Western Times News

Gujarati News

પ્રકૃતિની રક્ષા સાથે ખેતી અને ખેડૂતોની સમૃદ્ધિ માટે પ્રાકૃતિક કૃષિ એ આજના સમયની માંગ – રાજ્યપાલ

Gov. of Gujarat

અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંક લિ. દ્વારા આયોજીત પ્રાકૃતિક કૃષિ તાલીમ કાર્યક્રમમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા રાજ્યપાલશ્રીનું માર્ગદર્શન

ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંક લિ. દ્વારા આયોજીત પ્રાકૃતિક કૃષિ તાલીમ કાર્યક્રમમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા અનુરોધ કર્યો હતો. રાજ્યપાલશ્રીએ જણાવ્યુ હતું કે, પ્રકૃતિની રક્ષા સાથે ખેતી અને ખેડૂતોની સમૃદ્ધિ માટે પ્રાકૃતિક કૃષિ એ આજના સમયની માંગ છે.

અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંક લિ. સાથે એક લાખથી વધુ ખેડૂતો જોડાયેલા છે. બેંકના કાર્યક્ષેત્રના વિસ્તારમાંથી દસક્રોઇ, ગાંધીનગર અને દેહગામ એમ ત્રણ તાલુકાના ખેડૂતો માટે બેંક દ્વારા પ્રાકૃતિક કૃષિ તાલીમ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ તાલીમ કાર્યશાળામાં ઉપસ્થિત ખેડૂતોને સંબોધતા રાજ્યપાલશ્રીએ જણાવ્યુ હતું કે, ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેંદ્રિય ગૃહ અને સહકાર વિભાગના મંત્રી શ્રી અમિતભાઈ શાહ દેશભરના ખેડૂતોની સમૃદ્ધિ માટે સતત પ્રયાસરત છે. તેમણે ખેડૂતો અને ખેતીને આત્મનિર્ભર બનાવવાના સંકલ્પ સાથે ખેડૂતોને રાસાયણિક કૃષિના દુષ્પરિણામોથી મુક્તિ મેળવી પ્રાકૃતિક કૃષિ અપનાવવા અનુરોધ કર્યો છે.

રાજ્યપાલશ્રીએ જણાવ્યુ હતુ કે, રાસાયણિક કૃષિમાં ખાતરો અને જંતુનાશક દવાઓના અંધાધૂંધ ઉપયોગને કારણે ખેતી લાયક જમીન પોતાની ફળદ્રુપતા ગુમાવી રહી છે. એટલું જ નહીં પાણી અને પર્યાવરણ પણ દુષિત થાય છે. ખાદ્યાન્નોમાં રસાયણો ભળવાને કારણે લોકો કેંસર, ડાયાબિટિસ અને હ્રદયરોગ જેવી અસાધ્ય બિમારીનો ભોગ બની રહ્યા છે.

કૃષિ ખર્ચ વધતો રહ્યો છે અને ઉત્પાદન દિન-પ્રતિદિન ઘટતુ રહ્યુ છે, જેથી ખેડૂતોની આર્થિક સ્થિતિ કથળી રહી છે, આ તમામ સમસ્યાનો ઉકેલ પ્રાકૃતિક કૃષિ દ્વારા મળી શકે છે, કારણ કે, આ કૃષિ પદ્ધતિમાં એક દેશી ગાયની મદદથી 30 એકર ભૂમિમાં પ્રાકૃતિક કૃષિ થઈ શકે છે.

રાજ્યપાલશ્રીએ દેશી ગાયના છાણ અને ગૌ-મૂત્રમાંથી બનતા જીવામૃત અને ઘનજીવામૃતની ઉપયોગિતા દર્શાવી પ્રાકૃતિક ખેતીના બીજામૃત, જીવામૃત-ઘનજીવામૃત, આચ્છાદન અને વાપ્સાના મહત્વને સમજાવ્યું હતું. તેમણે જણાવ્યુ હતું કે, પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી અળસિયાં જેવા મિત્ર-જીવોની વૃદ્ધિ થાય છે અને સરવાળે જમીનની ફળદ્રુપતા વધે છે.

પ્રાકૃતિક કૃષિથી પાણીની પચાસ ટકા જેવી બચત થાય છે. રાજ્યપાલશ્રીએ ઉપસ્થિત ખેડૂતોને પ્રશિક્ષણ દ્વારા માસ્ટર ટ્રેનર બની અન્ય ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે પ્રેરિત કરવા પણ અનુરોધ કર્યો હતો.

આ તાલીમ કાર્યશાળામાં સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ ગુજરાત પ્રદેશના શ્રી દિક્ષિતભાઇ પટેલે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે પ્રશિક્ષણ આપ્યુ હતું. આ પ્રસંગે અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો-ઓપ. બેંકના સી.ઇ.ઓ શ્રી એમ. એમ. બહેરિયા, ગુજરાત સ્ટેટ કો-ઓપેરટિવ બેંકના સી.ઈ.ઓ. શ્રી પ્રદીપભાઈ વોરા, જનરલ મેનેજર શ્રી મનોજભાઈ પટેલ સહિત મહાનુભાવો અને પ્રગતિશીલ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.