Western Times News

Gujarati News

કોઈ પણ ગરીબ વ્યક્તિ ભૂખ્યું ન સૂવે એ જ અમારો નિર્ધાર: અન્ન નાગરિક પુરવઠા મંત્રી

ગાંધીનગર, અન્ન નાગરિક પુરવઠા મંત્રી નરેશભાઇ પટેલે જણાવ્યું હતુ કે, રાજ્યનો કોઇ પણ ગરીબ પરિવાર કે નાગરિક ભૂખ્યો ન સુવે એના મક્કમ નિર્ધાર સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી સરકાર કામ કરી રહી છે. રાજ્યમાં જરૂરિયાતવાળા ૯૮ ટકા નાગરિકોને સમયસર અને ગુણવત્તાયુક્ત અન્ન વિતરણનો લાભ પૂરો પાડવામાં આવી રહ્યો છે.

આજે વિધાનસભા ખાતે વલસાડ જિલ્લામાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો-૨૦૧૩ હેઠળ અનાજ વિતરણના પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રી  પટેલે ઉમેર્યું કે રાજ્યભરમાં કુલ વસ્તીના ૫૦ ટકા લોકો એટલે કે ૩.૪૭ કરોડ નાગરિકોને વિનામૂલ્યે આવશ્યક ચીજવસ્તુઓના જથ્થાનું વિતરણ કરવામાં આવે છે.

કોરોનાની વૈશ્વિક મહામારીમાં પણ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનથી ગરીબ પરિવારોને સહાયરૂપ થવા અંત્યોદય, બી.પી.એલ. પરિવારો તથા એન.એફ.એસ.એ હેઠળના નાગરિકોને અન્ન વિતરણ કરવામાં આવ્યું છે. એમાં બે નવી યોજનાઓ અમલી કરીને જરૂરિયાતમંદોને વિનામૂલ્યે અન્ન આપ્યું છે. જેમાં અંત્યોદય યોજના તથા અગ્રતા ધરાવતા કુટુંબોને પણ અનાજ વિતરણનો લાભ અપાયો છે. જેનો ૮૧ હજાર કુટુંબના ૩.૪૭ લાખ નાગરિકો લાભ અપાયો છે.

મંત્રીશ્રી પટેલે ઉમેર્યું કે વડાપ્રધાનશ્રીએ ‘વન નેશન વન રેશન કાર્ડ‘ યોજના અમલી બનાવી છે, ત્યારે ગુજરાતમાં પણ અન્ય રાજ્યોમાંથી રોજગારી માટે આવતા શ્રમિકો જ્યાં કામ કરતા હોય ત્યાં પોતાની ઓળખ આપીને રાશન લઇ શકે છે.

જે હેઠળ પણ ૮,૩૭,૫૮૨ લોકોને વિનામૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવ્યું છે. ઉપરાંત રાષ્ટ્રીય અન્ન કાયદા હેઠળ ૧૦ લાખથી વધુ જન સંખ્યાને લાભ અપાયો છે. અન્ન ઉપરાંત તુવેરદાળ, આયોડીનયુક્ત મીઠું, ખાંડ અને તેલનું પણ વિતરણ કરવામાં આવે છે.

મંત્રીશ્રીએ ઉમેર્યું કે, વલસાડ જિલ્લામાં ફેબ્રુઆરી ૨૦૨૧થી નવેમ્બર ૨૦૨૧ સુધીમાં પ્રતિ માસ એ.એ. વાય. કુટુંબોને ૩૫ કિલો ઘઉં અને ચોખા જ્યારે અગ્રતા ધરાવતા કુટુંબોને વ્યક્તિ દીઠ કુલ ૫ કિલો ઘઉં અને ચોખાનું વિતરણ કરવામાં આવ્યું છે.

જ્યારે ડિસેમ્બર-૨૦૨૧ થી જાન્યુઆરી ૨૦૨૨માં પણ એ.એ.વાય. માટે કુલ ૩૫ કિલો ઘઉં તથા ચોખા તેમજ અગ્રતા ધરાવતા કુટુંબો માટે કુલ પાંચ કિલો ઘઉં અને ચોખાનું પ્રમાણ જાળવીને વિતરણ કરવામાં આવ્યું છે. તેમણે ઉમેર્યું કે વલસાડ જિલ્લામાં અંત્યોદય યોજના અને અગ્રતા ધરાવતા કુટુંબોને અનાજ વિતરણ કરાય છે. જે હેઠળ ૨.૦૧ લાખ કાર્ડ હેઠળ ૧૦.૪૭ લાખની જન સંખ્યાને અનાજ વિતરણનો લાભ આપવામાં આવ્યો છે તેમ તેમણે ઉમેર્યું છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.