Western Times News

Gujarati News

પંજાબમાં ચાલી ગયો ઝાડુનો જાદુ, યુપી, ઉત્તરાખંડમાં ભાજપની સરકાર યથાવત રહે છે

ચંડીગઢ, પાંચ રાજયોની વિધાનસભાની ચુંટણીના પરિણામ આજે જાહેર કરવામાં આવ્યા છે. જેમાં યુપી ઉત્તરાખંડ,ગોવા અને મણિપુરમાં ભાજપનો વિજય થયો છે. જયારે પંજાબમાં આમ આમી પાર્ટીએ જીત હાંસલ કરી ઇતિહાસ રચી દીધો છે.આજે સવારે આઠ વાગ્યાથી ચૂંટણીની મતગણતરી શરૂ થઈ હતી.

પંજાબની કુલ ૧૧૭ વિધાનસભા બેઠકોમાંથી આપે ૯૨.કોંગ્રેસને ૧૮ અકાલીને ૪ ભાજપને ૨ અને એક અન્યનો વિજય થયો છે જયારે ઉત્તરપ્રદેશમાં ભાજપને ૨૬૪, એસપીને ૧૩૪, કોંગ્રેસને બે,બસપાને ૧ અન્યને બે બેઠકો મળી છે. ઉત્તરાખંડમાં ભાજપને ૪૮ કોંગ્રેસને ૧૮ બીએસપીને ૨ તથા અન્યને બે બેઠકો મળી છે. ગોવામાં ભાજપને ૧૯ કોંગ્રેસને ૧૨ આપને ત્રણ ટીએમસીને ત્રણ અને અન્ય ત્રણ બેઠકો પર જીત થઇ છે. મણિપુરમાં ભાજપને ૨૮ એલપીપીને ૯ કોંગ્રેસને સાત જેડીયુને ૬ અને અન્યને ૧૦ બેઠકો મળી છે.

ઉત્તરપ્રદેશમાં ભાજપની જીતથી કાર્યકરોમાં ભારે ઉત્સાહ જાેવા મળ્યો હતો.ભાજપના કાર્યાલયમાં કાર્યકર્તાઓએ જીતની ઉજવણી કરી હતી અને એક બીજાના મોં મીઠા કરાવ્યા હતાં. યુપીમાં કોરોના મહામારી દરમિયાન ગરીબોને મફત રાશન વિતરણનું કામ ભાજપે કર્યું હતું. ચૂંટણી પ્રચાર દરમિયાન ઘણી વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ફ્રી રાશનના વિતરણના મુદ્દે બોલતા જાેવા મળ્યા હતા. જેની કદાચ સીધી અસર લોકો પર પડી હતી.

ચૂંટણી વિશ્લેષકોના મતે મફત રાશનનો સીધો ફાયદો વિધાનસભાની ચૂંટણી દરમિયાન જાેવા મળ્યો હતો. કોરોના રોગચાળા દરમિયાન, ભાજપે મફત રાશનનું વિતરણ કર્યું જેણે જનતાને ભાજપ તરફ સૌથી વધુ આકર્ષિત અને પ્રભાવિત કર્યા. ત્રણ મહિના સુધી જનધન ખાતું ધરાવતી મહિલાઓને પૈસા મોકલવામાં આવ્યા હતા, જેની અસર આ ચૂંટણી પર પણ પડી હતી.

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કેન્દ્ર સરકાર લાભાર્થી ખેડૂતોના ખાતામાં દર ચાર મહિને ૨ હજાર રૂપિયા એટલે કે વાર્ષિક ૬ હજાર રૂપિયા મોકલી રહી છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગરીબો માટે ઘર બનાવવા માટે ૨.૫ લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. એવા પરિવારો પણ મોટી સંખ્યામાં છે જેમણે પીએમ આવાસ યોજનાનો લાભ લીધો હતો. સામાન્ય લોકો અને ગરીબોને સીધો ફાયદો થવાને કારણે વિપક્ષી પાર્ટીઓ ભાજપના મતોમાં સપાટો બોલાવવામાં સફળ રહી.

ઉત્તર પ્રદેશમાં ફરી ભાજપ સ્પષ્ટ બહુમતી સાથે વાપસી કરી રહી છે. મોટા ભાગના એક્ઝિટ પોલે પણ ભાજપની જીતની ભવિષ્યવાણી કરી હતી. યુપીમાં કાયદો-વ્યવસ્થા હંમેશા ચર્ચાનો વિષય રહી છે. ત્યારે આ ચૂંટણીમાં લોકોએ કાયદો-વ્યવસ્થાના મુદ્દે પણ મત આપ્યો છે.

ભાજપે છેલ્લા પાંચ વર્ષમાં કાયદો-વ્યવસ્થા માટે કરેલા કામને લઈને ચૂંટણીમાં ઉતરી હતી. ચૂંટણી પ્રચાર દરમિયાન પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ખુદ સીએમ યોગી સહિત ઘણા નેતાઓએ રાજ્યની કાયદો અને વ્યવસ્થાની તુલના અગાઉના વિપક્ષી દળોના શાસન સાથે કરી હતી. તેમણે કાયદો અને વ્યવસ્થાનો મુદ્દો જનતાની સામે રાખ્યો અને કદાચ લોકોને સમજાવવામાં સફળ થયા કે યોગીની સરકારમાં કાયદો અને વ્યવસ્થા કેટલી સારી છે.

યોગી સરકારમાં ભૂ-માફિયા સહિત અનેક ગુનાઓમાં સંડોવાયેલા ગુનેગારોના ઘર પર બુલડોઝર ફેરવીને ચૂંટણીનો રંગ આપવામાં આવ્યો હતો. સીએમ યોગી આદિત્યનાથે મોટાભાગની રેલીઓમાં ઉલ્લેખ કર્યો હતો કે ગુંડાઓ અને માફિયાઓ સામે સરકારની કાર્યવાહી ચાલુ રહેશે. કાયદાની સાથે સાથે મહિલાઓની સુરક્ષાનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં ભાજપે લોકોના મનમાં એવી છાપ ઉભી કરવાનો પૂરો પ્રયાસ કર્યો કે રાજ્યમાં કાયદાનું શાસન છે.

પંજાબમાં આમ આદમી પાર્ટીની જીતની સાથે જ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ભગવાન માનના ઘરે પહોંચી ગયા હતાં અને ભાંગડા કર્યા હતાં અને જીતની ઉજવણી કરી હતી. પંજાબમાં આમ આદમી પાર્ટીનું ઝાડુ એવું ફરી વળ્યુ છે કે તેમાં પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંહ, પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ નવજાેતસિંહ સિધ્ધુ,મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્ની તથા અકાલીદળના વરિષ્ઠ નેતા પ્રકાશસિંહ બાદલ અને તેમના પુત્ર સુખબીર સિંહ બાદલનો પણ પરાજય થયો છે.

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે પંજાબના નાગરિકોને જીત અપાવવા માટે આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે પંજાબમાં હવે વિકાસનો કામો કરવામાં આવશે તેમણે કહ્યું હતું કે દિલ્હીની જેમાં પંજાબમાં પણ આરોગ્ય,શિક્ષણ સહિતના મોડેલને અપનાવવામાં આવશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.