Western Times News

Gujarati News

યુક્રેન પર રશિયાએ એટેક શરૂ કરતા જ દુનિયાભરના માર્કેટો ગબડ્યા

ભારતીય  શેરબજારમાં 2000 પોઈન્ટનો પ્રચંડ કડાકો

તમામ શેરોમાં ગભરાટભરી વેચવાલીનો મારો: ઈન્વેસ્ટરોના 8 લાખ કરોડથી અધિક ડુબ્યા

સોનુ 51490,  ચાંદી 65900, ક્રુડ ઓઈલ 100 ડોલર 

અમદાવાદ,  યુક્રેન પર રશિયા બે સૈન્ય આક્રમણ શરૂ કરતાની સાથે જ વિશ્વભરના માર્કેટો ખળભળ્યા છે. ભારતીય શેરબજારમાં 2000 પોઈન્ટનો પ્રચંડ કડાકો બોલી ગયો છે જયારે સોનામાં 1100 રૂપિયાનો ઉછાળો નોંધાયો છે. ક્રુડતેલ સળગ્યુ હોય તેમ 100 ડોલરને વટાવી ગયું છે. Stock markets crash as Russia announces a ‘special military operation’ in Ukraine

કેટલાંક દિવસોથી યુદ્ધ સંકટ પર વોચ રાખી રહેલા વિવિધ માર્કેટોમાં આજે રશિયાના આક્રમણના એલાન સાથે જ તીવ્ર પ્રત્યાઘાતો પડયા હતા. જાણકારોના કહેવા પ્રમાણે હવે યુદ્ધથી વિશ્વના દેશોમાં કેવા વળાંક આવે છે તે નિર્ણાયક બનશે. રશિયાએ અમેરિકા સહિતના દેશોને વચ્ચે નહીં પડવા,

અન્યથા અત્યંત ખતરનાક અને ન ધારેલી તબાહી સર્જવાની ધમકી આપી છે એટલે હવે દુનિયાના દેશો કેવો અભિગમ અપનાવે છે તે મહત્વનું બનશે. ટુંકાગાળામાં તમામ માર્કેટોના ટ્રેન્ડનો આધાર રશિયા-યુક્રેનની સ્થિતિ અને તેના પ્રત્યાઘાતો પર જ આધાર રહે તેમ છે.

યુદ્ધના એલાન વચ્ચે દુનિયાભરના માર્કેટો ખળભળી ઉઠયા છે. આફત વખતે સુરક્ષિત ગણાતા રોકાણ જેવી ચીજોમાં જોરદાર તેજી છે જયારે શેરબજાર જેવા માર્કેટ ધસી પડયા છે.

મુંબઈ શેરબજારના સેન્સીટીવ ઈન્ડેકસમાં 2000 પોઈન્ટથી અધિકનો કડાકો હતો. 1916 પોઈન્ટ ગગડીને 55315 સાંપડયો હતો તે ઉંચામાં 55996 તથા નીચામાં 55147 સાંપડયો હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 565 પોઈન્ટના કડાકાથી 16499 હતો તે ઉંચામાં 16705 તથા નીચામાં 16453 હતા.

બીજી તરફ ક્રુડ સળગી ઉઠયુ હતું. બ્રેન્ટક્રુડનો ભાવ 101.80 ડોલરે પહોંચ્યો હતો. ભારત સહિતના વિશ્વના દેશોને તીવ્ર અસર થવાની આશંકા છે. સોના-ચાંદીમાં પણ ભડકો થયો હતો. ભારતીય કોમોડીટી એકસચેંજમાં સોનુ 1100 રૂપિયાના ઉછાળાથી 51490 થયુ હતું. ચાંદીનો ભાવ 1300 રૂપિયાના ઉછાળાથી 65900 હતો. ડોલર સામે રૂપિયો પણ ગગડયો હતો અને 75.12 સાંપડયો હતો.

દુનિયાભરના શેરબજારોમાં પ્રચંડ ગાબડા પડયા હતા. અમેરિકી પોલસ્ટ્રીટમાં મંદી હતી જ તે પછી આજે હોંગકોંગ, જાપાન, સિંગાપોર, મલેશિયા સહિતના એશિયન માર્કેટમાં કડાકાભડાકા હતી. ભારતીય શેરબજાર પણ ધરાશાયી થયુ હતું. યુદ્ધની અસરના ગભરાટ હેઠળ વેચવાલીનો મારો નીકળતા તમામે તમામ શેરોમાં ગાબડા પડયા હતા. એનએસઈમાં 1850 શેરોમાં ઘટાડો હતો. માત્ર 30 ગ્રીનઝોનમાં હતા તેના પરથી જ મંદીની હાલતનો અંદાજ આવી જતો હતો.

મંદીનો કોહરામમાંથી હેવીવેઈટ કે રોકડાના કોઈ શેર બચી શકયા ન હતા. ટેલ્કો, ભારતી એરટેલ, રીલાયન્સ, ઈન્ફોસીસ, એચડીએફસી, એચડીએફસી બેંક, હિન્દ લીવર, આઈટીસી, કોટક બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, લાર્સન, મારૂતી, નેસલે, પાવરગ્રીડ, સ્ટેટ બેંક, સન ફાર્મા, ટીસ્કો, ટીસીએસ સહિત તમામ ધસી પડયા હતા.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.