Western Times News

Gujarati News

કોરોનાથી હાશ થઇ ત્યાં ડબલ સીઝને ડરાવ્યાઃ ગળાના ઇન્ફેક્શનના કેસમાં વધારો

Files Photo

આખો દિવસ ઉનાળા જેવા તાપથી બચવા લોકો એસી ચાલુ રાખે છે ઃ ઠંડા પાણી તથા બરફગોળાનું સેવન કરતા હોવાથી ગળા પકડાયાં

અમદાવાદ, શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી વાતાવરણ પલટાયેલુ રહે છે. આજે પણ સવારથી ઠંડા પવન ફૂંકાઇ રહ્યા છે. અચાનક ગરમીમાંથી ઠંડા પવન સાથેની ઠંડક અને બપોરે ગરમી આ મિશ્ર વાતાવરણના કારણે શહેરીજનોના આરોગ્ય પ્રભાવિત થઇ રહ્યા છે.

સાઇક્લોનિક સક્ર્યુલેશનની અસરથી અમદાવાદ શહેર સહિત મોટા ભાગના શહેરોમાં વાદળિયુ વાતાવરણ રહેવા છતાં લઘુતમ તાપમાનમાં વધારો થતા ગરમી વધી છે. અમદાવાદનું લઘુતમ તાપમાન છેલ્લા ચાર દિવસમાં ૮ ડિગ્રી વધતાં ગરમીની સાથે બફારો અનુભવાય છે

ત્યારે આખો દિવસ ઉનાળા જેવા તાપથી બચવા લોકો એસી અને પંખા ચાલુ રાખવા મજબૂર બન્યા છે. ગરમીના કારણે ઠંડા પાણી અને બરફગોળાનું સેવન કરવાના કારણે લોકોના ગળા પકડાયા છે. કોરોના કાળમાં લોકો આરોગ્ય પ્રત્યે સતત સતત જાગૃત રહ્યા હતા. હવે કોરોનાની વિદાય નિશ્ચિત બનતાં કોરોનાથી હાશ થઇ ત્યાં ડબલ સિઝન લોકોને ડરાવી રહી છે.

ડોક્ટર્સની ઓપીડીમાં થ્રોટ ઇન્ફેક્શનના કેસમાં વધારો નોંધાયો છે અને ઠંડા પાણી અને ગરફગોળાનું સેવન કરતા લોકોની સંખ્યા વધી રહી છે. હજુ ચારથી પાંચ દિવસ દરમિયાન શહેરમાં ક્રમશઃ ગરમીમાં વધારો થશે. સાથોસાથ આગામી ૨૪ કલાકમાં અમદાવાદ સહિત રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદી છાંટાથી લઇ ઝાપટાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

શહેરના વાદળિયા વાતાવરણ વચ્ચે મહત્તમ તાપમાન ૨ ડિગ્રી વધીને ૩૬.૭ ડિગ્રી અને લઘુતમ તાપમાન સામાન્ય કરતા ૪ ડિગ્રી વધીને ૨૨.૧ ડિગ્રી નોંધાયુ હતું. ૬ માર્ચે અમદાવાદમાં ગરમીનો પારો ૩૭ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૧૬ ડિગ્રી નોંધાયું હતું. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશર તથા રાજસ્થાન સરહદે સાઇક્લોન જેવી સિસ્ટમના કારણે રાજ્યના કેટલાક વિસ્તારમાં માવટુ થવાની સંભાવના છે.

અત્યારે રવી સિઝનના સમાપન સમયે પાક લણણીની સીઝન ચાલી રહી છે અને આંબાના બગીચામાં કેરીનો મોર ‘ખાખડી’ બેસવાનો સમય છે ત્યારે બાગાયત અને રોકડિયા પાકને ભારે નુકસાન થવાની દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.