Western Times News

Gujarati News

યુવાનોને વર્ષોથી દાંતને ઘસીને ચપટા કરવાની પ્રથા

નવી દિલ્હી, દુનિયાના દરેક દેશમાં રહેતા લોકોની પોતાની અલગ અલગ પ્રકારની માન્યતાઓ હોય છે, જે તે દેશમાં સદીઓથી ચાલી આવે છે. આ માન્યતાઓ પર આધાર રાખીને, આ દેશો અને તેના લોકો શ્વાસ લે છે, જીવીત રહે છે કારણ કે લોકોને આ માન્યતાઓમાં અતૂટ વિશ્વાસ છે.

કોઈ પણ આશ્ચર્યજનક પરંપરાને સાચી અને ખોટી ગણી શકાય નહીં કારણ કે તે અન્ય લોકો માટે આશ્ચર્યજનક હોય તો પણ, તે દેશો માટે ખૂબ જ ખાસ છે. આજે અમે તમને ઇન્ડોનેશિયા સાથે જાેડાયેલી એક ખાસ માન્યતા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં લોકોના દાંત ઘસાવામાં આવે છે. ઇન્ડોનેશિયાના દક્ષિણ બાલીમાં એક ગામ છે, જ્યાં વર્ષોથી દાંતને ઘસીને ચપટા કરવાની પ્રથા ચાલી આવી છે.

તમે જાણતા જ હશો કે મનુષ્યના મોઢામાં ઘણા પ્રકારના દાંત હોય છે. સામાન્ય રીતે, મનુષ્યના મોઢામાં ૪ અણીદાર દાંત હોય છે, જેને કેનાઇન દાંત કહેવામાં આવે છે.

આ કેનાઇનનો ઉપયોગ દાંત, માંસ અથવા સખત ખોરાકને દૂર કરવામાં થાય છે. આ દાંત પણ ખૂબ જ મહત્વના છે, પરંતુ બાલીના આ ગામમાં આ દાંત ઘસીને ચપટા કરી દેવામાં આવે છે.

વર્ષ ૨૦૧૭માં, એક ફ્રેન્ચ ફોટોગ્રાફરએ દાંત ઘસવાની આખી વિધિ પર એક ફોટો શ્રેણી બહાર પાડી હતી જેમાં તેણે આ વિધિ શા માટે અને કેવી રીતે કરવામાં આવે છે તે વિગતવાર સમજાવ્યું હતું. ડેઈલી મેલ વેબસાઈટના રિપોર્ટ અનુસાર એરિકે કહ્યું કે બાલીના લોકો માને છે કે શેતાન અને ભગવાન બંને મનુષ્યની અંદર રહે છે.

આ વિધિ દ્વારા, શેતાન નાબૂદ થાય છે. અણીદાર દાંત એ પ્રાણી અથવા અનિષ્ટનું પ્રતીક છે, તે ઘસીને ઓછા અણીદાર કરવામાં આવે છે. આ માન્યતા દ્વારા, લોભ, ઈર્ષ્યા, અભિમાન અથવા બીજા પ્રત્યેની ખરાબ ઇચ્છાની લાગણી મનુષ્યની અંદરથી દૂર થઈ જાય છે.

રિપોર્ટ અનુસાર ૫મી સદીમાં સનાતન ધર્મે ઈન્ડોનેશિયામાં પગ મૂક્યો ત્યારથી આ પ્રથા ચાલી રહી છે. જ્યારે યુવકનો અવાજ ઘટ્ટ થવા લાગે છે અને જ્યારે યુવતીને પહેલી વાર પીરિયડ્‌સ આવે છે, ત્યારે તેમની સાથે વિધિ કરવામાં આવે છે. આ વિધિ શરૂ થવાના બે દિવસ પહેલા જ યુવક-યુવતીઓ પ્રાર્થના કરવા લાગે છે. પછી એક પંડિત, ફાઈલરનો ઉપયોગ કરીને, દાંતને આકાર આપે છે.

આ વિધિમાં પરિવાર અને મિત્રો ભેગા થાય છે અને તે લગ્ન જેવી ખાસ વિધિની જેમ જ પૂર્ણ થાય છે. વિધિ શરૂ કરતા પહેલા રૂબી રિંગને દાંતથી સ્પર્શ કરવામાં આવે છે, જે સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ધાર્મિક વિધિ દરમિયાન, બધા યુવાઓને ઘેરાવામાં આવે છે અને ધાર્મિક વિધિ પછી ઉજવણી કરવામાં આવે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.