Western Times News

Gujarati News

૨૦૨૩ માટેના એચ-૧બી વિઝાનું રજિસ્ટ્રેશન પહેલી માર્ચથી શરુ થશે

વોશિંગ્ટન, નાણાકીય વર્ષ ૨૦૨૩ માટે એચ-૧બી વિઝાનું રજિસ્ટ્રેશન પહેલી માર્ચથી શરૃ કરવામાં આવશે. યુએસ ફેડરલ ઇમિગ્રેશન એજન્સીના જણાવ્યા અનુસાર પસંદ થયેલા અરજકર્તાઓને ૩૧ માર્ચ સુધીમાં ઓનલાઇન જાણ કરી દેવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે એચ-૧બી વિઝા એક નોન ઇમિગ્રન્ટ વિઝા છે જે અમેરિકન કંપનીઓને વિદેશી કર્મચારીઓને નોકરી પર રાખવાની પરવાનગી આપે છે. આ વિઝા હેઠળ એવા વિદેશી કર્મચારીઓને નોકરી પર રાખવામાં આવે છે જેમની પાસે વિશેષ ટેકનિકલ જ્ઞાાન હોય.

યુએસ સિટિઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ(યુએસસીઆઇએસ)એ એક નિવેદનમાં જણાવ્યું છે કે નાણાકીય વર્ષ ૨૦૨૩ માટે એચ-૧બી વિઝા મેળવવા માટેની અરજીઓ ૧ માર્ચથી ૧૮ માર્ચ, ૨૦૨૨ સુધી કરી શકાશે.

એજન્સીએ વધુમાં જણાવ્યું છે કે આ સમયગાળા દરમિયાન અરજકર્તાઓ અને પ્રતિનિધિઓ  ઓનલાઇન એચ-૧બી રજિસ્ટ્રેશન સિસ્ટમનો ઉપયોગ કરીને પોતાનું રજિસ્ટ્રેશન પૂર્ણ કરી શકશે.હાલમાં અમેરિકન સંસદે આપેલી મંજૂરી મુજબ દર વર્ષે ૬૫,૦૦૦ એચ-૧બી વિઝા આપવામાં આવે છે.

આ ઉપરાંત અમેરિકાની યુનિવર્સિટીમાંથી વિજ્ઞાાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથ્સમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હોય તો તેમના માટે વધુ ૨૦,૦૦૦ એચ-બી વિઝા જારી કરવામાં આવે છે. અરજકર્તાઓએ ૧૦ ડોલરની રજિસ્ટ્રેશન ફી પણ ચુકવવી પડશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.