Western Times News

Gujarati News

અકસ્માતના બહાને અમદાવાદના ૪ યુવકોની હત્યા કરાયાનો ઘટસ્ફોટ

ચારેય યુવકોની ઈરાદાપૂર્વક હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું સ્કોર્પિયો કાર કબજે કરીને પોલીસે ત્રણની ધરપકડ કરી

નડિયાદ,  ગત અઠવાડિયે નડિયાદ નજીક અકસ્માતમાં મૃત્યુ પામેલા અમદાવાદના ૪ યુવકોની હત્યા કરવામાં આવી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ૧૪ માર્ચની રાતે નેશનલ હાઇવે નંબર ૮ પર માતરના સોખડા ગામની સીમમાં આવેલી એક હોટલના પાર્કિંગમાં ઉભેલી એક ટ્રક પાછળ બાઇક ઘૂસી જવાની ઘટનામાં ચાર યુવકોના મૃત્યુ નીપજ્યા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, બાઈક ચાલકોની સાથે અન્ય એક ગાડીમાં ૩ શખસો સવાર હતા.

જેમણે યુવકોના બાઈકને ઇરાદાપૂર્વક ટક્કર મારતાં ચારેય યુવકો કન્ટેનર પાછળ ઘૂસી જતાં મોતને ભેટ્યા હતા. હાલ પોલીસે સ્કોર્પિયોમાં સવાર ત્રણેયને ઝડપી કોર્ટમાં રજૂ કર્યા હતા, જ્યાં તેમના ૨૨ માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ગત સોમવારે રાતે વડોદરા-અમદાવાદ નેશનલ હાઈવે નં. ૪૮ માતરના સોખડા ગામની સીમમાં હોટલની સામે સ્કોર્પિયો કારે બાઈકને ટક્કર મારતા તે કન્ટેનર પાછળ ઘુસી ગઈ હતી. જેમાં બાઈક સવાર જીતેશભાઇ રમેશભાઇ નૌગીયા, હરીશભાઇ દિનેશભાઇ રાણા, નરેશભાઇ વિજયભાઇ વણઝારા, સુંદરમભાઇ ઉર્ફે છોટુ સુભાષભાઇ યાદવને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.

મોટી દુર્ઘટના સર્જાતા માતર પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. બનાવની ગંભીરતાને જાેતા ખેડા એલસીબી પણ પોલીસ તપાસમાં જાેડાઈ હતી. તપાસ દરમિયાન પોલીસને તે અકસ્માત ન હોવાની શંકા જતાં તપાસ તેજ કરી અને ઘટનાસ્થળના આસપાસના સીસીટીવી ફુટેજની ચકાસણી કરતા તેમજ ટોલટેક્સ પર પુછપરછ કરતા પોલીસને માહિતી મળી કે એક કાળા કલરની સ્કોર્પિયો કાર યુવકોની બાઈકનો પીછો કરી રહી હતી.

તપાસમાં પોલીસને એવું પણ જાણવા મળ્યું કે, અમદાવાદના ચારેય યુવાનો ડરીને પોતાનો જીવ બચાવવા એક બાઇક ઉપર નડિયાદથી અમદાવાદ તરફ જતા હતા. દરમિયાન સ્કોર્પિઓના ડ્રાઈવરે સ્પીડ વધારીને ચક્કર મારતા બાઈક હોટેલના કંપાઉન્ડમાં પાર્ક કરેલા કન્ટેઇનર સાથે અથડાતા ચારેયના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.

જેથી પોલીસ અને એલસીબીએ તપાસ હાથ ઘરીને કાળા કલરની સ્કોર્પિયો કારને શોધી કાઢી હતી અને આ ગંભીર કૃત્યમાં સંડોવાયેલા સ્કોર્પીઓના ચાલક રવિ ગોપાલ તળપદા, ધર્મેશ ઉર્ફે કાળુ તળપદા અને વિજય ઉર્ફે દીપો અરવિંદ તળપદાને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી કોર્ટમાં રજૂ કર્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.