નોંધાયા છે. આ જાણકારી બૃહદ મુંબઈ મહાનગર પાલિકાએ આપી છે. પશ્ચિમ બંગાળની વાત કરીએ તો રાજ્યમાં કોવિડ-૧૯ના ૨૧૨૮ કેસ નોંધાયા છે.

૨૪ કલાકમાં ઈન્ફેક્શનના કેસ બમણા થઈ ગયા છે. સંક્રમણ દર ૫.૪૭ ટકા પર પહોંચી ગયો છે. ગુજરાતમાં કોરોના ફરી એકવાર બેકાબુ થઇ રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના સૌથી વધુ ૫૭૩ નવા પોઝિટીવ કેસ નોંધાયા છે. તો બીજી તરફ ૬૯ દર્દીઓ સાજા થયા છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ ઘટીને ૯૮.૫૦ ટકાએ પહોંચી ચુક્યો છે.

અત્યાર સુધીમાં કુલ ૮,૧૮,૫૮૯ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજના દિવસમાં ૨,૩૨,૩૯૨ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જ્યારે ઓમિક્રોનના રાજ્યમાં એક પણ કેસ નોંધાયો નથી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.