Western Times News

Gujarati News

વડોદરા શહેર જિલ્લો કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો મક્કમતાથી સામનો કરવા માટે સજ્જ

વડોદરા, વડોદરા શહેર જિલ્લો કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો મક્કમતાથી સામનો કરવા માટે સજ્જ બન્યો છે. વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણ વધતા કેસોની સંખ્યામાં વધારો થયો છે. એવા સમયે વડોદરા જિલ્લા પ્રશાસને કોરોના સંક્રમણને અટકાવવા ત્વરિત અને અસરકારક પગલાં લીધા છે.

કોરોના ગ્રસ્તોને અસરકારક આરોગ્ય સુવિધાઓ મળી રહે તે માટે પ્રભારી અને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદીપભાઈ પરમારના અસરકારક માર્ગદર્શન હેઠળ પ્રભારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવ, મ્યુનિ.કમિશનર શાલિની અગ્રવાલ, જિલ્લા કલેકટર આર.બી.બારડ, જિલ્લા વિકાસ અધિકારી ડો.રાજેન્દ્ર પટેલ દ્વારા સરકારી અને ખાનગી હોસ્પિટલોને કોવિડ ડેઝિગનેટેડ હોસ્પિટલો તરીકે જાહેર કરી કોરોનાના નિર્ધારિત પ્રોટોકોલ મુજબ દર્દીઓને સારવાર મળી રહે તે માટે ઉચિત વ્યવસ્થા કરવામાં આવી છે.

જિલ્લામાં બેડ, વેન્ટિલેટર અને ઓકસીજન સહિતના બેડની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે. કોરોનાના દર્દીઓને સુદ્રઢ આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે.

આ ઉપરાંત કોરોનાના સામન્ય લક્ષણો ધરાવતા અને જેઓને ઘરે હોમ આઇસોલેશનની વ્યવસ્થા ન હોય તેવા દર્દીઓ માટે જિલ્લા પ્રશાસન દ્વારા કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. આ સેન્ટરમાં દર્દીઓને વિના મૂલ્યે દવા, ચા, નાસ્તો તેમજ ભોજનની સુવિધા પૂરી પાડવાનું આગોતરી વ્યવસ્થા કરવામાં આવી છે.

વડોદરા શહેર જિલ્લામાં કોરોના સામે લડવા ટેસ્ટીગ, ટ્રેસીગ અને ટ્રીટમેન્ટનો ત્રિસ્તરીય વ્યૂહ અપનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત શહેર અને જિલ્લામાં સંજીવની અને ધન્વંતરી રથોના માધ્યમથી ઘર સારવાર લેતા દર્દીઓને દવાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ગ્રામ્ય વિસ્તારોમાં આયુષ દ્વારા આર્યુવેદિક દવાઓનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે.

કોરોના ટેસ્ટીગ માટે શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. કોરોના સંક્રમણને અટકાવવા માટે શહેરમાં રાત્રિ કરફયૂ સહિત પ્રતિબંધક હુકમો કરવામાં આવ્યા છે.

કોરોનાની ત્રીજી લહેરથી બચવા રસી રામબાણ ઈલાજ છે ત્યારે જિલ્લામાં મહત્તમ નાગરિકો રસી મુકાવે તે જરૂરી છે. શહેર જિલ્લામાં આરોગ્ય કર્મીઓ, અગ્રીમ હરોળના કોરોના વોરિયર, ૪૫ તેમજ ૬૦ વર્ષથી વય ધરાવતા નાગરિકોનું રસીકરણ ઝુંબેશ તરીકે હાથ ધરવામાં આવ્યું છે.

વડોદરા શહેર જિલ્લામાં કોરોનાના દર્દીઓને જરૂરી ઓક્સિજન, દવાનો જથ્થો પણ પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે સુચારૂ વ્યવસ્થા કરવામાં આવી છે. વડોદરા જિલ્લામાં કોવીડ ૧૯ ત્રીજા વેવની તૈયારી અન્વયે જિલ્લામાં સરકારી હોસ્પીટલ ૨૦ અને પ્રાઈવેટ હોસ્પીટલ ૩૮ સહિત કુલ ૫૮ હોસ્પીટલમાં કુલ ૫,૪૫૭ બેડની સુવિધા ઉભી કરવામાં આવી છે.

જેમાં સરકારી હોસ્પીટલમાં ૧,૮૨૬ અને પ્રાઈવેટ હોસ્પીટલ ૩,૬૩૧ બેડની તૈયારી કરી છે. જેમાં આઇસીયુ વેન્ટીલેટર સાથેનાં બેડ ૨૪૪, આઇસીયુ વેન્ટીલેટર વગર બેડ ૪૬૮, ઓક્સીજન બેડ ૨,૧૩૭ અને આઇસોલેશન બેડ ૨,૬૦૮નો સમાવેશ કરવામાં આવ્યો છે.

વડોદરા જિલ્લામાં કોવીડ-૧૯ ત્રીજા વેવની તૈયારીના ભાગરૂપે ૧૬ ધન્વંતરી રથ શરૂ કરવામાં આવ્યા છે અને આગામી સમયમાં વધુ ૧૬ ધનવંતરી રથ ચાલુ કરવામાં આવશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.