Western Times News

Gujarati News

કોરોનાના દોઢ વર્ષમાં એવિયેશન સેક્ટરમાં ૧૦ ટકા કર્મીઓએ નોકરી ગુમાવી

File

નવી દિલ્હી, ભારતમાં કોરોના મહામારી મોડી આવી હતી અને શરૂઆતી તબક્કામાં લોકડાઉનને પગલે ઓછો કહેર વેતર્યો હતો. જાેકે કોરોનાની બીજી લહેરે દેશના સામાજિક અને આર્થિક રીતે ખૂબ જ મોટો ઝટકો આપ્યો છે. કોરોનાને કારણે સૌથી વધુ અસર એવિયેશન અને રેસ્ટોરેન્ટ સેક્ટરમાં પડી છે. કોરોના મહામારીનો આ દોઢ વર્ષનો સમયગાળો ભારતના એવિયેશન સેક્ટરની ૧૦% નોકરી ખાઈ ગયો છે.

સરકારે પણ અંતે કબૂલાત કરી છે કે એવિયેશન સેક્ટરને કોરોનાને કારણે મસમોટો ફટકો પડ્યો છે. નાગરિક ઉડ્ડયન રાજ્ય પ્રધાન વી કે સિંહે સોમવારે જણાવ્યું હતું કે કોવિડ-૧૯ મહામારી વચ્ચે એપ્રિલ, ૨૦૨૦થી ડિસેમ્બર, ૨૦૨૧ વચ્ચે ભારતીય એવિયેશન ક્ષેત્રે લગભગ ૧૦ ટકા નોકરીઓ ગુમાવવી પડી છે.

વૈશ્વિક મહામારીએ એરલાઇન્સ, એરપોર્ટ, ગ્રાઉન્ડ હેન્ડલિંગ અને એર કાર્ગો સેક્ટરમાં કુલ ૧૯,૨૦૦ નોકરીઓની ખોટ સર્જી છે. સિંહે ઉમેર્યું હતું કે આ ક્ષેત્રની કુલ નોકરીઓ લગભગ ૧.૯ લાખ છે જેની સામે દોઢ જ વર્ષમાં ૧૦ ટકા નોકરીઓનું નુકસાન થયું છે.

રસપ્રદ વાત એ છે કે એપ્રિલ ૨૦૨૦ અને ડિસેમ્બર ૨૦૨૧ વચ્ચે એરલાઇન્સ, એરપોર્ટ અને ગ્રાઉન્ડ હેન્ડલિંગ એજન્સીઓ સાથે કામ કરતા કર્મચારીઓની કુલ સંખ્યામાં ઘટાડો થયો હતો જ્યારે એર કાર્ગો કંપનીઓ માટે કામ કરતા કર્મચારી વર્કફોર્સમાં વધારો થયો હતો.

એર કાર્ગો સેક્ટરમાં કર્મચારીઓની કુલ સંખ્યા ૩૧ માર્ચ, ૨૦૨૦ના રોજ આશરે ૯૬૦૦થી વધીને ૩૧ ડિસેમ્બર, ૨૦૨૧ સુધીમાં લગભગ ૧૦,૫૦૦ થઈ છે.

ભારતમાં એરલાઇન્સ સાથે કામ કરતા કર્મચારીઓની કુલ સંખ્યા ૩૧ માર્ચ, ૨૦૨૦ ના રોજ ૭૪,૮૦૦ થી ઘટીને ૩૧ ડિસેમ્બર, ૨૦૨૧ના રોજ ૬૫,૭૦૦ થઈ છે, એમ સિંહે નોંધ્યું હતું. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એએઆઈ) સમગ્ર દેશમાં ૧૦૦થી વધુ એરપોર્ટનું સંચાલન કરે છે.

જાે કે, બેંગલુરુ, હૈદરાબાદ, દિલ્હી, મુંબઈ, અમદાવાદ, ગુવાહાટી, જયપુર, લખનૌ, મેંગલુરુ અને તિરુવનંતપુરમ જેવા મોટા એરપોર્ટ ખાનગી ઓપરેટરો દ્વારા ચલાવવામાં આવે છે. ગ્રાઉન્ડ હેન્ડલિંગ એજન્સીઓમાં કર્મચારીઓની સંખ્યા એપ્રિલ ૨૦૨૦ના ૩૦,૮૦૦ના આંકડાથી ઘટીને ડિસેમ્બર ૨૦૨૧માં ૨૭,૬૦૦ થઈ ગઈ છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.