Western Times News

Gujarati News

ર૧મી સદી જ્ઞાન-વિજ્ઞાનની સદી છે અને ભારત આ સદીમાં વિશ્વગુરૂ બનવા સજ્જ બન્યું: મુખ્યમંત્રી

ગાંધીનગર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટ મત વ્યક્ત કર્યો કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની દૂરદર્શીતાથી ગુજરાતે ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટની સમયાનુકુલ માંગ મુજબનું સ્કીલ્ડ યુથ કલ્ચર ઉભું કરવામાં અગ્રેસરતા લીધી છે.ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ફ્રાસ્ટ્રકચર, ટેક્નોલોજી, રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ આઇઆઇટી આરએએમ અમદાવાદના ૪ થા પદવીદાન સમારોહમાં અધ્યક્ષીય સંબોધન કરતાં મુખ્યમંત્રીએ આ મત દર્શાવ્યો હતો.

આ પદવીદાન સમારોહ ૩૭૦ થી વધુ વિદ્યાર્થીઓને પદવી અને તજજ્ઞતા પ્રાપ્ત ર૦ જેટલા છાત્રોને મેડલ્સ એનાયત કરવામાં મુખ્યમંત્રી વર્ચ્યુઅલ સહભાગી થયા હતા.

તેમણે આ ઇન્સ્ટીટયુટના પરિસરમાં કુલ રૂ. ૧૪૭ કરોડના ખર્ચે નિર્માણ થનારા હોસ્ટેલ ભવન, એકેડેમીક બ્લોક તથા ફેકલ્ટી હાઉસીંગના ભૂમિપૂજન પણ વિડીયો કોન્ફરન્સ દ્વારા ગાંધીનગરથી જાેડાઇને કર્યા હતા. શિક્ષણ મંત્રી જિતુભાઇ વાઘાણી, યુનિવર્સિટીના બોર્ડ ઓફ ગર્વનન્સના ચેરમેન શ્રી સુધીર મહેતા તેમજ પ્રાધ્યાપક ગણ, પદવી મેળવનાર યુવા છાત્રો આ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પદવી મેળવનારા યુવાઓને પ્રેરણા આપતાં જણાવ્યું કે, ગુજરાતની યુવાશક્તિને ગ્લોબલ યુથ બનાવવાની નરેન્દ્રભાઇ મોદીની પ્રતિબદ્ધતામાંથી રાજ્યમાં સેક્ટરલ યુનિવર્સિટીઝની નવતર ભેટ મળી છે. તેમણે આ સંદર્ભમાં કહ્યું કે, રક્ષાશક્તિ યુનિવર્સિટી, રેલ્વે યુનિવર્સિટી, મરિન યુનિવર્સિટી, પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી, સ્ટાર્ટઅપ યુનિવર્સિટી અને ફોરેન્સીક સાયન્સીસ યુનિવર્સિટી સહિતની બહુવિધ યુનિવર્સિટીઓમાં હવે આઇઆઇટી આરએએમનું નામ પણ જાેડાઇ ગયું છે.

ભૂપેન્દ્ર પટેલે ર૧મી સદી જ્ઞાન-વિજ્ઞાનની સદી છે અને ભારત આ સદીમાં વિશ્વગુરૂ બનવા પ્રધાનમંત્રીશ્રીના દિશાદશર્નમાં સજ્જ બન્યું છે. ગુજરાત તેનું કેન્દ્રબિન્દુ બનવા આવી વિવિધ વૈશ્વિક જ્ઞાન પિરસતી યુનિવર્સિટીઓથી પ્રતિબદ્ધ છે તેમ પણ ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, દેશમાં જ્યારે ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટની વાતો થતી હતી ત્યારે નરેન્દ્રભાઇ મોદીએ આજથી દશક પહેલાં આગવી દીઘદ્રર્ષ્ટિથી ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટમાં યોગદાન આપતા યુવાનો ગુજરાતમાં તૈયાર કરવા આઇઆઇટી આરએએમનું બિજ રોપ્યુ હતું.

તેમણે કહ્યું કે, વડાપ્રધાનએ દેશમાં ઓવર ઓલ ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ માટે નેશનલ ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટ પાઇપલાઇન, મલ્ટિ મોડેલ કનેક્ટીવીટીના ઇન્ફ્રાસ્ટ્રકચર માટે પી.એમ ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન જેવી પહેલ કરી છે.

ગુજરાતનો યુવાન આવા ક્ષેત્રોમાં પોતાના જ્ઞાન કૌશલ્યથી પ્રદાન કરે તેવું જ્ઞાન આ યુનિવર્સિટી પુરૂં પાડે છે તેમ પણ તેમણે જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ પદવી ધારક યુવાઓને આહવાન કર્યુ કે, ર૧મી સદીના વિકસીત ભારતમાં યુવાશક્તિ તરીકે તેઓ પોતાની જાતને કયાં જાેવા માંગે છે તે નિર્ધાર કરીને એ દિશામાં કાર્યરત થવાનો સંકલ્પ યુવાઓએ કરવો પડે. તેમણે જણાવ્યું કે, આર્ત્મનિભર ભારતના નિર્માણમાં આ યુવાશક્તિ માટે અનેક અવસરો અને તકો છે અને તેના સામર્થ્યથી આર્ત્મનિભર ગુજરાતથી આર્ત્મનિભર ભારતની નેમ પાર પડશે એવો તેમને દ્રઢ વિશ્વાસ છે.

ભૂપેન્દ્ર પટેલે એમ પણ ઉમેર્યુ કે, વિશ્વની માંગ પારખીને ગુજરાતમાં આપણે એવી યુનિવર્સિટીઓ અને સંસ્થાઓ ઉભી કરી છે કે ગુજરાતનો યુવાન વિશ્વ સાથે બરોબરી કરી શકે. એટલું જ નહિ, આંખમાં આંખ મેળવીને વાત કરી શકે તેવો સક્ષમ બને.

નવી શિક્ષણ નીતિ એનઇપીમાં હોલિસ્ટીક એજ્યુકેશનલ ડેવલપમેન્ટનો જે ધ્યેય રાખવામાં આવ્યો છે તેને સુસંગત રોડ મેપ ગુજરાતે તૈયાર કર્યો છે એમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ પદવી પ્રાપ્ત કરીને સમાજમાં પદાર્પણ કરી રહેલા યુવાઓને રાજ્ય અને રાષ્ટ્રને ગૌરવ અપાવે તેવા રાષ્ટ્રહિત કાર્યો અને જનકલ્યાણની ભાવનાને તેમના જીવનનો અભિન્ન હિસ્સો બનાવવા પણ અનુરોધ કર્યો હતો.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.