Western Times News

Gujarati News

મુખ્યમંત્રીએ રાષ્ટ્રીય બાળ પુરષ્કાર વિજેતા સૂરતની દિકરી અન્વીનુ સન્માન કર્યુ

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે ગીર સોમનાથના પ્રભાસપાટણ ખાતે ધ્વજ વંદન સમારોહ સંપન્ન: કોવિડ પ્રોટોકોલ સાથે રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વની ગરીમા પૂર્ણ ઉજવણી કરાઇ

ગીર સોમનાથ જિલ્લાના વિકાસ કાર્યો માટે રૂ. પ કરોડની ભેટ આપતા મુખ્યમંત્રીશ્રી

૭૩મા  પ્રજાસત્તાક પર્વના સુપ્રભાતે રાજ્યકક્ષાની ઉજવણીમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ-પ્રભાસ પાટણના સદભાવના ગ્રાઉન્ડ ખાતે ધ્વજવંદન કર્યું હતું.

તિરંગાને સલામી આપી ગીર સોમનાથથી સમગ્ર રાજ્યના પ્રજાજનોને ૭૩માં પ્રજાસત્તાક પર્વની શુભકામના પાઠવી હતી.

મુખ્યમંત્રીશ્રીએ તિરંગો લહેરાવ્યો ત્યારે રાષ્ટ્રપ્રેમની ભાવના સાથે વાયુદળના હેલીકોપ્ટરમાંથી સમારોહના સ્થળે આકાશમાંથી પુષ્પ વર્ષા કરવામાં હતી.

કોવીડ-૧૯ની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને કોવીડ પ્રોટોકોલ સાથે યોજાયેલ આ રાષ્ટ્રીય પર્વ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ  ખુલ્લી જીપમાં વિવિધ પ્લાટુનનું નિરીક્ષણ કરી લોકોનું અભિવાદન ઝીલ્યુ હતું. ખુલ્લી જીપમાં નિરીક્ષણ વેળાએ મુખ્યમંત્રીશ્રીની સાથે મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર અને પોલીસ મહાનિર્દેશક શ્રી આશિષ ભાટિયા પણ જોડાયા હતા. પરેડનુ નેતૃત્વ આઇ.પી.એસ. અને મદદનીશ પોલીસ અધીક્ષકશ્રી અભિષેક ગુપ્તાએ કર્યુ હતુ. તેમજ સેકન્ડ પરેડ કમાન્ડર તરીકે મદદનીશ પોલીસ કમિશનરશ્રી સાગર સાબડા રહ્યા હતા.

પરેડમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર પ્લાટુનમાં પ્રથમ ક્રમે ગુજરાત જેલ પોલીસ પ્લાટુન, દ્વિતીય ક્ર્મે ગુજરાત મરીન કમાન્ડો પ્લાટુન અને ત્રીજા ક્રમે જૂનાગઢ મહિલા પોલીસ પ્લાટુન અને પેરા મીલીટ્રી કેટેગરીમાં રેપીડ એક્શન ફોર્સના પ્લાટુન કમાન્ડરને ટ્રોફી એનાયત કરી સન્માન કર્યુ હતું.

આ પ્રસંગે રાષ્ટ્રીય બાળ પુરષ્કાર-૨૦૨૨ વિજેતા અને શારીરિક અક્ષમતા છતા યોગાસનમાં મહારત હાંસલ કરનાર ગુજરાતની દિકરી સુશ્રી અન્વી ઝાંઝરૂકીયાનું મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે સન્માન કરવામાં આવ્યુ હતુ.

આ પ્રસંગે કરૂણા અભિયાન અંતર્ગત ઉત્કૃષ્ટ કામગીરી કરનાર વેટરનરી ડૉ.પાર્થકુમાર મહેતા, પ્રકૃતિ નેચર ક્લબના શ્રી યોગેશભાઇ ચુડાસમા, આગાખાન એજન્સી ફોર હેબીટાટ, ચિત્રાવડના શ્રી અરવિંદભાઇ ભગવાનભાઇ મેર, વોલન્ટીયર શ્રી સુરેશભાઇ બચુભાઇ બાખલખીયા અને શ્રી નિતિનભાઇ હરેશભાઇ રામનું મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે બહુમાન કરવામાં આવ્યુ હતું.

મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં કોરાના વોરિયર-ફ્રન્ટ લાઇન કાર્યકર્તાઓને કોરોના વેક્સિનનો પ્રિકોસન ડોઝ આપવામાં આવ્યો હતો.

મુખ્યમંત્રીશ્રીના હસ્તે ગીર સોમનાથના કલેક્ટર શ્રી રાજદેવસિંહ ગોહિલને નગરપાલિકા વિસ્તારના વિકાસ માટે રૂ.૨.૫૦ કરોડનો અને જિલ્લાના ગ્રામિણ વિસ્તારના વિકાસ માટે ડી.ડી.ઓ.શ્રી રવિન્દ્ર ખતાલેને રૂ. ૨.૫૦ કરોડનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીના સમારોહમાં જુદા-જુદા સુરક્ષા દળોની ૧૮ જેટલી પ્લાટુન્સ દ્વારા શિસ્તબદ્ધ રીતે પરેડ કરવામાં આવી હતી. આ પ્લાટુન્સમાં કોસ્ટ ગાર્ડ, આર.એ.એફ. વસ્ત્રાલ, મરીન કમાન્ડો જામનગર, જૂનાગઢ મહિલા પોલીસ પ્લાટુન, રાજકોટ શહેર પોલીસ મહિલા પ્લાટુન, ગીર સોમનાથ જિલ્લા પોલીસ, ગુજરાત જેલ પોલીસ, પોરબંદર જિલ્લા પોલીસ, અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ, ગુજરાત વન વિભાગ મહિલા પ્લાટુન, જિલ્લા હોમગાર્ડ પ્લાટુન, જિલ્લા સાગર રક્ષક દળ પ્લાટુન, વિદ્યાર્થીઓની એન.એસ.એસ. પ્લાટુન, ગુજરાત શ્વાન દળ, ગુજરાત અશ્વ દળ અને એસ.આર.પી. પાઈપ બેન્ડ પ્લાટુન્સ કદમ-તાલ સાથે રાષ્ટ્ર ધ્વજને સલામી આપી હતી.

મુખ્યમંત્રીશ્રી ધ્વજવંદન કાર્યક્રમ પૂર્વે સોમનાથ મહાદેવ મંદીર પરીસરમાં સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી. બહારના રાજ્યોના દર્શનાર્થીઓ સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી. કાર્યક્રમ બાદ સોમનાથ ટ્રસ્ટની ગૌશાળાની મુલાકાત લઇ વૃક્ષારોપણ કરર્યુ હતુ તેમજ ચંદનવનની પણ મુલાકાત લીધી હતી.

આ પ્રસંગે અધિક મુખ્ય સચિવશ્રી એ.કે.રાકેશ, સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ રામીબેન વાઝા, ધારાસભ્યશ્રી પુંજાભાઇ વંશ, શ્રી વિમલભાઇ ચુડાસમા, પ્રદેશ ભાજપ મંત્રી શ્રી ઝવેરીભાઇ ઠકરાર, જિલ્લા કલેકટર શ્રી રાજદેવસિંહ ગોહિલ, પૂર્વ મંત્રી જશાભાઇ બારડ, પૂર્વ ધારાસભ્ય શ્રી રાજશીભાઈ જોટવા, શ્રી જે.ડી.સોલંકી, નગરપાલિકાના પ્રમુખ શ્રી પિયુષભાઈ ફોફંડી, સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી માનસિંહ પરમાર, એસ.પી.શ્રી રાહુલ ત્રિપાઠી સહિતના સમાજ શ્રેષ્ઠીઓ, મહાનુભાવો જોડાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.