Western Times News

Gujarati News

દિપડાનું સફળતા સાથે રેસ્યુક ઓપરેશન આખરે પાર પડાયુ

બે દિવસ પહેલાં દોલારાણા વાસણા ખાતે દિપડાએ પાલતુ પ્રાણીનું મારણ કર્યું હતુંઃ જેને લઇને દિપડો પાંજરે પૂરાયો
અમદાવાદ,  ગાંધીનગર પાસેથી પસાર થતી સાબરમતી નદીના કોતર વિસ્તાર નજીકના કેટલાક ગામોમાં પાલતુ પ્રાણીઓના મારણ અને દિપડાના પગમાર્ક અનેકવાર જોવા મળ્યા હતા. જેને ગંભીરતાથી લઇને ગાંધીનગર વન વિભાગ દ્વારા છેલ્લા છ મહિનાથી આ દિપડાને ટ્રેક કરીને રેસ્ક્યુ કરવા માટેના પ્રયત્નો હાથ ધર્યા હતા.

જેના પરિણામ સ્વરૂપે ગાંધીનગર નજીકના દોલારાણા વાસણા(બાપુપુરા) ગામમાં દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને વન વિભાગની ટીમે દિપડાનું સફળતાપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન પાર પડ્‌યું હતું. જા કે, હજુપણ સાબરમતી નદીના કોતરોના વિસ્તારમાં દિપડો હોવાની શક્યતા વ્યક્તા કરતા ગાંધીનગર નાયબ વન સંરક્ષક એસ.એમ.ડામોરે જણાવ્યું હતું કે, આ દિપડાને ટ્રેક કરીને રેસ્ક્યુ કરવા તેમની ટીમો દ્વારા કવાયત ચાલી રહી છે. ગાંધીનગર નજીકના ફતેપુરા, પીંપળજ, પીંઢારડા, દોલારાણા વાસણા, ગ્રામભારતી, અમરાપુર અને અંબોડ સહિતના નદીકાંઠાના ગામોમાંથી અવારનવાર દિપડાના પગમાર્ક જોવા મળ્યા હતા અને પાલતુ પ્રાણીઓના મારણ કર્યા હોવાના બનાવો વન વિભાગને ધ્યાને આવ્યા હતા.

જેના અનુસંધાને ગાંધીનગર વન વિભાગ દ્વારા બોરીજ, ઉર્જા અને માણસા રેન્જમાં દિપડાને પકડી પાડવા ટીમો બનાવી સતત પેટ્રોલીંગ અને મોનીટરીંગ કરાઇ રહ્યું હતું. ગાંધીનગર નાયબ વન સંરક્ષકએ વધુમાં ઉમેર્યું હતું કે, દિપડાને પકડવા બનાવેલી વિવિધ વ્યૂહરચના અંતર્ગત બનાસકાંઠા વન્યજીવ ડીવીઝનની રેસ્ક્યુ ટીમ તથા સાસણગીર અભ્યારણ્યની ટ્રેકર ટીમોની પણ મદદ લેવામાં આવી હતી. તે ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પાંજરા ગોઠવીને ગ્રામજનોને રાત્રે ખુલ્લામાં નહીં સુવા સુચનાઓ પણ જારી કરવામાં આવી હતી.

અનેક પ્રયત્નોને અંતે પણ દિપડાના લોકોશન ટ્રેસ થતા ન હતા, દરમ્યાન ગઇકાલે દોલારાણા વાસણા (બાપુપુરા) ખાતે દિપડા દ્વારા એક પાલતુ પ્રાણી (પાડા)નું મારણ કરવામાં આવ્યું હોવાના મેસેજ મળતા જ ઉર્જા રેન્જના સ્ટાફ દ્વારા આ ગામમા કોતર વિસ્તારમાં પાંજરૂ ગોઠવી દેવામાં આવ્યું હતું અને રાતભર મોનીટરીંગ કરવામાં આવ્યું હતું.

આખરે દિપડાને પાંજરામાં પુરી દેવા વન વિભાગને સફળતા મળી હતી. રેસ્ક્યુ કરાયેલા દિપડાને પાંજરા સાથે દોલારાણા વાસણાથી ગાંધીનગર ખાતેના વનચેતના કેન્દ્ર ખાતે લઇ જવામાં આવ્યો હતો. ગીર ફાઉન્ડેશનના વેટરનરી ડોકટર પાસે દિપડાનું નિરીક્ષણ કરાવતાં આ દિપડો સાત-આઠ વર્ષથી મોટો પુખ્ત વયનો નર હોવાનું તથા તંદુરસ્ત હાલતમા હોવાનું જણાયુ હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.