Western Times News

Gujarati News

વલસાડ કલેક્‍ટરે ઉમરગામ તાલુકાના ધનોલી ગામની મુલાકાત લીધી

વલસાડ:વલસાડ કલેક્‍ટર સી.આર.ખરસાણે ઉમરગામ તાલુકાના ધનોલી ગામની મુલાકાત લઇ ગામના રેવન્‍યુ રેકર્ડની ચકાસણી કરી જરૂરી સૂચનો કર્યાં હતાં. કલેક્‍ટરશ્રીએ ગામના પંડિત દિનદયાળ ભંડારની મુલાકાત લઇ ગ્રામજનો સાથે ચર્ચા કરી હતી અને ગ્રામ પંચાયતની કામગીરી બાબતે અભિપ્રાય મેળવ્‍યા હતા.

નવરંગ અકાદમી સુરતની અખિલ ગુજરાત ગરબા સ્‍પર્ધામાં વલસાડ પારડીના રામલાલા યુવક મંડળનો શેરીગરબો પ્રથમ ક્રમે વિજેતા

નવરાત્રિ, શરદપૂનમ પછી દિવાળીના આગમન સાથે આથમતા ગરબાની ધૂન પડઘાઇ રહી છે, શેરીનો ગરબો આથમી રહ્યો છે અને પાર્ટી પ્‍લોટના ગરબાએ ઇજારો લઇ રહ્યો છે ત્‍યારે સૂરતની નવરંગ અકાદમીએ અખીલ ગુજરાત ગરબા સ્‍પર્ધાનું આયોજન કરી નવતર ચીલો ચાતર્યો છે.

આ સ્‍પર્ધામાં ઉત્તર, મધ્‍ય, દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્‍ટ્રની ગરબા સંસ્‍થાઓએ વિવિધ વિભાગોમાં રજૂ થયેલા ૧૫૬ ગરબાઓ પૈકી દક્ષિણ ગુજરાતના ગરબાએ અભૂતપૂર્વ દેખાવ કરી આકર્ષણ જમાવ્‍યું હતું. જેમાં ભાઇઓ અને બહેનોની ટીમ વચ્‍ચે થયેલ સંયુક્‍ત સ્‍પર્ધામાં રામલાલા યુવક મંડળ વલસાડ પારડી, તા.જિ.વલસાડે પ્રથમ નંબર હાંસલ કર્યો હતો.

આ ગરબાની ખુબી એ છે કે, શિવ પાર્વતી ઉપર રચાયેલી આ માત્ર એક અને અજોડ ગરબો છે. નરસિંહ મહેતાએ ભજનમાં પાર્વતીનો શંકર ઉપર આક્ષેપ દર્શાવ્‍યો છે કે, જટામાં તમે એકસ્ત્રીને સાથે રાખો છે. આજ વિષય ઉપર સતીષ દેસાઇ લિખીત રચનાએ પ્રેક્ષાગારમાં કુતુહલ સાથે આનંદ અને ઉત્‍સાહની લાગણી પ્રસરાવી હતી.

સતીષભાઇના માર્ગદર્શનમાં ગરબા ગાયક જય દિલીપભાઇ, સંગીત સંચાલકો વિવેક કિશોરભાઇ, રાજેશ શરદચંદ્ર, મીત ભરતભાઇએ પણ પોતાનો કસબ દેખાડયો હતો. ગરબાની શરૂઆતમાં અને મધ્‍યમાં જયકાર થાય છે, જે ગરબાની પૂરાતન પરંપરાને ઉજાગર કરે છે. ભાર્ગવ સતીષચંદ્ર અને પાર્થ મુકેશભાઇના જયનાદથી વાતાવરણ હિલોળે ચઢે છે.

આજ સ્‍પર્ધામાં શિવ-પાર્વતી સાથે ભારતમાતાના જયકારથી જોડાયેલો બીજો ગરબો પી.ઓ.કે.માં તિરંગો ઝંડો ફરકાવવાની રાષ્‍ટ્રવાદી વાત લઇને આવે છે. ઝડપી ચાલે રજૂ થતા ગરબાના ગાયકો જીગર મુકેશભાઇ, મનુ પ્રકાશભાઇ અને વિરાજ પિનાકીનભાઇની ત્રિપુટી ગરબો જમાવે છે.

આ વર્ષની નવ રાતમાં નવરંગ અકાદમી-સૂરત, અનાવિલ સમાજ ગણદેવી, નવસારી અને વલસાડ તથા ઉડાન સંસ્‍થા અને લાયન્‍સ કલબ ઓફ તિથલ રોડ મુકામે આમ ત્રણ સ્‍થળોએ પ્રથમ વિજેતા ગરબો વલસાડ પારડીના યુવાન કલાકારોની કલાશક્‍તિનો સુપેરે પરિચય કારવે છે.

વલસાડ પારડીમાં આબાલવૃદ્ધ સૌના ગરબા મંડળ છે. જેમાં બાળ મંડળ, યુવક મંડળ, મહિલા મંડળ અને વરિષ્‍ઠ નાગરિકોનું મંડળ આમ ચાર ગરબા દરેક સ્‍પર્ધામાં રજૂ થાય છે અને દરેક મંડળો વિવિધ જગ્‍યાએ વિજેતાપદ હાંસલ કરે છે.

આ દરેક મંડળના ગરબાની રચના સતીષભાઇ થકી થાય છે. આથી ગામમાંથી દર વર્ષે નવા-નવા ગરબાઓ સ્‍પર્ધામાં રજૂ થાય છે. અહીં શેરી ગરબા ગાવાની પરંપરા પણ યથાવત છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.