Western Times News

Gujarati News

ગુજરાત ભારતનું નવું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કેન્દ્ર બની રહ્યું છે: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

અમદાવાદ, હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ ઉપરાંત અમદાવાદ તમામ પ્રકારના ટ્રાન્સપ્લાન્ટ માટેનું અગત્યનું કેન્દ્ર બની રહ્યું છે સિમ્સ હોસ્પિટલ (મરેન્ગો એશિયા નેટવર્ક હોસ્પિટલ) ગર્વથી એવા અંગ દાતાઓનું સન્માન કર્યું કે જેમણે ૨૫ કરતાં પણ વધુ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સફળ બનાવવામાં અગત્યની ભૂમિકા ભજવી છે.

આ સિમ્સ હોસ્પિટલના ઈતિહાસમાં મેળવવામાં આવેલું અગત્યનું સીમાચિહ્ન છે. આ સીમાચિહ્ન મેળવનારી સિમ્સ ગુજરાતની એકમાત્ર અને દેશની જૂજ હોસ્પિટલોમાંની એક બની છે. આ સમારંભમાં માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

સિમ્સ હોસ્પિટલના ડો. કેયુર પરીખે જણાવ્યું હતું કે “આ સિદ્ધિ મેળવવા બદલ અમે ગર્વ અનુભવીએ છીએ. આ અમારા માટે માત્ર આંકડો નથી. અમે આ તમામ લોકોની જિંદગી બચાવી છે અને તેમના કુટુંબીજનોને ખુશીઓ આપી છે. અંગદાતાઓના અને તેમના પરિવારના સહકાર વિના તે શક્ય નહોતું.”

મરેન્ગો એશિયા હેલ્થકેરના એમડી, સીઈઓ તથા ફાઉન્ડિંગ મેમ્બર રાજીવ સિંઘલે જણાવ્યું હતું કે “ સિમ્સ હોસ્પિટલે ગુજરાતના તબીબી જગતમાં ઈતિહાસ સર્જ્‌યો છે. અહીં ૨૦૧૬થી હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ શરૂ કરવામાં આવ્યું હતું. હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની ૨૭ સર્જરી કરીને સિમ્સ સૌથી વધુ અને સફળ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરનારી દેશની બીજા ક્રમની હોસ્પિટલ બની ગઈ છે.

મરેન્ગો એશિયા ગુજરાતમાં પોતાનું નેટવર્ક વધુ મજબૂત બનાવવા માગે છે. તે ગુજરાતનાં વધુ સ્થળો સુધી આરોગ્ય સેવાઓ પહોંચાડીને સમાજમાં સારી અસર ઊભી કરવા માગે છે.”

સિમ્સ હોસ્પિટલના હાર્ટ અને લંગ ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામના ડાયરેક્ટર ડો. ધિરેન શાહે જણાવ્યું હતું કે “ભારતમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની સંખ્યા વધી હોવાને કારણે તે દક્ષિણ એશિયામાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટનું અગત્યનું કેન્દ્ર બન્યું છે. વર્ષ ૨૦૧૪માં ભારતમાં ૫૩ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થયાં હતાં જેની સંખ્યા ૨૦૧૮માં વધીને ૨૪૧ની થઈ છે. વર્ષ ૨૦૨૦માં દેશમાં ૩૫૧ કેડેવર ઓર્ગન ડોનેશન થયાં હતાં. જે પૈકી ૯૦ ગુજરાતમાં થયાં હતાં.

કોવિડ દરમિયાન ૮૯ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થયાં હતાં જેમાંથી ૧૪ સિમ્સ અમદાવાદે કર્યાં હતાં. જે દેશમાં બીજા ક્રમની હોસ્પિટલ બની હતી. અંગદાતાથી દર્દી સુધી હૃદયને ગ્રીન કોરિડોર મારફતે પહોંચાડવામાં લાગતા સમયમાં પણ ઘટાડો થવાના વિક્રમો થયા છે.” આ સમારંભમાં અંગદાતાઓના સન્માન સાથે અંગદાતાના સંબંધીઓ, એનજીઓ, ગુજરાત ટ્રાફિક પોલીસ, ગુજરાત એવિયેશન સ્વયંસેવકો વગેરેને નિસ્વાર્થભાવે માનવતાના નાતે લોકોના જીવ બચાવવામાં મદદરૂપ થવા બદલ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સન્માનીત કરવામાં આવ્યા.

મુખ્યમંત્રી એ બીડું ઝડપનાર અને સ્વયંસેવકોને પણ બિરદાવયા જેમને આ સિદ્ધિ માટે પ્લેટફોર્મ પૂરું પાડ્યું. થોડાં વર્ષો પહેલાં ગુજરાત સરકારે કેટલાક ખાસ કિસ્સાઓમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાવનારા દર્દીને રૂ. ૭.૫ લાખની સબસિડી આપવાની જાહેરાત કરી હતી.

ઉપરાંત હાર્ટ અને લંગ ટ્રાન્સપ્લાન્ટ કરાવનારા દર્દીને પણ રૂ. ૧૦ લાખની સબસિડી આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ રકમ મુખ્ય મંત્રી રાહત ભંડોળમાંથી આપવામાં આવેલ. જાણીતા સર્જનો દ્વારા આ પગલાંને આવકારવામાં આવ્યું હતું અને તેને સારી આરોગ્ય સેવા તરફની પહેલ ગણાવવામાં આવી.

સબસિડી મારફતે સરકારે હૃદયરોગ અને અંગદાન અંગેની જાગરૂકતા ફેલાવા માટે પહેલ કરી છે અને તેણે અંગદાન માટે કામ કરતાં એનજીઓ સાથે હાથ મિલાવ્યા છે. એનજીઓ દ્વારા પણ નોંધપાત્ર સહયોગ મળી રહ્યો છે, આવી સંસ્થાઓ અંગદાન અંગે જાગૃતિ ફેલાવવામાં, દાતાના પરિવારોને આગળ આવી અંગદાન દ્વારા જીવન બચાવવા માટે સમજાવવામાં મદદરૂપ થઈ રહ્યા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.