Western Times News

Gujarati News

સત્ય નડેલાના સેલિબ્રલ પાલ્સીથી પીડાતાં ૨૬ વર્ષીય પુત્રનું મોત થયું

વોશિંગ્ટન, માઈક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલાના જીવનમાં એક ભયંકર ઘટના બની છે. નડેલાના ૨૬ વર્ષીય પુત્રનું સોમવારે નિધન થયું છે. તેમને બાળપણથી જ સેલિબ્રલ પલ્સીનો રોગ હતો.

સોફ્ટવેર ઉત્પાદક કંપનીએ તેના સ્ટાફને ઇમેઈલ દ્વારા આ દુખદ બનાવની જાણકારી આપી હતી. સત્ય અને અનુ નડેલાના પુત્રનું નામ ઝૈન (ઝૈન) હતું. આ મેસેજમાં એક્ઝિક્યુટિવ્સને વિનંતી કરવામાં આવી હતી કે સદગત માટે પ્રાર્થના કરવામાં આવે અને તેના પરિવારને પ્રાઈવસી આપવામાં આવે.

સત્ય નડેલાએ ૨૦૧૪માં કંપનીના સીઈઓની ભૂમિકા સ્વીકારી ત્યારથી તેઓ એવી પ્રોડક્ટને ડિઝાઈન કરવા પર ભાર મુકી રહ્યા છે જે વિકલાંગ લોકોને મદદ કરી શકે. તેના માટે તેમણે ઝૈનને ઉછેરવાના અનુભવોને ટાંક્યા હતા. ઝૈનને મોટા ભાગની સારવાર ચિલ્ડ્રન્સ હોસ્પિટલ ખાતે આપવામાં આવી હતી. ગયા વર્ષે તેમણે સિયેટલ ચિલ્ડ્રન્સ સેન્ટર ફોર ઇન્ટીગ્રેટિવ બ્રેઈન રિસર્ચના ભાગરૂપે પિડિયાટ્રિક ન્યુરોસાયન્સિસમાં ઝૈન નડેલા એન્ડાઉડ ચેરની સ્થાપના કરી હતી.

સત્ય નડેલાની કારકિર્દીમાં તેમના પુત્રનો ઘણો પ્રભાવ રહ્યો હતો. તેમણે કેટલીક વખત આ વાત જાહેરમાં કહી હતી. તેમણે એક વખત કહ્યું હતું કે ઝૈનના જન્મ પછી મારા માટે બધું બદલાવા લાગ્યું હતું. તેના જન્મથી દરેક ચીજ પર અસર પડી. હું કઈ રીતે વિચારું છું, કઈ રીતે લીડ કરું છું, કઇ રીતે લોકોથી રિલેટ કરું છું. તે બધું ઝૈનના આગમનથી બદલાઈ ગયું.

સત્ય નડેલાના પત્ની અનુ નડેલાએ એક વખત કહ્યું હતું કે તેમના પુત્ર ઝૈનને બચાવવામાં ટેક્નોલોજીનું મહત્ત્વનું યોગદાન રહ્યું છે. આ કારણથી જ પરિવારમાં ટેક્નોલોજીને ઘણું મહત્ત્વ આપવામાં આવતું હતું. સત્ય નડેલા અને અનુને બે પુત્રીઓ પણ છે. ચીલ્ડ્રન્સ હોસ્પિટલના સીઈઓ જેફ સ્પેરિંગે એક શોકસંદેશમાં જણાવ્યું હતું કે ઝૈનને હંમેશા તેના સંગીતપ્રેમ માટે યાદ રાખવામાં આવશે. તેનું સ્મિત હંમેશા યાદ રહેશે. તેઓ પોતાના પરિવારમાં જે આનંદ લાવ્યા હતા તેને યાદ રાખવામાં આવશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.