Western Times News

Gujarati News

યુએસે ઘૂસેલા ૭ને ઝડપ્યા, ખોટા નામથી મામલો ગૂંચવાયો

ગાંધીનગર, કેનેડા-અમેરિકાની બોર્ડર પર ગુજરાતી પરિવારના ચાર લોકોના ઠંડીથી મોત પછી ગેરકાયદેસર અમેરિકામાં ઘૂસણખોરીનો મુદ્દો ભારે ચર્ચામાં છે.

આ મામલે ગુજરાત, કેનેડા અને અમેરિકાની પોલીસ તપાસ કરી રહી છે. દરમિયાનમાં અમેરિકાએ ગેરકાયદેસર ઘૂસેલા ૭ લોકોની ચારેક દિવસ પહેલા ધરપકડ કરી છે અને જાણવા મળ્યા મુજબ તે તમામે અમેરિકા પોલીસને ખોટા નામ જણાવ્યા હોવાથી મામલો ગૂંચવાયો છે.

અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસવાનો પ્રયાસ કરવા દરમિયાન કેનેડા બોર્ડરે ઠંડીમાં ઠુંઠવાઈ જતા ગુજરાતી પરિવારના ૪ લોકોના મોત થઈ ગયા હતા. જેમાં બે નાના બાળકો પણ હતા. આ મામલો સામે આવ્યા પછી અમેરિકામાં ભારતીયોની ગેરકાયદેસર ઘૂસણખોરી ચર્ચાનો વિષય બની ગઈ છે.

તેમાંય ખાસ કરીને ગુજરાતીઓની ગમે તેમ કરીને અમેરિકા જવાની ઘેલછા વધુ ચર્ચામાં આવી છે. કેનેડા બોર્ડરે મોતને ભેંટેલો ગુજરાતી પરિવાર કલોલ પાસેની ડીંગુચા ગામનો હોવાનું જણાવાઈ રહ્યું છે. આ લોકો વિઝિટર વિઝા પર દુબઈથી કેનેડા પહોંચ્યા હતા અને ત્યાંથી ગેરકાયદેસર અમેરિકા ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને એ દરમિયાન તેમનું ઠંડીથી મોત થઈ ગયું હતું.

આ મામલે તેમજ ગુજરાતમાંથી અમેરિકા જવા નીકળેલા અને ગુમ થઈ ગયા હોવાની ફરિયાદ જેમના પરિવારે કરી છે, તેવા લોકોની તપાસ ગુજરાતની સીઆઈડી કરી રહી છે.

જ્યારે કેનેડામાં ચાર લોકોના મોત થયા તેની ઓળખ કરવાની કાર્યવાહી કેનેડા પોલીસે હાથ ધરી છે અને ગેરકાયદેસર રીતે કેનેડાથી બોર્ડરથી અમેરિકામાં ઘૂસતા પકડાયેલા ૭ લોકોના મામલે અમેરિકા પોલીસ તપાસ કરી રહી છે. એક ન્યૂઝ ચેનલના અહેવાલ મુજબ, ગુજરાત સીઆઈડીને જાણવા મળ્યું છે કે, આ ૭ લોકોએ અમેરિકાની પોલીસને પોતાની ખોટી ઓળખ આપી છે. આ લોકો પાસે પોતાની ઓળખનો એક પણ સાચો પુરાવો નથી.

એ બધાએ પોતાના ખોટા નામ અને સરનેમ લખાવી છે. જેથી આ મામલો ગૂંચવાયો છે. પકડાયેલા ૭ લોકોમાંથી એક પ્રિન્સ નામનો યુવક ગાંધીનગર નજીકના બદરપુરાનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. જેણે પોતાની અટક પટેલ જણાવી છે, પરંતુ તેની સાચી અટક ચૌધરી હોવાનું જાણવા મળ્યું છે. આમ, આ લોકોએ પોતાની સાચી ઓળખ ન જણાવતા મામલો વધુ ગૂંચવાયો છે.

ગુજરાત પોલીસ સતત અમેરિકા અને કેનેડાની એમ્બેસી સાથે સંપર્કમાં છે, પરંતુ ખોટા નામોને કારણે તપાસમાં આગળ વધારવામાં મુશ્કેલી આવી રહી છે. આ ઉપરાંત ડીંગુચાના જે ચાર લોકોના કેનેડા બોર્ડરે મોત થયા છે, તે સાચા વિઝા લઈને કેનેડા પહોંચ્યા હતા કે નકલી વિઝા લઈને તે અંગે પણ ગુજરાત સીઆઈડીએ તપાસ શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે, કેનેડા બોર્ડર પર ગુજરાતના ચાર લોકોનો મોતનો મામલો સામે આવ્યા બાદ ગુજરાતીઓની અમેરિકા જવાની ઘેલછાને લઈને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ટિપ્પણી કરી હતી કે, અહીં પૂરતી તકો મળતી ન હોવાથી અહીંના છોકરાઓ અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસી રહ્યા છે. તો બીજી તરફ રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ આ વાતનો આડકતરી રીતે જવાબ આપતા કહ્યું હતું કે, ગુજરાતમાં પૂરતી તકો છે. આમ, આ મામલો હવે રાજકીય મુદ્દો પણ બનતો જઈ રહ્યો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.