Western Times News

Gujarati News

મુંબઈમાં આ સ્થળે યોજાશે, ઓલિમ્પિક 2023 ઉનાળું સત્ર

IOC(આઈઓસી) સભ્ય શ્રીમતી નીતા અંબાણીએ 2023 માં મુંબઈ IOC સત્રના આયોજનના નિર્ણયને આવકાર્યો

નવી દિલ્હીમાં 1983માં યોજવામાં આવેલા IOC સત્ર (સેશન) પછીના ચાર દાયકામાં ભારત પ્રથમ વખત IOC સત્રનું(સેશન) આયોજન કરશે.

• IOC સભ્ય શ્રીમતી નીતા અંબાણી ઓલિમ્પિક આંદોલન સાથે ભારતના જોડાણમાં મહત્વપૂર્ણ પગલું આગળ ધપાવવા માટેના અસરકારક અભિયાનનું નેતૃત્વ કરે છે

મુંબઈ, ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC) ના સભ્ય શ્રીમતી નીતા અંબાણીએ 2023માં મુંબઈમાં IOC સત્રની યજમાની કરવાનો અધિકાર ભારતને આપવાના આજના અભિભૂત કરતા નિર્ણયને “ભારતની ઓલિમ્પિકની આકાંક્ષાઓ માટે મહત્ત્વપૂર્ણ વિકાસ અને ખૂબ જ ગર્વ અને આનંદની બાબત” હોવાનું જણાવ્યું હતું. વર્ષ 2023 માં IOC સત્રની યજમાની માટેના તેના પ્રસ્તાવ માટે મુંબઈને 75 સભ્યોના સમર્થન સાથે ઐતિહાસિક 99 ટકા મત મળ્યા હતા.

Mrs. Nita Ambani with IOC President Thomas Bach – File Photo

IOC સત્ર એ IOC ના સભ્યોની વાર્ષિક બેઠક છે, જેમાં 101 વોટિંગનો હક ધરાવતા સભ્યો અને 45 માનદ્ સભ્યો હોય છે. તે ઓલિમ્પિક ચાર્ટરને સ્વીકૃતિ આપવા કે તેમાં સુધારો કરવા, IOC સભ્યો અને પદાધિકારીઓની ચૂંટણી અને ઓલિમ્પિક્સના યજમાન શહેરની ચૂંટણી સહિત વૈશ્વિક ઓલિમ્પિક આંદોલનની મુખ્ય પ્રવૃત્તિઓ પર ચર્ચા કરે છે અને નિર્ણય લે છે.

આ નિર્ણય પુષ્ટિ કરે છે કે ભારત 1983 પછી પ્રથમ વખત આ પ્રતિષ્ઠિત IOC મીટિંગનું આયોજન કરશે, જેમાં ભારતની યુવા વસ્તી અને ઓલિમ્પિક આંદોલન વચ્ચે જોડાણના નવા યુગની શરૂઆત થશે.

શ્રીમતી નીતા અંબાણીએ પણ ભવિષ્યમાં યુથ ઓલિમ્પિક ગેમ્સ અને ઓલિમ્પિક ગેમ્સની યજમાની દેશને સક્ષમ બનાવવા માટે તેમની લાંબા સમયથી પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરી.

“40 વર્ષની રાહ જોયા બાદ ઓલિમ્પિક મૂવમેન્ટ ભારતમાં પાછી આવી છે! 2023 માં મુંબઈમાં IOC સત્રનું આયોજન કરવાનું સન્માન ભારતને સોંપવા બદલ હું આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિની ખરેખર આભારી છું,” શ્રીમતી નીતા અંબાણીએ કહ્યું. “ભારતની ઓલિમ્પિક આકાંક્ષા માટે આ એક મહત્વપૂર્ણ વિકાસ હશે અને ભારતીય રમત માટે નવા યુગની શરૂઆત કરશે.”

તેમણે ઉમેર્યું, “સ્પોર્ટ્સ હંમેશા વિશ્વભરના લાખો લોકો માટે આશા અને પ્રેરણાની દીવાદાંડી બની રહ્યું છે.” “આપણે આજે વિશ્વના સૌથી યુવા દેશોમાં સ્થાન પામીએ છીએ અને હું ખૂબ જ ઉત્સાહિત છું કે  ભારતના યુવાનો ઓલિમ્પિકના જાદુને પ્રત્યક્ષ રીતે સ્વીકારશે અને તેનો અનુભવ કરશે. આ ભાગીદારીને વધુ મજબૂત કરવાનું અને આવનારા વર્ષોમાં ભારતમાં ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરવાનું અમારું સપનું છે!”

ભારતમાંથી IOC સભ્ય તરીકે ચૂંટાયેલી પ્રથમ મહિલા શ્રીમતી નીતા અંબાણી અને ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA) ના પ્રમુખ ડૉ. નરિન્દર બત્રા, યુવા બાબતો અને રમતગમત મંત્રી શ્રી અનુરાગ સિંહ ઠાકુર અને ભારતના પ્રથમ વ્યક્તિગત ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા (બેઇજિંગ 2008, શૂટિંગ)

શ્રી અભિનવ બિન્દ્રાના સમાવેશ સાથેના ભારતીય પ્રતિનિધિ મંડળે બેઇજિંગમાં ચાલી રહેલા વિન્ટર ઓલિમ્પિકની સાથે આયોજિત 139મા IOC સત્ર દરમિયાન એક મજબૂત પક્ષ રજૂ કર્યો હતો. પ્રતિનિધિમંડળે ઓલિમ્પિક મૂવમેન્ટને ભારતના લાગણીસભર રમત ચાહકો સાથે જોડાવાની અનન્ય તક વિશે વાત કરી.

“ભારતની લગભગ અડધી વસ્તી, 600 મિલિયનથી વધુ, 25 વર્ષથી ઓછી વયની છે,” એમ શ્રીમતી નીતા અંબાણીએ IOC પ્રતિનિધિઓને તેમના ઉદબોધનમાં દરમિયાન કહ્યું. “આ ઓલિમ્પિક મૂવમેન્ટને ઉછેરવા અને વિકાસ કરવા માટે ભારતને સૌથી મહત્વપૂર્ણ અને ઉત્સાહિત સ્થાનોમાંથી એક બનાવે છે.

સંભવિત પ્રતિભાને ઓળખવા અને રમતની દુનિયામાં તેમને મહાનતા માટે માર્ગદર્શન આપવાનું અમારું મિશન ઓલિમ્પિક વેલ્યુ એજ્યુકેશન પ્રોગ્રામ દ્વારા પ્રેરિત છે. ઓલિમ્પિક સત્ર 2023 સાથે સુસંગત થવા માટે, અમે વંચિત સમુદાયોના યુવાનો માટે ચુનંદા રમત વિકાસ કાર્યક્રમોની શ્રેણી શરૂ કરવાની દરખાસ્ત કરીએ છીએ.”

બિડિંગ પ્રક્રિયાના સફળ નિષ્કર્ષ પર બોલતા, IOA પ્રમુખ ડૉ. નરિન્દર બત્રાએ કહ્યું:

“હું શ્રીમતી નીતા અંબાણીનો તેમના વિઝન અને નેતૃત્વ માટે આભાર માનું છું અને તેમના સમર્થન માટે મારા તમામ IOC સભ્ય સહકાર્યકરોનો પણ આભાર માનું છું, હું આપને આવતા વર્ષે મુંબઈમાં મળવા માટે રાહ જોઈ રહ્યો છું. આ ભારતની રમત માટે એક નવા યુગની શરૂઆત છે –

એક યુગ જે ભારતમાં ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરવાના લાંબા ગાળાના લક્ષ્યને દર્શાવે છે. અમે મહત્વાકાંક્ષી છીએ અને અમને ખ્યાલ છે કે અમારા ઉદ્દેશ્યો ઊદાત છે. પરંતુ ભારત એક રોમાંચક પ્રવાસ પર છે અને અમે ઈચ્છીએ છીએ કે ઓલિમ્પિક આંદોલન આપણી આગામી પેઢી માટે ઉજ્જવળ ભવિષ્યના નિર્માણમાં કેન્દ્રિય ભાગ ભજવે.

યુવા પ્રતિભા, સાતત્ય અને નવિનતાપૂર્ણ પ્રયોગો પર ભાર આપીને મુંબઈમાં 2023માં આઇઓસી સત્રનું આયોજન કરવું ભારતની નવી રમત-ગમતના ક્ષેત્રની ક્ષમતાઓ દર્શાવવાનું પ્રથમ પગલું હશે.”

2023 ના ઉનાળામાં યોજાનાર આ સત્રનું આયોજન મુંબઈમાં અત્યાધુનિક, તદ્દન નવા જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં કરવામાં આવશે. બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં શહેરની મધ્યમાં સ્થિત, JWC એ ભારતનું સૌથી મોટું કન્વેન્શન સેન્ટર છે અને 2022 ની શરૂઆતમાં તેની કામગીરી શરૂ થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.