Western Times News

Gujarati News

મનરેગાના અધિકારી લાંચ લેતા ઝડપાયા

પ્રતિકાત્મક

(પ્રતિનિધિ) દે.બારીયા, મનરેગા યોજના અંતર્ગત કરાવેલ બ્લોક પ્લાન્ટેશન ની મજૂરીનું મસ્ટર રોલ મુજબનું બિલ મંજૂર કરાવવા નક્કી કરેલ બિલની રકમના ૧૦% ટકા મુજબના રૂપિયા ૪,૫૦૦/- ની લાંચ લેતા દેવગઢબારીયા તાલુકા પંચાયતની મનરેગા શાખાના ટેકનીકલ આસિસ્ટન્ટ હસમુખભાઈ કોળી મહિસાગર જિલ્લા એ.સી.બીની ટીમે દેવગઢબારીયા તાલુકા પંચાયત કચેરી ખાતે ગોઠવેલા છટકામાં આબાદ ઝડપાઇ જતા દેવગઢબારીયા તાલુકા વહીવટી તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે તેમજ લાંચિયા અધિકારીઓ /કર્મચારીઓમાં ભારે ફફડાટ ફેલાવા પામ્યો છે.

મહીસાગર જિલ્લા એસીબી વર્તુળો દ્વારા પ્રાપ્ત વિગત અનુસાર દેવગઢબારિયા તાલુકાના એક જાગૃત નાગરિકની પત્ની સખીમંડળ ચલાવતા હોય પોતાને ત્યાં મનરેગા યોજના અંતર્ગત બ્લોક પ્લાન્ટેશન કરાવ્યા હતા.

જેનું મસ્ટર રોલ મુજબ દૈનિક મજૂરીનું બિલ રૂ.૪૫,૦૦૦/- મંજૂર કરવાનું થતું હોય તે બિલ મંજૂર કરાવવા તે જાગૃત નાગરિકે દેવગઢબારીયા તાલુકા પંચાયત કચેરીની મનરેગા શાખામાં બિલ મૂક્યું હતું.

જે બિલ મંજૂર કરવા માટે તે મનરેગા શાખાના કરાર આધારિત ભરતી થયેલા ટેકનીકલ આસીસ્ટન્ટ વર્ગ-૩ના હસમુખભાઈ જીતુભાઈ કોળીએ તે બિલની રકમ મંજુર કરવા ૧૦% લેખે લાંચ પેટે રૂપિયા ૪,૫૦૦/- ની માંગણી કરી હતી. પરંતુ તે જાગૃત નાગરિક લાંચ આપવા તૈયાર ન હોય આ મામલે તેને મહિસાગર જિલ્લા એસીબીના લુણાવાડા પોલીસ સ્ટેશનનો ટોલ ફ્રી નંબર ૧૦૬૪ ઉપર સંપર્ક કરી ફરિયાદ આપી હતી.

જે ફરિયાદને આધારે મહીસાગર એસીબીના અધિકારી આર.એન.પટેલ તથા તેમની ટીમે ગતરોજ દેવગઢબારીયા તાલુકા પંચાયતની મનરેગા શાખામાં છટકાનું આયોજન કર્યું હતું. જેમાં દેવગઢબારિયા મનરેગા શાખાના ટેકનીકલ આસિસ્ટન્ટ હસમુખભાઈ જીતુભાઈ કોળી એ તે જાગૃત નાગરિક સાથે પંચની હાજરીમાં હેતુલક્ષી વાતચીત કરી તે જાગૃત નાગરિક પાસેથી રૂ.૪,૫૦૦/- ની લાંચની માગણી કરી તે લાંચની રકમ સ્વીકારતા સ્થળ પર જ આબાદ ઝડપાઈ ગયો હતો આ સંબંધી મહીસાગર એસીબી પોલીસે દેવગઢબારીયા તાલુકા પંચાયત કચેરીની મનરેગા શાખાના ટેકનીકલ આસિસ્ટન્ટ હસમુખભાઈ જીતુભાઈ કોળી વિરુદ્ધ લાંચરૂશ્વતનો ગુનો નોંધી આગળ કાર્યવાહી હાથ ધરી છે જાણવા મળ્યા મુજબ લાંચ લેતા રંગેહાથ ઝડપાયેલા હસમુખભાઈ કોળી પાસેથી પોલીસને કેટલાક એટીએમ કાર્ડ તેમજ લાંચની રકમ સિવાયની કેટલીક રોકડ પણ મળી આવી હોવાનું પણ જાણવા મળ્યું છે. ત્યારે એટીએમ કાર્ડ તેમજ મળેલી કેટલીક રોકડ તેની પાસે ક્યાંથી આવી તે પોલીસ તપાસ બાદ જ બહાર આવે તેમ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.