Western Times News

Gujarati News

કબ્રસ્તાનમાંથી દારૂની બોટલો મળી આવતા મુસ્લિમ સમાજમાં રોષ

પ્રતિકાત્મક

વડોદરા, વડોદરા શહેરના વાડી સ્વામિનારાયણ મંદિરના ગેટ પાસેથી તાજેતરમાં ઈંડા મળી આવ્યા હતા. જેને પગલે ભારે વિવાદ સર્જાયો હતો. દરમિયાન આજે પાણીગેટ બાવચાવાડ ખાતે આવેલા કબ્રસ્તાનમાંથી દારૂની બોટલો ભરેલું બોક્સ મળી આવ્યું હતું.

કબ્રસ્તાનમાં દફનવિધિ માટે આવેલા લોકો પૈકી એક વ્યક્તિએ પોલીસને જાણ કરી હતી. અને આ કૃત્ય આચારનારા તત્વોની વહેલી તકે ધરપકડ કરી કાર્યવાહી કરવા માગણી કરી છે.

શાંતિમય પસાર થઈ રહેલા વડોદરા શહેરમાં શાંતિ ડહોળાવવા માટે કેટલાક તત્વો દ્વારા ચોક્કસ સમાજ અને ધર્મની લાગણી દુભાય તેવા કૃત્ય આચરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં વાડી સ્વામિનારાયણ મંદિરની બહાર કોઈ તત્વો દ્વારા ઈંડા મુકી જતા સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભારે રોષ ભભૂકી ઉઠયો હતો અને મંદિરની બહાર ઈંડા મૂકી જનાર તત્વોને શોધી કાઢી કાર્યવાહી કરવા માટે માગણી કરી હતી.

જાેકે આ વિવાદ વધુ વકરે તે પહેલા સ્થાનિક મુસ્લિમ અગ્રણીઓ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને મળ્યા હતા અને ઈંડા મુકી જવાનું કૃત્ય આચરનારા તત્ત્વોને સાંખી લેવાય નહીં, તેવી હૈયાધારણ આપીને આવા તત્વોને ઝડપી પાડવા માટે મુસ્લિમ સમાજ પણ સાથે હોવાની વાત કરી હતી.

હજુ આ વિવાદ શમ્યો નથી, ત્યાં પાણીગેટ બાવચાવાડ ખાતે આવેલા કબ્રસ્તાનમાંથી દારૂની બોટલો ભરેલું બોક્સ મળી આવતા મુસ્લિમ સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્‌યો હતો. કબ્રસ્તાનમાં મૈયતમાં ગયેલા લોકો પૈકી ફારૂકભાઇએ જણાવ્યું હતું કે, કબ્રસ્તાનમાંથી દારૂની બોટલો ભરેલું બોક્સ મળી આવ્યું છે. જે અંગેની જાણ પોલીસને કરવામાં આવી છે અને દારૂની બોટલો ભરેલું બોક્સ મૂકીને ધાર્મિક લાગણીઓ દુભાવનાર તત્વોને વહેલી તકે શોધી કાઢી તેઓ સામે કાર્યવાહી કરવા માગણી કરી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.