Western Times News

Gujarati News

પાંડેસરામાંથી ગુમ થયેલી ૨ વર્ષની બાળકીને શોધી કઢાઈ

સુરત, પાંડેસરા પોલીસ અને અન્ય પોલીસ સ્ટેશનની ટીમની સખત મહેનતના લીધે ગુમ થયેલી ૨ વર્ષની બાળકીનો માત્ર ૧૫ કલાકની અંદર તેના માતા-પિતા સાથે ભેટો થયો હતો. ૨૫૦ જેટલા પોલીસ કર્મચારીઓની ટીમે મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને છોકરીનું રેસ્ક્યૂ ચોક્કસ સ્થળેથી ન કરી શક્યા ત્યાં સુધી ઓછામાં ઓછા ૭૦૦ ઘરની તપાસ કરી હતી.

પોલીસના જણાવ્યા પ્રમાણે, ગુમ થયેલી બે વર્ષની બાળકી પાંડેસરાના શાસ્ત્રી નગરમાં રહેતા અને દૈનિક વેતન કમાનારા ૨૭ વર્ષીય શ્રમિક અને તેની પત્નીની દીકરી છે. દંપતી વધુ એક પાંચ વર્ષની દીકરીના માતા-પિતા પણ છે. બુધવારે સાંજે જ્યારે માતા-પિતા જમવાનું બનાવી રહ્યા હતા ત્યારે તેમની બંને દીકરીઓ બહાર રમી રહી હતી.

માતા જમવા માટે તેમને બોલાવવા બહાર ગઈ હતી અને ત્યારે જ નાની દીકરી ગુમ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. પાડોશમાં તપાસ કરવા છતાં દંપતી અને તેમના મિત્રો બાળકીને શોધી શક્યા નહોતા, જે બાદ તેમણે રાતે આશરે ૧૦ કલાકે પોલીસ કંટ્રોલ રૂમને ફોન કર્યો હતો.

બાળકીને શોધવા માટે સચિન અને સચિન જીઆઈડીસી પોલીસની સાથે પાંડેસરા પોલીસના તમામ સ્ટાફની ૧૫ ટીમ બનાવવામાં આવી હતી. પોલીસકર્મીઓએ અલગ-અલગ વિસ્તારમાં ૪૦૦ પોસ્ટર લગાવ્યા હતા અને પબ્લિક અનાઉન્સમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરીને જાહેરાત પણ કરી હતી.

એક ટીમે સીસીટીવી ફૂટેજ એકઠા કર્યા હતા જ્યારે અન્ય ટીમે તે ૨૨૫ ફૂટેજનું સ્કેનિંગ કર્યું હતું. ફૂટેજ સ્કેન કરતી વખતે, એક દંપતી બાળકીને તેમની સાથે લઈ ગયું તે પહેલા પોલીસે તેને મુખ્ય રોડ પર એકલા ચાલતી જાેઈ હતી. પોલીસે તરત જ ઓળખની પ્રક્રિયા શરૂ કરી હતી અને તે વિસ્તારના ઘરમાં પણ તપાસ હાથ ધરી હતી.

તપાસ દરમિયાન, પોલીસને જાણ થઈ હતી કે, દંપતીને બાળકી મળ્યા બાદ તેમણે તેમના માતા-પિતાને શોધવાનું શરૂ કર્યું હતું અને પછી તેને તેમના ઘરે લઈ ગયા હતા. તેઓ બાળકીના માતા-પિતા સંપર્ક કરે તેની રાહ જાેઈ રહ્યા હતા. દંપતીએ બાળકીને જમવાનું આપ્યું હતું અને તેની સંભાળ પણ રાખી હતી. અમે આ ઘટનામાં દંપતીની ભૂમિકાની તપાસ કરી રહ્યા છી અને જાે તેઓ તપાસ દરમિયાન દોષી સાબિત થશે તો જ કાર્યવાહી કરવામાં આવશે’, તેમ એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.