Western Times News

Gujarati News

રાજપીપલામા “ટીમ નર્મદા” સાથે એસ્પિરેશનલ ડીસ્ટ્રીક્ટ સંદર્ભે બેઠક યોજીને “ટીમ નર્મદા”ને માર્ગદર્શન પૂરૂં પાડતાં કેન્દ્રીય મંત્રીશ્રી પ્રહલાદભાઈ જોષી

એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટની શ્રેણીમાં નર્મદા જિલ્લો સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન મેળવે તે દિશાના સહિયારા પ્રયાસો સાથે સૌને કટિબધ્ધ થવાની હિમાયત કરતાં કેન્દ્રીય મંત્રીશ્રી પ્રહલાદભાઈ જોષી

પ્રજાકીય જનસુખાકારીના અગત્યના પ્રશ્નો અને રજૂઆતોને અગ્રતા આપીને વિવિધ યોજનાકીય લાભો પ્રજાજનોને સરળતાથી મહત્તમ મળી રહે તેવા પ્રયાસો હાથ ધરવા પ્રભારી મંત્રીશ્રી પૂર્ણેશ મોદીની હિમાયત

કેન્દ્રીય મંત્રીશ્રી પ્રહલાદભાઈ જોષી, નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી પૂર્ણેશભાઈ મોદીએ જીતનગર ખાતે નવનિર્માણ પામી રહેલી બિરસામુંડા ટ્રાયબલ યુનિવર્સિટીની મુલાકાત લીધી

રાજપીપલા :- સંસદીય બાબતો, કોલસા અને ખાણ વિભાગના કેન્દ્રીય મંત્રીશ્રી પ્રહલાદભાઈ જોષીના અધ્યક્ષસ્થાને અને ગુજરાતના માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રીશ્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી પુર્ણેશભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં આજે રાજપીપલા કલેક્ટરાલય ખાતે એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ સંદર્ભે બેઠક યોજીને જરૂરી સમીક્ષા સાથે “ટીમ નર્મદા” ને મંત્રીશ્રી પ્રહલાદભાઈ જોષીએ જરૂરી સુચનો સાથે માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.

ભરૂચના સાંસદ શ્રી મનસુખભાઇ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, ભરૂચ દુધધારા ડેરી અને નર્મદા સુગર ફેક્ટરીના ચેરમેનશ્રી ઘનશ્યામભાઈ પટેલ, જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ. શાહ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી પ્રશાંત સુંબે, નિવાસી અધિક કલેકટરશ્રી એચ.કે.વ્યાસ, પ્રાયોજના વહિવટદારશ્રી બી.કે.પટેલ, જિલ્લા આયોજન અધિકારીશ્રી એસ.એસ.પાંડે સહિત અમલીકરણ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી ઉક્ત બેઠકને સંબોધતા મંત્રીશ્રી પ્રહલાદભાઈ જોષીએ એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ સંદર્ભે કેન્દ્રીય નીતિ આયોગ દ્વારા શિક્ષણ, આરોગ્ય, પોષણ, ક્રૃષિ, કૌશલ્ય વર્ધન, માળખાગત સુવિધાઓ અને ફાઇનાન્સીયલ ઇન્કલુઝન વગેરે ક્ષેત્રોમાં નિર્ધારિત પેરામીટર્સ મુજબની લક્ષ્યાંક સિધ્ધી હાંસલ કરીને નર્મદા જિલ્લો એસ્પિરેશલ ડિસ્ટ્રીક્ટની શ્રેણીમાં સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન મેળવે તે દિશાના સહિયારા પ્રયાસો સાથે સૌને કટિબધ્ધ થવાની તેમણે ખાસ હિમાયત કરી હતી.

ભારત સરકારની સર્વોચ્ચ સંસ્થા નીતિ આયોગે એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ પ્રોગ્રામ અમલમાં મુક્યો છે, જેમાં દેશના ૧૧૨ જિલ્લાઓ પૈકી નર્મદા જિલ્લો ૧૧ માં સ્થાને હોવાની સાથે પ્રધાનમંત્રી સુરક્ષા વિમા યોજના, જીવન જ્યોતિ વિમા યોજના, પ્રધાનમંત્રી જનધન યોજનાઓનો મહતમ લોકો લાભ લે તે દિશાના સઘન પ્રયાસો હાથ ધરવાની સાથે જિલ્લામાં કૃર્ષિ, આરોગ્ય, શિક્ષણ, આઇ.સી.ડી.એસ વિભાગો પરિણામલક્ષી કામગીરી કરે તે માટે સુચારૂં આયોજન ઘડી કાઢવા મંત્રીશ્રી જોષીએ જણાવ્યું હતું. આ બેઠકમાં મંત્રીશ્રી જોષીએ જિલ્લામાં થયેલી ઓવરઓલ શ્રેષ્ઠ કામગીરી બદલ “ટીમ નર્મદા” ને અભિનંદન પણ પાઠવ્યાં હતાં.

બેઠકમાં પ્રભારી મંત્રીશ્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે, જિલ્લામાં ગુણવતાયુક્ત શિક્ષણ વિદ્યાર્થીઓને મળી રહે તેવા પ્રયાસો હાથ ધરવાની સાથે તાલુકા-ગ્રામ્યકક્ષાએ રહેતા અંતરિયાળ અને છેવાડાના લોકોને પણ શ્રેષ્ઠતમ આરોગ્યની સુવિધાઓ સમયસર મળે તે માટે માળખાકિય સુવિધાઓની સાથે એમ્બુલન્સ સહિતની સુવિધા પ્રાપ્ત થાય તે દિશાના પ્રાયાસો ઉપરાંત જિલ્લાની આઇ.ટી.આઇ સંસ્થામાં વિદ્યાર્થીઓને રોજગારલક્ષી તાલીમબધ્ધ કરવાની સાથે પ્રજાકીય જનસુખાકારીના અગત્યના પ્રશ્નો અને રજૂઆતોને અગ્રતા આપીને તેના ઝડપી અને ત્વરિત ઉકેલ સાથે વિવિધ યોજનાકીય લાભો પ્રજાજનોને સરળતાથી મહત્તમ મળી રહે તેવા પ્રયાસો હાથ ધરવા મંત્રીશ્રી મોદીએ હિમાયત કરી હતી.

જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ.શાહ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુએ ઉક્ત બેઠકમાં પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા જિલ્લામાં ચાલી રહેલા વિકાસકાર્યો તેમજ વિવિધ વિભાગોના પડતર પ્રશ્નો, નીતિ આયોગ દ્વારા મળેલી સહાય, CSR એક્ટીવીટી હેઠળ જિલ્લાના વિવિધ વિભાગોને ફાળવાયેલી ગ્રાંન્ટ અંગે તેમજ રાજપીપલા શહેરી વિસ્તારમાં ચાલી રહેલો “નોધારાનો આધાર પ્રોજેક્ટ“ ના લાભાર્થીઓને આધાર કાર્ડ, રેશનકાર્ડ, શ્રમકાર્ડ સહિત વિવિધ યોજનાઓના લાભો આપીને લાભાન્વિત કરાયાં હોવાની વિસ્તૃત જાણકારી પુરી પાડી હતી.

ઉક્ત બેઠકમાં ભરૂચના સાંસદ શ્રી મનસુખભાઇ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવાએ સંબંધિત વિભાગોને લગતા પ્રશ્નો અને રજૂઆતોના ઉકેલ સંદર્ભે જરૂરી માર્ગદર્શન સાથે સુચનાઓ આપી હતી. ઉક્ત બેઠક અગાઉ કેન્દ્રીય મંત્રીશ્રી પ્રહલાદભાઈ જોષી, નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી પૂર્ણેશભાઈ મોદીએ જીતનગર ખાતે નવનિર્માણ પામી રહેલ બિરસામુંડા ટ્રાયબલ યુનિવર્સિટીની જાત મુલાકાત લીધી હતી.

આ વેળાએ ટ્રાયબલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરશ્રી ડૉ. મધુકર પાડવીએ નિર્માણ પામી રહેલ બિરસામુંડા યુનિવર્સિટીમાં થઇ રહેલી કામગીરી અંગે મંત્રીશ્રીને વાકેક કર્યાં હતાં. આ પ્રસંગે ભરૂચના સાંસદશ્રી મનસુખભાઇ વસાવા, પ્રાયોજના વહિવટદારશ્રી બી.કે.પટેલ સહિત સંબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓ આ મુલાકાતમાં સાથે જોડાયાં હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.