Western Times News

Gujarati News

કોરોનામાં માતા-પિતા બંને ગુમાવનાર બાળકોને 10 લાખ રૂપિયાની સહાય અર્પણ કરાઇ

નોંધારા બાળકોનું આધાર બનતું અમદાવાદ જિલ્લા પ્રશાસન -“PM CARES ફોર ચિલ્ડ્રન સ્કીમ” હેઠળ 10 લાખ રૂપિયાની સહાયની પોસ્ટ એકાઉન્ટની પાસ બુકનો ૫ બાળકોને લાભ આપવામાં આવ્યો

વહેલાલના પ્રતિકને રાજય પોલીસ સેવામાં જોડાવવું છે: વિશ્વાંગીને ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવું છે :

“PM CARES ફોર ચિલ્ડ્રન સ્કીમ” હેઠળની સહાય બંનેના સ્વપ્ન પૂર્ણ કરવામાં આશીર્વાદરૂપ બનશે- વિક્રમભાઇ પરમાર (બાળકોના કાકા)

અમદાવાદ જિલ્લા કલેક્ટર શ્રી સંદિપ સાગલે દ્વારા કોરાનાની બિમારીના કારણે માતા-પિતા બંને ગુમાવનાર 18 થી નાની વયના 5 બાળકોને સહાય અર્પણ કરવામાં આવી હતી.

PM CARES ફોર ચિલ્ડ્રન સ્કીમ હેઠળ 5 બાળકોને 10 લાખ રૂપિયાના સહાયની પોસ્ટ એકાઉન્ટની પાસબુક આપવામાં આવી હતી. દસક્રોઇ તાલુકાના વહેલાલ ગામમાં રહેતા દંપતી સ્વ.રાજેશભાઇ અને મીનાક્ષીબેનનું જુલાઇ મહિનામાં કોરોનાની બીજી લહેરમાં કોરોનાથી સંક્રમિત થયા બાદ સારવાર દરમિયાન મૃત્યુ થયું હતુ. આ દપંતિની માસુમ દિકરી વિશ્વાંગી(ઉ.વ. 3.5) અને દિકરા પ્રતિક(ઉ.વ. 16) એ માતા-પિતાની છત્રછાયા ગુમાવી.

આ બંને બાળકોને માતા-પિતાની ખોટ વર્તાઇ રહી હતી સાથો સાથ જીવન ગુજરાન અને કારકિર્દી ઘડતર માટેના પ્રશ્ન પણ મુંઝવી રહ્યા હતા. હાલ આ બંને બાળકો તેમના કાકા શ્રી વિક્રમભાઇ પરમારની છત્રછાયા હેઠળ છે. મધ્યમવર્ગીય આ પરિવાર માટે બંને બાળકોનો શ્રેષ્ઠ ઉછેર કરીને તેમને પગભર કરવાનો ધ્યેય છે.

આ પરિસ્થિતિમાં “PM CARES ફોર ચિલ્ડ્રન સ્કીમ” હેઠળ મળેલી 10 લાખ રૂપિયાની સહાય મધ્યમવર્ગીય પરિવાર માટે આશીર્વાદ રૂપ બની રહેશે.

ઘોરણ 11 આર્ટસમાં અભ્યાસ કરતા 16 વર્ષીય પ્રતિક અભ્યાસ બાદ પોલીસ સેવામાં જોડાઇ દેશ અને સમાજસેવા કરવાનું સ્વપ્ન સેવી રહ્યા છે. સરકાર દ્વારા મળેલી સહાય શ્રેષ્ઠ શિક્ષણ અપાવવામાં , સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારીમાં  અને મારી કારકિર્દી ઘડતરમાં અત્યંત મહત્વની બની રહેશે તેવી લાગણી પ્રતિકે વ્યક્ત કરી હતી.

વિક્રમભાઇ પરમારે વિશ્વાંગીને C.B.S.E. બોર્ડનું શિક્ષણ આપતી શાળામાં પ્રવેશ અપાવીને ગુણવત્તાયુક્ત શિક્ષણ દ્વારા પગભર કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, 18 થી નાની વયના આ 5 બાળકોનું કલેક્ટરશ્રીના નોમિનેશન અંતર્ગત પોસ્ટમાં એકાઉન્ટ ખોલાવવામાં આવ્યું છે. જેમાં ઉપરોક્ત નાણાકીય સહાય જમાં કરાવવામાં આવશે. બાળક 18 વર્ષનું થયા બાદ જ આ રકમ ખાતામાંથી ઉપાડી શકાશે. પરંતુ આકસ્મિક સંજોગોમાં જિલ્લા કલેક્ટર શ્રી સાથે પરામર્શ કરીને તેમના હસ્તાક્ષર થી બાળકની આક્સમિક જરૂરિયાતમાં પણ આ રકમનો ઉપયોગ થઇ શકશે. -અમિતસિંહ ચૌહાણ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.