Western Times News

Gujarati News

ખાનગી હોસ્પિટલોને કોરોના સારવાર માટે દર્દી દીઠ રૂા.૪૯ હજાર ચૂકવાયા

FILE

૬૨ ટકા દર્દીઓએ ઘરે સારવાર લીધીઃ માત્ર ૨૧ ટકા દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં દાખલ થયાઃ બીજી લહેર કરતાં પ્રથમ લહેરના બીલ વધુ આવ્યાં

(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ શહેરમાં જાન્યુઆરી-૨૦૨૨ સુધી કોરોનાના સાડા ત્રણ લાખ કરતાં વધુ કેસ નોંધાયા છે. જેની સામે રૂા.૧૦૩૦ કરોડ જેટલી માતબર રકમનો ખર્ચ થયો છે.

કોરોના દર્દીઓએ ઝડપી સારવાર મળી રહે તે આશયથી ખાનગી હોસ્પિટલો સાથે કરાર કરવામાં આવ્યા હતા જેમાં બીલના નાણાં મ્યુનિ.કોર્પાેરેશન તરફથી ચૂકવાઈ રહ્યા છે. કોરોના ડેઝીગ્નેટેડ હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા, દવાના ભાવ વગેરે મુદ્દે વ્યાપક ગેરરીતી થઈ હોવાની ફરીયાદો બહાર આવી છે.

જે અંગે તપાસ ચાલી રહી છે. કોરોનાના જેટલા કેસ નોંધાયા છે તે પૈકી અંદાજે ૬૨ ટકા દર્દીઓ હોમ-આઈસોલેટ હતા જ્યારે માત્ર ૨૨ ટકા દર્દીઓ જ ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી તેમ છતાં ખાનગી હોસ્પિટલો દ્વારા રૂા.૩૮૦ કરોડ જેટલી માતબર રકમના બીલ રજૂ કરવામાં આવ્યા છે. ખાનગી હોસ્પિટલોમાં દર્દીદીઠ સારવાર ખર્ચ પણ ઘણો વધુ આવ્યો છે. ચોંકાવનારી બાબત એ છે કે પ્રથમ શહેરમાં કોરોના કેસ તથા ગંભીર દર્દીઓની સંખ્યા ઓછી હોવા છતાં ખાનગી હોસ્પિટલના બીલોની રકમ પ્રથમ લહેર કરતા વધુ આવી છે.

અમદાવાદ મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા કોરોના દર્દીઓને સરકારી ખાનગી હોસ્પિટલ તથા હોમ આઈસોલેશન દ્વારા સારવાર આપવામાં આવી છે. શહેરમાં ૩૧ જાન્યુ ૨૦૨૨ સુધી કોરોનાનાં કુલ ૩૫૦૬૫૩ કેસ કન્ફર્મ થયા છે. જે પૈકી ૨૦૧૯૨૦૦ દર્દીઓ ઘરે રહીને જ સાજા થયા છે. જ્યારે ૫૪૪૩૩ દર્દીઓએ સરકારી અને ૭૭૦૨૦ દર્દીઓએ ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી છે.

મતલબ કે, ૬૨ ટકા દર્દીઓ ઘરે આઈસોલેટ થઈને સાજા થયા હતા તેમ છતાં કોરોના માટે રૂા.૧૦૩૪ કરોડનો ખર્ચ થયો છે. જે પૈકી ખાનગી હોસ્પિટલોને રૂા.૩૮૨.૫૪ કરોડ ચૂકવાયા છે. મતલબ કે, ખાનગી હોસ્પિટલોને દર્દી દીઠ રૂા.૪૯૫૯૭નો ખર્ચ થયો છે. નોંધનીય બાબત એ છે કે ખાનગી હોસ્પિટલોમાં સારવાર લેનાર ગંભીર દર્દીઓની સંખ્યા દસ ટકા હતી. જ્યારે મોટાભાગના દર્દીઓને સાત દિવસમાં રજા આપવામાં આવી હતી.

આ તમામ દર્દીઓને સામાન્ય લક્ષણ હતા. તેથી દર્દી દીઠ રૂા.૪૯ હજારનો ખર્ચ ઘણો વધુ હોવાનું માનવામાં આવે છે. અહીં એ બાબતતો ઉલ્લેખ જરૂરી છે કે આ હોસ્પિટલ સંચાલકોએ જ રીફર કરવામાં આવ્યા ન હોય તેવા દર્દીઓ પાસેથી સારવાર બીલ પેટે રૂા.બેથી પાંચ લાખના બીલ સીધા હોવાના પણ આક્ષેપ થયા હતા.

કોરોનાના ૨૧૯૨૦૦ દર્દીઓએ ઘરે રહીને સારવાર લીધી હતી. જેમાં દર્દી દીઠ વધુમાં વધુ રૂા.૧૦ હજારનો ખર્ચ થઈ શકે છે. જ્યારે ૫૪૪૩૩ દર્દીઓએ સરકારી હોસ્પિટલોમાં સારવાર લીધી છે. જેમાં એલ.જી.હોસ્પિટલમાં ૧૦૪૦ અને શારદાબેન હોસ્પિટલમાં ૨૩૧૦ દર્દીઓનો સમાવેશ થાય છે.

સીવીલ ૧૨૦૦ બેડની હોસ્પિટલમાં પણ બીજી વેવ દરમિયાન બેડ ઉપલબ્ધ ન હતા. જ્યારે એસ.વી.પી.હોસ્પિટલ માત્ર વી.આઈ.પી. દર્દીઓ પૂરતી જ સીમિત રહી હતી. તેમ છતાં મ્યુનિ.તંત્રએ રૂા.૭૦૦ કરોડનો ખર્ચ દર્શાવ્યો છે. સીવીલ કેમ્પસમાં કાર્યરત જી.સી.એસ.હોસ્પિટલમાં પણ કોરોના દર્દીઓને સારવાર આપી હતી.

આ હોસ્પિટલે બીલ પેટે રૂા.૨૬.૮૦ કરોડનો ક્લેઈમ કર્યા છે. કોરોનાની પ્રથમ લહેર દરમ્યાન કોરોનાના ગંભીર દર્દીઓની સંખ્યા ઓછી હતી તેથી ખૂબ ઓછા દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા તેમ છતાં પૂર્વ અને દક્ષિણ ઝોનમાં ખાનગી હોસ્પિટલોના કુલ બીલની ૮૦ ટકા રકમ પ્રથમ લહેરની છે, દક્ષિણ ઝોનનું કુલ બીલ રૂા.૧૩.૬૧ કરોડ છે. જે પૈકી રૂા.૧૦.૯૨ કરોડનું બીલ પ્રથમ લહેરનું છે. તેવી જ રીતે પૂર્વ ઝોનનું કુલ બીલ રૂા.૨૨.૪૦ કરોડ છે. જે પૈકી રૂા.૧૯.૨૧ કરોડનું બીલ પ્રથમ લહેરનું છે. પૂર્વઝોનમાં ખાનગી હોસ્પિટલોના બીલમાં ગેરરીતીઓ થઈ હોવાની વિગતો બહાર આવ્યા બાદ બીજી લહેરના બીલ હજુ પ્રોસેસ કરવામાં આવ્યા નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.