Western Times News

Gujarati News

અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમની બહેનના અડ્ડાઓ પર ઈડીના દરોડા

મુંબઇ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ આજે (મંગળવારે) અંડરવર્લ્‌ડ ગતિવિધિઓ, મિલકતોની ગેરકાયદેસર ખરીદી અને હવાલા દ્વારા વ્યવહારો સંબંધિત મની લોન્ડરિંગ કેસની તપાસના ભાગરૂપે મુંબઈમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. અંડરવર્લ્‌ડ ડોન દાઉદ ઈબ્રાહિમની બહેન હસીના પારકરના ઠેકાણાઓ પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા.

મહારાષ્ટ્રની રાજધાનીમાં લગભગ ૧૦ જગ્યાઓ પર સર્ચ કરવામાં આવી છે.ઇડી અધિકારીઓની એક ટીમે વહેલી સવારે દાઉદ ઈબ્રાહિમની બહેન સ્વર્ગસ્થ હસીના પારકરના ઘરે દરોડા પાડ્યા હતા. સૂત્રોએ જણાવ્યું કે દરોડા દરમિયાન કેટલાક ગુનાહિત દસ્તાવેજાે મળી આવ્યા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર આ મામલો અગાઉના મની લોન્ડરિંગ કેસ સાથે સંબંધિત છે જેમાં દાઉદ ઈબ્રાહિમ અને તેના સહયોગીઓ સામેલ છે. એક પ્રોપર્ટી ડીલ તપાસના દાયરામાં છે, જેમાં મહારાષ્ટ્રના એક વરિષ્ઠ રાજકારણી પણ કથિત રીતે સામેલ છે.

ઈડી નેતાઓ અને દાઉદ ઈબ્રાહિમના કથિત સહયોગીઓના નાણાંની લેવડ-દેવડની પણ તપાસ કરી રહી છે.ઇડી ગુપ્ત માહિતી મળ્યા બાદ અને ૧૯૯૩ના મુંબઈ બોમ્બ વિસ્ફોટના મુખ્ય કાવતરાખોર દાઉદ ઈબ્રાહિમ વિરુદ્ધ એનઆઇએ દ્વારા નોંધાયેલી એફઆઇઆરના આધારે કાર્યવાહી કરી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે દાઉદ ઈબ્રાહિમ હજુ પણ તેના વચેટિયાઓ દ્વારા રિયલ એસ્ટેટ બિઝનેસને નિયંત્રિત કરી રહ્યો છે. હવાલા નેટવર્ક દ્વારા તેને અને તેના સહયોગીઓને પૈસા મોકલવામાં આવે છે. કથિત રીતે આ નાણાંનો ઉપયોગ વિવિધ ટેરર મોડ્યુલ દ્વારા સમગ્ર ભારતમાં રાષ્ટ્ર વિરોધી અને આતંકવાદી પ્રવૃત્તિઓ ફેલાવવા માટે કરવામાં આવી રહ્યો છે.

એવું જાણવા મળ્યું છે કે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઇએસઆઇ દાઉદ ઈબ્રાહિમને તેનો બિઝનેસ ચલાવવા અને બિઝનેસમાંથી મળેલા પૈસાથી આતંકવાદી પ્રવૃત્તિઓ ફેલાવવામાં મદદ કરી રહી છે. હાલમાં ઇડીએ કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.