Western Times News

Gujarati News

શ્રીલંકાઃ અડધી રાત્રે વડાપ્રધાન સિવાય આખા મંત્રીમંડળે રાજીનામાં આપ્યા

કોલંબો, ભારતના પાડોશી દેશ શ્રીલંકામાં આર્થિક સંકટની વચ્ચે હવે રાજકારણ પણ ગરમાયું છે. શ્રીલંકાના વડાપ્રધાન મહિંદા રાજપક્ષે સિવાય સરકારના તમામ મંત્રીઓએ રાજીનામા આપી દીધા છે. તેમાં પીએમ મહિંદા રાજપક્ષેના દીકરા અને રમત ગમત મંત્રી નમલ રાજપક્ષે પણ સામેલ છે. પીએમ ઓફિસ તરફથી આ સમાચારની પૃષ્ટિ કરવામાં આવી છે.

પરંતુ અત્યારે મહિંદા રાજપક્ષેએ રાજીનામું નથી આપ્યું. મોડી રાત્રે થયેલી મીટિંગ પછી શ્રીલંકાના શિક્ષણ મંત્રી દિનેશ ગુણવર્ધને આ વાતની પૃષ્ટિ કરતાં જણાવ્યું કે, રાષ્ટ્રપ્રમુખ ગોટબાયા રાજપક્ષે તેમજ વડાપ્રધાન મહિંદા રાજપક્ષે સિવાય તમામ ૨૬ મંત્રીઓએ રાજીનામાં આપી દીધા છે.

નમલ રાજપક્ષેએ રાજીનામાની જાહેરાત કરતાં જણાવ્યું કે, મેં પોતાના તમામ પોર્ટફોલિયો માટે તાત્કાલિક ધોરણે રાજીનામું સોંપી દીધું છે. મેં આ વાતની જાણકારી પણ આપી છે. હું દેશની જનતા, મતદારો અને પાર્ટી પ્રત્યે પ્રતિબદ્ધ રહીશ.

શ્રીલંકાની પીએમ ઓફિસ તરફથી રવિવારે સાંજે ચોખવટ કરવામાં આવી હતી કે મહિંદા રાજપક્ષેએ વડાપ્રધાન પદ પરથી રાજીનામું નથી આપ્યું. ડેલી મિરરના રિપોર્ટ અનુસાર, સૂત્રોએ કહ્યું છે કે, એક નવા મંત્રીમંડળ દ્વારા શપથ લેવામાં આવશે, જેમાં વિપક્ષના સભ્યો હશે.

રાજકીય સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે એક નવી વચગાળાની સરકારની પસંદગી કરવામાં આવી શકે છે. ૧૧ પાર્ટી ગઠબંધનના સભ્યો સાથેની બેઠક પછી સભ્યો દ્વારા એક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો કે દેશમાં રાજકીય સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે એક નવા વડાપ્રધાન સાથે તાત્કાલિક એક સર્વદળીય વચગાળાની સરકાર બનાવવી જાેઈએ.

નોંધનીય છે કે આર્થિક સંકટ અને ભ્રષ્ટાચારના આરોપો વચ્ચે રાષ્ટ્રપ્રમુભ ગોટબાયા રાજપક્ષેના ઘરની બહાર હિંસક પ્રદર્શન થાય હતા જેના કારણે સોમવાર સુધી શ્રીલંકામાં કર્ફ્‌યુ લગાવવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

ફેસબુક, ટિ્‌વટર, વોટ્‌સએપ, યૂટ્યુબ, સ્નેપચેટ, ટિકટોક અને ઈન્સ્ટાગ્રામ સહિત લગભગ બે ડઝન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પ્રભાવિત થયા છે. ડીઝલ-પેટ્રોલથી લઈને ખાણી-પીમીની વસ્તુઓનો અભાવ છે, જેના કારણે અરાજકતાની સ્થિતિ ઉત્પન્ન થઈ ગઈ છે.

૨.૨ કરોડની વસ્તી ધરાવતા શ્રીલંકામાં હાલ આર્થિક સ્થિતિ એટલી બધી ખરાબ થઈ ગઈ છે કે દેશના અનેક ભાગોમાં રોજ ૧૩ કલાક સુધીનો વીજળી કાપ જાહેર કરવામાં આવ્યો છે. અખબાર છાપવા માટેનો કાગળ આવતો બંધ થઈ જતાં દેશના ઘણા અખબારોએ પ્રકાશન પણ અટકાવી દીધું છે.

સરકાર પોતાની પાસે જે કંઈ વિદેશી મુદ્રા ભંડાર વધ્યો છે તેને બચાવવા માટે મથી રહી છે, જેના પરિણામ સ્વરુપે પેટ્રોલિયમ પ્રોડક્ટ્‌સની આયાત અટકાવી દેવાતા દેશમાં પેટ્રોલ-ડીઝલની જાેરદાર તંગી સર્જાઈ છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.