Western Times News

Gujarati News

સાપુતારામાં ઉનાળાની શરૂઆતમાં ચોમાસા જેવો માહોલ

અમદાવાદ, ગુજરાતમાં માવઠાની વધુ એક રાઉન્ડની આગાહીથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ૧૦ માર્ચ સુધી દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.

દક્ષિણ ગુજરાતના ભાગોમાં આજથી ૧૦ માર્ચ દરમિયાન સામાન્ય વરસાદી ઝાપટાં પડવાની શકયતા છે. તો સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારમાં પણ વાતાવરણ પલટો આવી શકે છે. જાેકે, આ વરસાદ હળવો હોય શકે છે. ત્યારે સાપુતારામાં ધુમ્મસ સાથે કમોસમી વરસાદ થયો છે. બીજા દિવસે પણ વરસાદ વરસતા ચોમાસા જેવો માહોલ થયો છે. ડાંગના સાપુતારામાં બીજા દિવસે પણ વરસાદ વરસી રહ્યો છે.

ડાંગમાં ધુમ્મસ સાથે કમોસમી વરસાદ વરસતા ચોમાસા જેવું વાતાવરણ થઇ ગયું છે. ધુમ્મસની ચાદર અને વરસાદ સાથે ગિરિમથકનું સૌંદર્ય વધારે ખીલી ઉઠ્‌યું છે. બીજા દિવસે પણ વરસાદ વરસતા ડાંગ જિલ્લામાં વાતાવરણ ઠંડુગાર થયુ છે.

હવામાન ખાતાની આગાહી મુજબ, આજે અને આવતી કાલે દક્ષિણ ગુજરાતના છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, સુરત, ભરુચ, વલસાડ, દમણ તથા દાદરા અને નગર હવેલીમાં હળવો વરસાદ પડી શકે છે. જ્યારે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, મધ્ય ગુજરાતના આણંદ, વડોદરા, દાહોદ, પંચમહાલ, વડોદરા, મહીસાગર, અરાવલી, ખેડા સહિતના જિલ્લાઓમાં પણ વરસાદની સંભાવના છે.

આ સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે, માર્ચ મહિનામાં પણ વારંવાર વાતાવરણ પલટો આવશે. જેનું કારણ છે, બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ સર્જાશે. જેની અસર ગુજરાતના વાતાવરણ પર જાેવા મળશે.

૧૨ માર્ચ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે. જેના કારણે કમોસમી વરસાદ રહેવાની શક્યતા રહેશે. ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં પશ્ચિમ વીક્ષેપના કારણે બરફ વર્ષા, અને કમોસમી વરસાદ થવાનું અનુમાન છે.જેની અસર ગુજરાતના વાતાવરણ પર થશે.

વારંવાર બદલાતા વાતાવરણની કેસર કેરીના ફલાવરિંગ પર અસર થઇ રહી છે. આ વખતે આંબા પર ઓછા ફલાવરિંગના કારણે કેસર કેરીનો પાક ઓછો થાય તેવી સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે. આ સાથે સાથે કેસર કેરી બજારમાં વહેલી આવશે કે મોડી તેની પણ ચર્ચાઓ ખેડુતોમાં વધી છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમાં મોહન્તિએ જણાવ્યું છે કે, ઉનાળા ઋતુ શરૂઆત થતા પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું .જેમાં માર્ચથી લઈને મેં મહિનામાં તાપમાન કેટલું રહેશે તેને લઈને અનુમાન લગાવવામાં આવ્યું છે.

ત્યારે ગુજરાતમાં ઉનાળામાં કાળઝાળ ગરમી પડશે. કારણ કે, રાત્રી અને દિવસ બંને તાપમાન સામાન્ય કરતા ઊંચું રહેવાનનું અનુમાન છે. જેના કારણે ઉનાળામાં કાળઝાળ ગરમીનો અહેસાસ થશે.ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. જાેકે માર્ચ મહિનાની શરૂઆતમાં મહત્તમ તાપમાન ૩૫ ડીગ્રીએ પહોંચ્યું છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.