Western Times News

Gujarati News

સાયન્સ સીટી ખાતે 28 ફેબ્રુઆરીએ “રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ”ની ઉજવણી થશે

  • ભારતમાં 1986 થી દર વર્ષે 28 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી
  • વૈજ્ઞાનિક સર સી.વી.રામનની શોધ “રામન ઈફેક્ટ”ના બહુમાનનો ઉદ્દેશ

અમદાવાદની સાયન્સ સીટી ખાતે 28 ફેબ્રુઆરી,૨૦૨૨ના રોજ “રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ”ની ઉજવણી થશે. આ વર્ષે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની થીમ “ટકાઉ ભવિષ્ય માટે સાયન્સ અને ટેકનોલોજીમાં સંકલિત અભિગમ” રાખવામાં આવી છે. વિદ્યાર્થીઓ, સંશોધકો અને સામાન્ય નાગરિકોમાં વિજ્ઞાન અંગે જાગૃતિ આણવા, વિજ્ઞાનને લોકપ્રિય બનાવવા અને બાળકોમાં રહેલી સર્જનાત્મકતાને પ્રોત્સાહિત કરવા માટે આ આયોજન હાથ ધરાયું છે.

મહત્વપૂર્ણ બાબત એ છે કે ભારતમાં 1986 થી દર વર્ષે 28 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવે છે. વૈજ્ઞાનિક સર સી.વી.રામનની શોધ “રામન ઈફેક્ટ”ના  બહુમાન કરવાના ઉદ્દેશથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી અને ગુજરાત સાયન્સ સીટીના સંયુક્ત ઉપક્રમ 26 થી 28 ફેબ્રુઆરી દરમિયાન ત્રિ-દિવસીય વિજ્ઞાન મહોત્સવનું આયોજન પણ કરાયું.

આ વિજ્ઞાન મહોત્સવમાં યુથ પાર્લામેન્ટ, મોડેલ રોકેટ્રી, આકાશ દર્શન અને રસાયણો સાથે આનંદ જેવા વિવિધ કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના સચિવ શ્રી વિજય નહેરા પણ આ અવસરે ઉપસ્થિત રહેશે. નેશનલ ઈનોવેશન ફાઉન્ડેશન, ગાંધીનગરના ડિરેક્ટર શ્રી વિપિન કુમાર યુવા વિદ્યાર્થીઓ સાથે નવા વિચારો અને ઈનોવેશન અંગે વાતચીત કરશે.

આ ઉપરાંત સમગ્ર રાજ્યમાં ૩૩ જિલ્લાઓમાં કમ્યુનિટી સાયન્સ સેન્ટર ખાતે પણ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી થશે. જેમાં વિદ્યાર્થીઓને સાંકળી વિવિધ વિજ્ઞાનલક્ષી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.