Western Times News

Gujarati News

યુએસમાં ઘૂસવા બાળકોનો ઉપયોગ કરતા ભારતીયો

અમદાવાદ, અમેરિકામાં વસવાટ કરવો એ ઘણા લોકો માટે એક સપનું હોય છે. અમેરિકાની ઝગમગાટથી અંજાઈ ગયેલા લોકો ત્યાં ગેરકાયદે પ્રવેશ કરવા માટે કોઈ પણ હદે જઈ શકે છે. તાજેતરમાં યુએસની સરહદ નજીક ગેરકાયદે ઘુસણખોરી કરતા એક ગુજરાતી પરિવારના મૃત્યુ પછી કેટલીક ચોંકાવનારી વિગતો બહાર આવી છે.

એવું પણ જાણવા મળ્યું છે કે યુએસમાં ઘુસવા માટે બાળકોનો ઉપયોગ કરવામાં આવે છે. બાળકને પોતાની સાથે રાખીને કેટલાક લોકો પોતે એક પરિવાર હોય તેવો દેખાવ કરે છે. ગુજરાતમાં હ્યુમન ટ્રાફિકિંગના નેટવર્કની તપાસ કરતી ગુજરાત પોલીસે કેટલીક ચોંકાવનારી વિગતો આપી છે. તેમણે કહ્યું કે, યુએસમાં ગેરકાયદે ઘુસવા માટે સ્મગલર્સ નવા નવા રસ્તા શોધે છે. તેમાંથી એક રસ્તો બાળકોના ઉપયોગનો છે. સૂત્રોએ જણાવ્યું કે મેક્સિકો-અમેરિકાની સરહદ પરથી અમેરિકામાં ઘુસાડવા માટે સ્મગલરો કામ કરે છે અને હવે તેઓ વધુ ઓર્ગેનાઇઝ્‌ડ બની ગયા છે.

આ ક્રિમિનલો અન્ય માઇગ્રન્ટની સાથે એક બાળકને ગોઠવી દે છે. આ બાળકની સાથે તેમનો કોઈ સંબંધ નથી હોતો, છતાં તેઓ એક પરિવાર હોવાનો દાવો કરે છે અને સરહદ પાર કરવાનો પ્રયાસ કરે છે. આમ કરવામાં તેઓ પકડાઈ જાય તો તેમની સાથે બાળક હોવાના કારણે અમેરિકન સરકાર તેમને શરણ આપે છે.

ગુજરાત પોલીસે ફેબ્રુઆરી મહિનામાં આઠ એજન્ટોને પકડ્યા હતા જેઓ યુએસમાં માઇગ્રન્ટને ઘુસાડવાનું કામ કરતા હતા. તાજેતરમાં કેનેડાથી અમેરિકામાં પ્રવેશતી વખતે એક ગુજરાતી પરિવાર ઠંડીમાં થીજી જઈને મૃત્યુ પામ્યો હતો, જેમાં પતિ-પત્ની અને બે બાળકો સામેલ હતા.

પોલીસે જણાવ્યું કે તાજેતરમાં ઓછામાં ઓછા આઠ બાળકોને આ રીતે પરિવારના સભ્ય ગણાવીને યુએસમાં ઘુસાડવામાં આવ્યા છે. આ બાળકો ૧૦થી ૧૫ વર્ષની વયના હોવાનું માનવામાં આવે છે.

પોલીસે જણાવ્યું કે સ્મગલરો આ લોકોને યુએસ-મેક્સિકો બોર્ડર પર લઈ જાય છે. ત્યાં એક પુરુષ, એક મહિલા અને તેની સાથે બે બાળકોને મોકલે છે. તેઓ એક પરિવાર હોવાનો દેખાડો કરે છે, પરંતુ હકીકતમાં તેમની વચ્ચે કોઈ સંબંધ હોતો નથી. જાે તેઓ બોર્ડર પર પકડાઈ જાય તો તેઓ યુએસમાં શરણ માંગે છે. અમેરિકન પોલીસ તેમને ડિટેન્શન સેન્ટર પર મોકલે છે જ્યાં તેમને રેફ્યુજી કાર્ડ અપાય છે. આખરમાં તેમને નાગરિકત્વ મળે છે અને કાનૂની સહાય આપવામાં આવે છે.

અન્ય એક તપાસકર્તા અધિકારીએ જણાવ્યું કે આવા ડમી ફેમિલીમાં દરેક વ્યક્તિ પાસેથી ૨૫ લાખ રૂપિયા લેવામાં આવે છે. બાળકની સાથે ઘુસણખોરી કરવી હોય તો મેક્સિકોનો રૂટ વધુ સુરક્ષિત છે. તેથી કેનેડા કરતા લોકો આ રૂટ વધુ પસંદ કરે છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે આ મોડસ ઓપરેન્ડીથી જે બાળકોને અમેરિકામાં ઘુસાડવામાં આવે છે તેના માતાપિતા પહેલેથી અમેરિકામાં હોય છે અને થોડા વર્ષો અગાઉ ગેરકાયદે ઘુસ્યા હોય છે. અથવા તો બાળકને પહેલા ઘુસાડીને તેઓ પાછળથી આવવાનો પ્લાન બનાવે છે. સૂત્રોએ કહ્યું કે ૧૯ જાન્યુઆરીથી લગભગ ૨૫૦ પુખ્ત વયના લોકો અને બાળકોને મેક્સિકો બોર્ડર પરથી અમેરિકામાં ઘુસાડવામાં આવ્યા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.