Western Times News

Gujarati News

કેન્દ્ર સરકાર અને વિપક્ષી સરકારો વચ્ચેની ખાઈ વધતી જાય છે?

પંજાબમાં વડાપ્રધાનના કાફલા સાથે જે ઘટના બની તેના ઘણા બધા સૂચિતાર્થો છે

દેશના વડાપ્રધાન સાથે જે થયું તે ખૂબ જ ગંભીર બાબત છે. વડાપ્રધાનના કાફલાને રસ્તા વચ્ચે ર૦ મિનિટ રોકાવું પડયું. કારણ કે વડાપ્રધાનના રસ્તાની આગળ દેખાવકારોનો જમાવડો હતો. આ લોકો વડાપ્રધાનનો રસ્તો બ્લોક કરીને બેઠાં હતા. આ આખી વાત દેશની સુરક્ષા એજન્સીઓ માટે ચેતવણીરૂપ છે.

દેશનાં નેતાઓને આપણી સુરક્ષા એજન્સી સાચવી નથી શકી તેનો રકતરંજિત ઈતિહાસ ગવાહ છે. મહાત્મા ગાંધીજીથી લઈને વડાપ્રધાન ઈન્દિરા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની સરેઆમ હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાઓથી ચોંકી જઈને દેશના વીવીવઆઈપીઓની સુરક્ષા માટે ખાસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે.

ખાસ કરીને વડાપ્રધાનની સુરક્ષા માટે એસપીજીથી ચોવીસ કલાક સજ્જ હોય છે. જાેકે પંજાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે જે ઘટના બની તે ઘટના સાથે કેન્દ્ર અને રાજય સરકારની સુરક્ષા એજન્સીઓ વચ્ચે કોમ્યુનિકેશન ગેપ કે ગેરસમજ હોવાનું પહેલી નજરે બહાર આવી રહ્યું છે.

જાેકે આંખે આ આખી ઘટના જાેતા તેમાં બે સરકારો વચ્ચેનો ગજગ્રાહ વધારે જવાબદાર હોય તેવું લાગ્યા વિના રહેતું નથી. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં બુધવારે મંત્રી નવાબ મલિકની ધરપકડ કરવામાં આવતાં મહારાષ્ટ્ર સરકારે કેન્દ્ર સરકાર સામે બાયો ચઢાવી છે. અને ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યાં છે. આમ, મહારાષ્ટ્ર અને કેન્દ્ર સરકાર વચ્ચેની ખાઈ વધુ ઊંડી બની ગઈ છે.

દેશમાં જયારથી મોદી સરકારનું શાસન છે ત્યારથી વિપક્ષી રાજયો વચ્ચે કેન્દ્ર સરકારનો મનમેળ તૂટતો જતો હોય તેવું લાગી રહ્યું છે. શરૂઆત પશ્ચિમ બંગાળમાંથી થઈહતી. પશ્ચિમ બંગાળમાં કેન્દ્રિય તપાસ એજન્સી સીબીઆઈના પ્રવેશ પર મુખ્યમંત્રી મમતા બેનરજીએ રોક લગાવી દીધી હતી

અને ત્યારે જ કેન્દ્ર અને રાજય સરકાર વચ્ચેના સાથ-સહકાર અંગે પ્રશ્નો ઉભા થાય. દેશના બંધારણમાં રાજય સરકાર અને કેન્દ્ર સરકારની સત્તાઓ તેની ફરજાે અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે. આમ છતાં જયારે જયારે કેન્દ્ર અને રાજયમાં અલગ પાર્ટીનું શાસન હોય ત્યારે કેન્દ્ર અને રાજયો વચ્ચે ચડભડ થવાની બાબતો બહાર આવતી હોય છે.

ર૦૧૪માં ભાજપની સરકારે કેન્દ્રમાં શાસન સંભાળ્યું ત્યારથી કોંગ્રેસ શાસિત રાજયો અને પ્રાદેશિક પક્ષોની સરકારોએ રીતસર કેન્દ્ર સરકારની કેટલીક બાબતોને સ્વીકારવાની ના પાડી અસહકારનું વાતાવરણ ઉભું કૃયું હોય તેવું દેખાઈ રહ્યું છે. મહારાષ્ટ્રમાં ગઠબંધન સરકાર રચી ત્યારે નાની-નાની બાબતોમાં કેન્દ્ર સરકાર અને રાજય સરકાર વચ્ચે ચડભડ થયા કરે છે.

પંજાબમાં અત્યારે કોંગ્રેસની રાજય સરકાર છે. આ સંજાેગોમાં જયારે વડાપ્રધાન અને વ્યવસ્થાના કારણે પોતાની રેલી રદ કરવી પડે તે બાબત ખૂબ જ ગંભીર બનીને ઉભરી રહી છે.

વડાપ્રધાનની સુરક્ષાની જવાબદારી સ્પેશિયલ પ્રોટેકશન ગ્રુપ (એસપીજી)ની હોય છે. વડાપ્રધાન જયારે કોઈ રાજયના પ્રવાસે હોય ત્યારે ટોટલ ચાર એજન્સીઓના માથે સુરક્ષાની જવાબદારી હોય છે જેમાં એસપીજી ઉપરાંત એડવાન્સ્ડ સિકયોરિટી લાઈઝન્સ (એએસએલ), સ્ટેટ પોલીસ અને સ્થાનિક તંત્રનો સમાવેશ થાય છે.

આમાં સ્થાનિક પોલીસ વડાપ્રધાનના પ્રવાસ દરમિયાન તેમનો પ્રવાસમાર્ગ, સમય અને કાર્યક્રમ સ્થળે સુરક્ષાને લગતી બાબતો નકકી કરે છે અને સંભાળતી હોય છે. જાેકે આ બધી જ બાબતોની જાણકારી એસપીજીના અધિકારીઓને સ્થાનિક પોલીસે આપવાની હોય છે. એસપીજીના ગ્રીન સિગ્નલ બાદ જ આખી વ્યવસ્થાને આખરી ઓપ અપાતો હોય છે.

પંજાબના ફિરોઝપુર ખાતેના વડાપ્રધાનના પ્રવાસમાં વડાપ્રધાન ફિરોઝપુર ખાતે હેલિકોપ્ટરમાં જવાના હતા. પરંતુ વરસાદને કારણે પ્લાન બદાલયો. એરપોર્ટ પરથી ફિરોઝપુર બાયરોડ જવાનું નકકી કર્યું જેની માહિતી પંજાબ સરકાર અને પોલીસને આપી દેવામાં આવી હતી.

નિયમ મુજબ વડાપ્રધાન જયારે રાજયના પ્રવાસે હોય અને રાજયમાં હેલિકોપ્ટરથી પ્રવાસ કરવાના હોય તો પણ પ્લાન બી મુજબ જાે હવાઈપ્રવાસ શકય ના બને તો બાયરોડના પ્રવાસની તૈયારીઓ પોલીસે કરી રાખવાની હોય છે. આ મુજબ વડાપ્રધાન બાયરોડ દ્વારા નીકળ્યા તો તેમના કાફલાને પ્યારેના ગામ પાસે ફલાયઓવર પર રોકાઈ જવું પડયું.

કારણ કે પ્રદર્શનકારીઓ દ્વારા આગળ રસ્તો બ્લોક કરાયો હતો અને ટ્રાફિકજામ થયો હતો. ભારતીય કિસાન યુનિયન ક્રાંતિકારી ગ્રુપ દ્વારા પીએમની રેલીનો વિરોધ કરવા દેખાવો થઈ રહ્યા હતા. આ દેખાવકારોને સ્થળ પરથી પોલીસે હટાવ્યા નહીં અને કોઈપણ જાતનો બળપ્રયોગ પણ કર્યો નહી.

પરિણામે ફલાયઓવર પર વડાપ્રધાનનો કાફલો બપોરે ૧ઃ૦પ થી લઈને ૧ઃર૦ મિનિટ સુધી ફસાઈ રહ્યો અને ત્યારબાદ પણ રસ્તો આગળ કિલયર ના થતા વડાપ્રધાનનો કાફલો પરત એરપોર્ટ પર પહોંચ્યો. એરપોર્ટ પર વડાપ્રધાને રાજય સરકારના અધિકારીઓને કટાક્ષમાં કહ્યું કે, તમારા મુખ્યમંત્રીને થેન્કયૂ કહેજાે, કે હું ભટિંટા એરપોર્ટ સુધી જીવતો પાછો આવ્યો.

વડાપ્રધાન કોઈ રાજયમાં ગયા હોય અને સુરક્ષાના કારણોસર કાર્યક્રમમમાં ભાગ લીધા વિના પાછા ફર્યા હોય તેવી આ ઘટનાએ દુનિયાભરમાં લોકોનું ધ્યાન ખેંચ્યું છે. જયારે વડાપ્રધાને પોતાના પર જાનનો ખતરો હતો તેવું કહ્યું ત્યારે ગંભીર બને છે. ભાજપ પ્રમુખ નડ્ડાએ તો આક્ષેપ પણ કર્યો હતો કે, પંજાબના મુખ્યમંત્રી ચરણજિતસિંહ ચન્નીએ વડાપ્રધાનના સુરક્ષા અધિકારીઓનો ફોન પણ ઉઠાવવાની તસ્દી લીધી ન હતી.

આ આખી ઘટનામાં જે સવાલો ઉભા થયા છે તે એ છે કે, વડાપ્રધાનની સુરક્ષા માટે બનાવેલા નિયમોની બ્લૂ બુક પ્રમાણે વડાપ્રધાનના પ્રવાસના ૪૮ કલાક પહેલાં જે વિસ્તારના હવામાનનું ઈનપુટ લેવામાં આવે છે. તો વડાપ્રધાનના પ્રવાસ માટે પ્લાન બી મુજબ સડકમાર્ગ ખુલ્લો રખાયો કેમ નહી?

બીજાે સવાલ એ થાય છે કે વડાપ્રધાન જે માર્ગે પ્રવાસ કર્યો તે માર્ગ કિલયર ન હતો તો એસપીજીએ પ્રવાસ કરવાની મંજુરી કેમ આપી ? ત્રીજાે સવાલ એ ઉભો થાય છે કે, રાજય પોલીસવડાએ વડાપ્રધાનનો માર્ગ કિલયર હોવાનું મંજૂરી આપી હોય તો શું રાજયના ડીજીપીને ખબર ન હતી કે વડાપ્રધાન પ્રવાસમાર્ગ પર દેખાવકારો રસ્તો બ્લોક કરીને બેઠા છે ?

આ બધા સવાલો એ દિશામાં આંગળી ચીંધે છે કે, પંજાબ સરકાર અને પંજાબ પોલીસ કોઈક માહિતી છુપાવી રહી છે અને વડાપ્રધાનનો કાફલો રસ્તા પર અટકી શકે છે તેની જાણ હોવા છતાં ચુપ રહી વડાપ્રધાનને એરપોર્ટ પરથી ફિરોઝપુર જવા ગ્રીન સિગ્નલ આપ્યું.

આ આખી વાત સંવેદનશીલ એટલાં માટે પણ છે કે, વડાપ્રધાનનો કાફલો જે જગ્યાએ અટકયો તેનાથી થોડાક કિલોમીટર દૂર જ પાકિસ્તાનની સરહદ આવે છે. આ સંજાેગોમાં વાત ખૂબ જ સંવેદનશીલ બની જાય છે .આ આખી ઘટનામાં પંજાબ સરકારે તપાસ કમિટી નીમી છે. ઉપરાંત સુપ્રીમ કોર્ટમાં પણ આ મામલે અપીલ કરાઈ છે. જાેઈએ હવે આ ઘટનામાંથી શું બહાર આવે છે ?


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers