Western Times News

Gujarati News

વિદેશ મોકલી આપવાની લાલચ આપીને એજન્ટ લોકોને દિલ્હી અને કોલકત્તા મોકલતો હતો

એજન્ટ રાજેશ નટવરલાલ પટેલ વિદેશ મોકલી આપવાની લાલચ આપીને લોકોને દિલ્હી અને કોલકત્તા પોતાના સાગરિતો પાસે મોકલી આપતો હતો.

વિદેશ મોકલવાની લાલચ આપી નાણાં પડાવતી ટોળકીનો પર્દાફાશ

ગાંધીનગર, કેનાડામાં એક જ પરિવારના બે બાળકો સહિત ચાર વ્યક્તિઓના ઠંડીમાં ઠરી જવાથી મોત થવાની ઘટનાના ઘરે પડઘા પડ્યાં હતા. આ પરિવારને ગેરકાયદેરીતે અમેરિકામાં ઘુસણખોરી કરાવવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું.

આ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને ગુજરાત પોલીસે વિદેશ મોકલી આપવાની લાલચ આપીને ગેરકાયદે ઘુસણખોરી કરાવતી ટોળકીને ઝડપી લેવા કવાયત આરંભી છે. દરમિયાન ગાંધીનગર એલસીબીએ વિદેશ મોકલી આપવાની લાલચ આપીને લોકો પાસેથી લોકોની રકમ પડાવતી ટોળકીનો પર્દાફાશ કર્યો છે.

આ ટોળકીએ વિદેશજવા ઈચ્છુક ૧૫ વ્યક્તિઓને બંધક બનાવી રાખીને તેમના પરિવારને ખોટી માહિતી આપી નાણા પડાવ્યાં હોવાનું ખૂલ્યું છે. પોલીસે તમામ બંધકોને મુક્ત કરાવીને સમગ્ર રેકેટમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને ઝડપી લેવા માટે કવાયત આરંભી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગરના ખામણા ગામના, મહેસાણાના તથા અમદાવાદ શહેરના નવ દંપતીઓને વિદેશ મોકલવાની લાલચ આપીને તેમને બે મહિનાથી કોલકત્તા અને દિલ્હીમાં બોલાવીને ગોંધી રાખવામાં આવ્યા હોવાની ફરિયાદ ગાંધીનગર એલસીબીને મળી હતી. જેથી ગાંધીનગર એલસીબીએ વિવિધ ટીમો બનાવીને તપાસ શરૂ કરી હતી.

તેમજ બે ટીમો દિલ્હી અને કોલક્ત્તા મોકલવામાં આવી હતી. ગાંધીનગર એલસીબીએ દિલ્હીમાં સ્પેશિયલ સેલની મદદથી પીડિતોને લોકેટ કરીને બાળકો સહિત ૧૫ વ્યક્તિઓને મુક્ત કરાવ્યાં હતા. તેમજ આ તમામ પીડિતોને પરત ગુજરાત લાવવાની કવાયત શરૂ કરવામાં આવી હતી.

પોલીસ તપાસમાં ખૂલ્યું હતું કે, એજન્ટ રાજેશ નટવરલાલ પટેલ વિદેશ મોકલી આપવાની લાલચ આપીને લોકોને દિલ્હી અને કોલકત્તા પોતાના સાગરિતો પાસે મોકલી આપતો હતો. જ્યાં સુશિલ રોય તથા સંતોષ રોય અને કમલ સિંધાનિયાએ વિદેશ જવા ઈચ્છુક લોકોને બંધક બનાવ્યાં હતા.

એટલું જ નહીં તેમને ગોંધીરાખી ધમકાવીને પરિવારજનોને પોતે કેનેડા પહોંચી ગયાના ફોન કરવ્યા હતા. તેમજ તેમની પાસેથી રૂ. ૨.૩૧ કરોડ જેટલી મોટી રકમ પડાવી હતી. પોલીસે સમગ્ર રેકેટનો પર્દાફાશ કરીને એજન્ટ રાજેશ નટવરલાલ પટેલને ઝડપી લીધો હતો. તેમજ તેના અન્ય સાગરિતોને ઝડપી લેવા માટે કવાયત આરંભી છે. પોલીસે સમગ્ર પ્રકરણમાં ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.