Western Times News

Gujarati News

પેટલાદમાં પુનઃ અશાંતધારાની માંગ ઉઠી

(પ્રતિનિધિ) પેટલાદ, આણંદ જીલ્લાના અતિ સંવેદનશીલ ગણાતા પેટલાદમાં ફરી એકવાર અશાંતધારો લાગુ કરવાની માંગ ઉઠી છે. આજરોજ શહેરના ગામતળ વિસ્તારમાં આવેલ આંજણાંવાડ તથા લાડવાડામાં રહેતા લોકોએ મામલતદાર, ચીફ ઓફિસર વગેરેને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ પેટલાદ શહેરમાં અતિ પ્રાચિન બહુચરાજી માતાનું મંદિર આવેલ છે. આ મંદિરની આજુબાજુ આંજણાંવાડ તથા લાડવાડા વિસ્તાર આવેલ છે. જ્યાં મહત્તમ આંજણાં સમાજના પરિવારો વસવાટ કરે છે. તેઓએ આજરોજ બપોરે કુટુંબ કબિલા સહિત મામલતદાર અને નગરપાલિકા પહોંચી આવેદનપત્ર આપ્યું હતું. જેમાં પાતાની રજૂઆત છે કે લગભગ ૧૫૦ વર્ષથી આ સમાજ અહિયાં વસવાટ કરે છે.

હાલ પણ સો થી વધુ પરિવારના પાંચ સો થી વધુ લોકો અહિયાં રહે છે. મુખ્યત્વે ખેતી સાથે સંકળાયેલ આ પરિવારોની રજૂઆત છે કે આ વિસ્તાર ખૂબ જ સંવેદનશીલ છે.

આ વિસ્તારની લગોલગ લઘુમતી સમાજનો વિસ્તાર પણ આવેલ છે. આવનાર નવાર કોમી તોફાનો થવાના કારણે આંજણાં સમાજના અસંખ્ય પરિવારો પ્રભાવિત થયા હતા. જેઓને આર્થિક, સામાજીક, શારીરીક નુકશાન પણ થયું હતું. જેને કારણે કેટલાય કુટુંબોએ સલામત વિસ્તારોમાં સ્થળાંતર કરી દિધું હતું.

પરંતુ આર્થિક સંકડામણ અનુભવતા પરિવારોનું શું ? માટે આ વિસ્તારમાં તાત્કાલિક અશાંતધારો લાગુ કરવો જરૂરી છે. ઉપરાંત જ્યારે કોમી તોફાનો ફાટી નીકળે છે, ત્યારબાદ પોલીસ ફરિયાદો અને કોર્ટ કચેરીમાં યુવાનોની ખોટી રીતે સંડોવણી કરવાની ઘટનાનો ઉલ્લેખ પણ આવેદનમાં કરાયો છે. જેને કારણે કોર્ટની મુદતો વર્ષો સુધી ભરી યુવાનોનું જીવન અંધકારમય બની જાય છે.

આ વિસ્તારમાં આ સમાજના કુળદેવી બહુચરાજી માતાનું મંદિર પણ આવેલ છે. જ્યાં વર્ષોથી વાર, તહેવાર, પ્રસંગો ઉજવાય છે. સતત ભયના ઓથાર હેઠળ જીવન પસાર કરતા પરિવારો માટે આ વિસ્તારમાં તાત્કાલિક અશાંતધારો લાગુ કરવાની માંગ કરવામાં આવી છે.

પ્રશ્ન વક્રી રહ્યો છે
પેટલાદમાં થોડા સમય અગાઉ ચાવડી બજાર સ્થિત દલવાડીની ખડકીના રહિશોએ પણ અશાંતધારો લાગુ કરવા માંગ કરી હતી. ગત સમયમાં આવી જ કેટલીક ઘટનાઓ વ્યાસવાડા, મલાવભાગોળ વિસ્તારમાં પણ બની હતી. અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં ગોલવાડ, અરજનફળીયા, કાજીપુરા વગેરે જેવા વિસ્તારના અસંખ્ય લોકોએ આવા જ કારણોસર સ્થળાંતર કર્યું હોવાની વાત ટોક ઓફ ધ ટાઉન છે

અતિસંવેદનશીલ વિસ્તાર
શહેરમાં આંજણાંવાડ, લાડવાડાથી લઈ ટાવર સુધીનો વિસ્તાર અતિ સંવેદનશીલ ગણાય છે. આ વિસ્તારોમાં ૧૯૭૦-૭૧, ૧૯૭૪-૭૫, ૧૯૮૦-૮૧, ૧૯૮૪-૮૫, ૧૯૯૧-૯૨, ૨૦૧૫ જેવા વર્ષોમાં કોમી તોફાનોની ઘટનાઓ બનેલ હોવાનું આવેદનપત્રમાં કરેલ છે. જ્યારે જ્યારે આ વિસ્તારમાં તોફાનો થાય છે ત્યારે તોડફોડ, લૂંટફાટ, પત્થરમારો, આગચંપી જેવા બનાવો બનતા હોવાનું પણ આવેદન દ્વારા રજૂઆત કરેલ છે.

અમારી માંગ…!
આંજણાં સમાજના પરિવારો દ્વારા તાત્કાલિક અશાંતધારો લાગુ કરવાની માંગ કરી છે. ઉપરાંત આ વિસ્તારમાં કાયમી ધોરણે પોલીસ બંદોબસ્ત તથા પોલીસ ચોકી શરૂ કરવા પણ માંગ ઉઠી છે. આંજણાંવાડના વિસ્તારમાં રહેતા લઘુમતી કોમના લોકો પોતાના ઘરો કે જાહેરમાં નોનવેજના ઉપયોગ ઉપર પ્રતિબંધ મૂકવો જાેઈએ. ઉપરાંત પશુ કે પક્ષીઓની હત્યા ઉપર પણ પ્રતિબંધ લાદવા માંગણી કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.