Western Times News

Gujarati News

રિદ્ધિની અનોખી સિદ્ધિ: પહેલાથી બારમાં ધોરણ સુધીનું ભણતર એક પણ રજા પાડ્યા વગર પૂરૂં કર્યુ

પ્રજાસત્તાક પર્વના કાર્યક્રમમાં પહેલીવાર આ પ્રકારની સિદ્ધિ નું સન્માન થયું

રિદ્ધિ રામચંદાણી એ એક પણ રજા પાડ્યા વગર ૧૦૦ ટકા હાજરી સાથે પહેલા થી બારમા ધોરણ સુધીનું ભણતર પૂરું કરવાની અશકય જણાતી સિદ્ધિ શક્ય બનાવી છે…

રિદ્ધિ ના પિતા મહેશભાઈ કહે છે કે અમારી દીકરીની ભણતર પ્રત્યેની નિષ્ઠા ભગવાનની કૃપા અને ઘરના પ્રસંગોમાં પણ શાળામાં રજા ન પાડવાના સંકલ્પ થી આ શક્ય બન્યું….

વડોદરા, વડોદરા માં તા.૧૫ મી ઓગષ્ટ અને તા.૨૬ મી જાન્યુઆરીના રાષ્ટ્રીય પર્વો ની સ્વતંત્રતા કાળ થી નિયમિત જિલ્લા કક્ષાની ઉજવણી થાય છે.આ કાર્યક્રમોમાં નિષ્ઠાવાન કર્મચારીઓ અને અધિકારીઓ તેમજ સિદ્ધિ મેળવનારાઓ નું બહુમાન કરવામાં આવે છે.

જો કે આ ઉજવણીના ઇતિહાસમાં ગઈકાલના ગણતંત્ર દિવસ કાર્યક્રમમાં પહેલીવાર બે અદભૂત ઘટનાઓ ઘટી.

પહેલી ઘટના એ કે આ દિવસે યોજાતી ગણવેશધારી દળોની પરેડ અને સલામીનું નેતૃત્વ ઇતિહાસમાં  પહેલીવાર મહિલા મદદનીશ પોલીસ કમિશનર રાધિકા એ કર્યું.

બીજી ઘટના એ કે માત્ર વડોદરામાં જ નહિ પરંતુ કદાચિત આખા ગુજરાતમાં પહેલીવાર આ કાર્યક્રમમાં રિદ્ધિ રામચંદાણીનું,સતત એક થી બાર ધોરણ સુધીનું ભણતર શાળામાં એક પણ દિવસની રજા પાડ્યા વગર,૧૦૦ ટકા હાજરી સાથે પૂરું કરવા માટે મંત્રીશ્રી ના હસ્તે સન્માન કરવામાં આવ્યું.

રિદ્ધિ ની આ અશક્ય જણાતી સિદ્ધિને તેની શાળા સમા સ્થિત નવરચના ( cbse) એ પ્રમાણિત કરી છે અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા આ સન્માનની ભલામણ કરવામાં આવી હતી.રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમારે ગણતંત્ર દિવસ સમારોહમાં પ્રમાણપત્ર પ્રદાન કરાવી તેની સિદ્ધિને વધાવી.

બેટી બચાવો, બેટી વધાવો અને બેટી પઢાઓ અભિયાનને દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી જાતે પ્રોત્સાહિત કરી રહ્યાં છે ત્યારે રિઘ્ધીની આ સિદ્ધિ તેને વેગ આપનારી ગણી શકાય.

છટ્ઠા ધોરણના અભ્યાસ સુધી તો રિદ્ધિ દર વર્ષે શાળામાં ૧૦૦ ટકા હાજરી માટે એવોર્ડ મેળવે એ સહજ રીતે બનતું રહ્યું એવી લાગણી વ્યક્ત કરતાં તેના પિતા મહેશ રામચંદાણી એ જણાવ્યું કે તે પછી રિદ્ધિ એ જાતે હવે બારમા ધોરણ સુધી એક પણ રજા પાડ્યા વગર ભણવું છે એવો સંકલ્પ સભાનતા સાથે કર્યો અને મેં તથા મારા ધર્મપત્ની ભાવિતા અને સમગ્ર પરિવારે તેના સંકલ્પને પીઠબળ આપ્યું.

માતારાણી અને ઠાકોરજી ની કૃપા વગર આ શક્ય ના બને એવી ભાવના વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું કે રિદ્ધિ ના સમગ્ર અભ્યાસ દરમિયાન માંદગીના લીધે એકપણ રજા લેવાનો પ્રસંગ ભગવાનની દયા થી બન્યો જ નહિ.

અને સામાજિક તથા પારિવારિક પ્રસંગોમાં પણ અમે સૌ ને સમજાવીને તેની એક દિવસની છુટ્ટી પડવા દીધી નથી.લગ્ન પ્રસંગે બહારગામ જવાનું થયું હોય તો  અમે પ્રસંગ વચ્ચે એને લઈને વડોદરા પાછા આવ્યા અને શાળામાં હાજરી અપાવી પાછા ગયા એ રીતે વ્યવસ્થા સાચવી છે.શાળા પરિવારે પણ રિધ્ધીની આ ધગશને સતત પીઠબળ આપી એને પ્રોત્સાહિત કરી.

અભ્યાસમાં તેજસ્વી રિદ્ધિ દશમા અને બારમા ધોરણની બોર્ડ પરીક્ષાઓમાં પણ શાળામાં ટોપર રહી.છેલ્લું વર્ષ કોરોના નો કપરો કાળ હતો પણ સદનસીબે રોગચાળો ફેલાયો તે પહેલાં તેનો શાળાકીય અભ્યાસ પૂરો થઈ ગયો હતો. અહીં પણ પ્રભુકૃપા થી કોરોના નો અવરોધ તેને નડ્યો નહિ.

નવરચના પરિવારના સુકાની તેજલ અમીને તેમની સંસ્થા માટે રિધ્ધિની સિદ્ધિ ને ગૌરવ રૂપ ગણાવીને તેનું બહુમાન કર્યું છે.

૧૨ વર્ષને ૩૬૫ દિવસ થી ગુણીએ તો ૪૩૮૦ દિવસ થાય.શાળાએ રિદ્ધિ ને આપેલા પ્રમાણપત્ર પ્રમાણે આ વર્ષો દરમિયાન શાળામાં વેકેશન અને રજાઓને બાદ કરતાં કુલ ૨૬૮૨ દિવસ અભ્યાસ ચાલ્યો અને તે તમામ દિવસ તે શાળામાં ઉપસ્થિત રહી.

હાલમાં રિદ્ધિ પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટીમાં બી.બી.એ.ઓનર્સ નો અભ્યાસ કરે છે. એનું ધ્યેય યુ.પી.એસ.સી.ની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈને સિવિલ સર્વંટ તરીકે દેશ અને સમાજની સેવા કરવાનું છે.કોરોના નો અવરોધ છે તો પણ તે ઉચ્ચ શિક્ષણ પણ નિયમિત ઉપસ્થિતિ દ્વારા પૂરું કરવાની ખેવના ધરાવે છે.

રિદ્ધિની, આ સહજ સંકલ્પ થી, પરિવારની કાળજી અને શાળાના પ્રોત્સાહન થી તેમજ દૈવ કૃપાથી મળેલી સિદ્ધિ સમગ્ર વિદ્યાર્થી જગત માટે પ્રેરણાપ્રદ છે.અશકય સિદ્ધિ મેળવનાર રિદ્ધિને ખૂબ ખૂબ અભિનંદન….


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.