Western Times News

Gujarati News

મ્યુનિ.ની તમામ ઝોનલ ઓફિસમાં હવે વિઝિટર પાસ ફરજિયાત કરવાની તૈયારી

મ્યુનિ. મુખ્યાલયમાં વિઝિટર પાસથી પ્રવેશ અપાતો હોઇ ઝોનલ ઓફિસમાં પણ નાગરિકોના ફોટા પાડીને પ્રવેશ પાસ અપાશે

અમદાવાદ, મ્યુનિ. કોર્પોરેશન જેવી સ્થાનિક સ્વરાજની સંસ્થામાં લોકોની મુક્ત રીતે અવરજવર પર સ્વાભાવિક રીતે નિયંત્રણ લાદવુ જરૂરી નથી. હવે તો આતંકવાદ પણ ચર્ચાતો નથી તેવા સંજાેગોમાં વિવિધ પ્રશ્ને રજુઆત લઇને આવનારા નાગરીકો કે તેમના પ્રતિનિધિમંડળનો ચૂંટાયેલી પાંખના હોદ્દેદારો કે પછી કોઇપણ અધિકારીની સરળતાથી મુલાકત લેવાનો અધિકાર જળવાઇ રહેવો જાેઇએ,

પરંતુ લોકોના ધરણા, પ્રદર્શનોથી જાણે-અજાણે અકળાઇ ઊઠનારા સત્તાધીશો ‘ગમે તે વ્યક્તિ’ના પ્રવેશને રોકવા માગે છે. એટલે હવે મ્યુનિ. તંત્રની તમામ ઝોનલ ઓફિસમાં વિઝિટર પાસ લીધા વગર કોઇ નાગરિક પ્રવેશી ન શકે તેવી દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ પુનઃ વિચારણા હેઠળ મુકાઇ છે.

હજુ ત્રણેક વર્ષ પહેલાં દાણાપીઠ ખાતેના મ્યુનિ. મુખ્યાલયમાં કોઇ પણ નાગરિક કાર્યાલયના સમય દરમિયાન કોઇપણ હોદ્દેદારો, કોર્પોરેટર કે અધિકારીને સરળતાથી મળી શકતા હતા. તે માટે કોઇ પાસની પ્રથા નહોતી, પરંતુ મ્યુનિ. મુખ્યાલયમાં વિવિધ બાબતોને લઇને લોકો કે લોક પ્રતિનિધિમંડળ આવતા હોઇ તે

પૈકી કેટલાક કિસ્સામાં મુખ્યાલયમાં તોડફોડની ઘટના બની હતી, જેના કારણે કારંજ પોલીસ સ્ટેશનથી પોલીસનો બંદોબસ્ત તાકીદે મંગાવાતો હતો. ત્યારબાદ હવે તો મુખ્યાલયમાં જ કારંજ પોલીસ ચોકી ઊભી કરાઇ છે તેમજ તોડફોડ કરનારા તત્ત્વોને મુખ્યાલયથી દૂર રાખવા સિક્યોરીટીના તગડા જવાનોનો બંદોબસ્ત પણ ગોઠવાયો છે. આની સાથે તંત્રે નાગરિકો માટે ફરજિયાત પણે વિઝિટર પાસ વ્યવસ્થા પણ દાખલ કરી છે.

વિઝિટર પાસ વ્યવસ્થા હેઠળ જે તે નાગરિકો નિયત ફોર્મમાં વ્યક્તિગત માહિતી દર્શાવીને કયા જનપ્રતિનિધિ કે અધિકારીને મળવા માગે છે અને કયા કારણથી મળવા માગે છે તેમ પણ જણાવવુ પડે છે. આ માહિતીપત્રક સાથે મુલાકાતીનો ફોટો ધરાવતો વિઝિટર પાસ તૈયાર કરાયા બાદ તેના આધારે મુલાકાતીને ગેટ પરનો સિક્યોરિટી સ્ટાફ મુખ્યાલયમાં અંદર પ્રવેશવા દે છે.

જાેકે કડક સિક્યોરિટી વ્યવસ્થા, પોલીસ હોવા છતાં પણ રાજકીય પક્ષો કે યુનિયનોના ધરણા-પ્રદર્શન વખતે મુખ્યાલયના તમામ લોખંડી દરવાજા બંધ રાખીને એક ચકલું પણ પરિસરમાં ફરકે નહીં તેવો જડબેસલાક બંદોબસ્ત ગોઠવી દેવાય છે, જે દરમિયાન અનેક વાર અધિકારીઓ કે કોર્પોરેટરો કે પત્રકારો પણ અંદર જઇ શકતા નથી. તંત્રની વિઝિટર પાસ વ્યવસ્થાના તો લીરે લીરા ઊડી જાય છે.

હવે તંત્ર દ્વારા શહેરના પશ્ચિમ ઝોન, ઉત્તર-પશ્ચિમ ઝોન, દક્ષિણ-પશ્ચિમ ઝોન, મધ્ય ઝોન, ઉત્તર ઝોન અને દક્ષિણ ઝોન અને મધ્ય ઝોન- એમ સાતેય ઝોનમાં વિઝિટર પાસ વ્યવસ્થા અમલમાં મુકવાની દિશામાં કવાયત હાથ ધરી છે. એટલે ઝોનલ ઓફિસમાં પણ મુલાકાતીઓના ફોટા પાડીને પાસ અપાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.