Western Times News

Gujarati News

અંબાજીમાં ૮થી ૧૦ એપ્રિલે ૫૧ શક્તિપીઠ મહોત્સવ યોજાશે

અંબાજી, વિશ્વ પ્રસિદ્‌ઘ યાત્રાધામ અંબાજી ખાતે આગામી ૮થી ૧૦ એપ્રિલના રોજ ૫૧ શક્તિપીઠ મહોત્સવ યોજાશે. મહોત્સવના આયોજન અંગે પાલનપુર કલેકટર કચેરી ખાતે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ કલેકટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને અધિકારીઓની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં આનંદ પટેલે જણાવ્યું કે, યાત્રાધામ અંબાજી ખાતે દેશ અને વિદેશમાં અલગ અલગ જગ્યાએ આવેલા માતાજીના ૫૧ શક્તિપીઠોના નિર્માણનું કામ તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરાવ્યું હતું.

દેશ અને વિદેશોમાં શ્રીલંકા, બાંગલાદેશ, નેપાળ, પાકિસ્તાન વગેરે દેશોમાં આવેલા માતાજીના શક્તિપીઠો પ્રમાણે આબેહુબ ૫૧ શક્તિપીઠોનું નિર્માણ અંબાજીમાં કરવામાં આવેલું છે.

મનુષ્યના એક જ જન્મમાં દેશ અને વિદેશોમાં આવેલા આ શક્તિપીઠોમાં જઇ માતાજીના દર્શન કરવા એ દરેક મનુષ્ય માટે સંભવ નથી, તેથી મૂળ સ્થાનક જેવા જ ૫૧ શક્તિપીઠોનું અંબાજી ગબ્બર ખાતે નિર્માણ કરવામાં આવ્યું છે. કલેકટરે જણાવ્યું કે, જૂનાગઢ ગિરનાર લીલી પરિક્રમાની જેમ અંબાજી ગબ્બર ખાતે આવેલ ૫૧ શક્તિપીઠ પરિક્રમાનું આયોજન રાજ્ય સરકારના માર્ગદર્શનથી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. જેનાથી અંબાજી દર્શને આવતા કરોડો માઈભક્તોને એક જ જન્મમાં ૫૧ શક્તિપીઠના દર્શનનો લ્હાવો મળશે.

તેમણે વધુમાં કહ્યું કે, સવારે ૬થી સાંજે-૭ વાગ્યા સુધી યોજાનાર પરિક્રમાની વ્યવસ્થા જાળવવા માટે ભાદરવી પૂનમના મેળાની જેમ અલગ અલગ ૧૪ સમિતિઓ બનાવવામાં આવી છે.

જેમાં આરોગ્ય સમિતિ, ઇમરજન્સી સારવાર સમિતિ, ઇમરજન્સી રિસ્પોન્સ, સ્વચ્છતા સમિતિ, રસ્તા મરામત સમિતિ, પાણી પુરવઠા સમિતિ, વિદ્યુત પ્રવાહ સમિતિ, અંબાજી તથા ગબ્બર તરફના પ્રવેશ માર્ગ પરના નિયંત્રણ અને પાર્કિગ સમિતિ, ગબ્બર ટોચ ૫૧ શક્તિપીઠ પરિક્રમા માર્ગ ઉપર સંચાલન સમિતિ, રખડતાં ઢોરોનું નિયંત્રણ, સાંસ્કૃતિક કાર્યક્રમ સમિતિ, વી.આઇ.પી. પ્રોટોકોલ અને લાયઝન સમિતિ, વિભિન્ન સંસ્થાઓનું સંકલન, મહાઆરતી અને લાઇટ એન્ડ સાઉન્ડ શોનું સંકલન સમિતિનો સમાવેશ થાય છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આ બેઠકમાં મદદનીશ પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ, અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર આર. કે. પટેલ, પ્રાયોજના વહીવટદાર એમ.બી.ઠાકોર સહિત વિવિધ સમિતિના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.