Western Times News

Gujarati News

ગુજરાત પત્રકાર સંઘ સંલગ્ન વિરમગામ માંડલ દેત્રોજ પત્રકાર સંઘની વિરમગામ APMC ખાતે બેઠક મળી 

વિરમગામ માંડલ દેત્રોજ પત્રકાર સંઘના પ્રમુખ મહામંત્રી સહિતના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી 

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : ગુજરાત પત્રકાર સંઘ સંલગ્ન વિરમગામ માંડલ દેત્રોજ પત્રકાર સંઘની વિરમગામ એપીએમસી ખાતે બેઠક મળી હતી. મહેમાનોના વરદ હસ્તે દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં વિરમગામ માંડલ દેત્રોજ પત્રકાર સંઘના પ્રમુખ  મહામંત્રી, ઉપપ્રમુખ, મંત્રી સહિતના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી અને ૬૦ વર્ષથી વધુ ઉંમરના પત્રકારોનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ બેઠકમાં ગુજરાત પત્રકાર સંઘના પ્રમુખ બી આર પ્રજાપતિ ની ભારતીય પત્રકાર સંઘના પ્રમુખ તરીકે નિમણૂંક થતા સન્માન કરવામાં આવ્યું, મહામંત્રી બાબુભાઈ ચૌધરી, જર્નાલિસ્ટ વેલફેર ટ્રસ્ટના ચેરમેન યશવંતભાઈ મહેતા, વિરમગામ માંડલ દેત્રોજ પત્રકાર સંઘના નવનિયુક્ત પ્રમુખ જયદીપભાઇ પાઠક સહિત ગુજરાત પત્રકાર સંઘના વિવિધ હોદ્દેદારો, વિરમગામ માંડલ દેત્રોજ તાલુકાના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા માટે વિરમગામ એપીએમસીના ચેરમેન લખુભા ચાવડા તથા વાઇસ ચેરમેન રમેશભાઇ કોળી પટેલ દ્વારા જરૂરી તમામ વ્યવસ્થાઓ કરી આપવામાં આવી હતી.

યશવંતભાઈ મહેતાએ જણાવ્યું હતું કે, મેં ધોરણ ૪ અને ૫ નો વિરમગામમાં અભ્યાસ કર્યો છે. મુનસર તળાવના કિનારે લંગોટ પહેરી ને કસરત પણ કરી છે એટલે હું પણ વિરમગામનો જ છું. વિરમગામમાં વાંચનનો પાયો નાખ્યો છે. મારા ઘડતરમાં વિરમગામ નું મહત્વનું યોગદાન છે. ગુજરાત પત્રકાર સંઘ સાથેનો પત્રકારોએ સંબંધ પ્રોફેશનલ નહીં સામાજિક પારિવારિક પણ રાખવો જોઈએ. ગુજરાતી પત્રકારત્વ અને ૨૦૦ વર્ષ થયા છે.

બીઆર પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ગુજરાત પત્રકાર સંઘ ને ૬૦ વર્ષ પૂર્ણ થયા છે. ગુજરાત પત્રકાર સંઘ સાથે ગુજરાતના ખ્યાતનામ પત્રકારો લેખકો જોડાયેલા છે. પત્રકારોનું સંગઠન થાય તે ખૂબ જ મહત્વની અને જરૂરી બાબત છે. આપણે પત્રકાર ધર્મ, પત્રકાર સંગઠનને મજબૂત બનાવી અને પત્રકાર ધર્મનું પાલન કરીએ.

બાબુભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે વિરમગામ માંડલ દેત્રોજ ત્રણેય તાલુકાની પત્રકારોને એકતા જોઈને આનંદ થયો. દરેક પત્રકારોએ ખભેખભો મિલાવીને કામ કરવું જોઈએ. આપણે જે કામ કરીએ છીએ તે દરેક વ્યક્તિ કરી શકતી નથી. દરેક પત્રકાર એ માનવતા રાખી પ્રમાણિકતાથી કામ કરવું જોઈએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.