Western Times News

Gujarati News

ઝઘડીયાથી વાલિયાને જાેડતા રોડની કામગીરી ત્રીજી વખત ખોરંભે પડી

બન્ને ટ્રાઈબલ તાલુકાને જાેડતા મહત્વના માર્ગ બાબતે વર્ષોથી નેતા અને અધિકારીઓનુ ઓરમાયું વર્તન !

(પ્રતિનિધિ) ભરૂચ, ઝઘડિયા તાલુકામાં ગામડાઓને જાેડતા રોડ બદતર હાલતમાં છે ત્યારે ઝઘડીયા તાલુકાથી વાલિયા તાલુકા મથકને જાેડતો વાયા જીઆઈડીસી રોડ પણ વર્ષોથી બદતર હાલતમાં હતો.સરકાર તરફથી બબ્બે વખત રોડનો ઇજારો મળ્યા બાદ પણ જવાબદાર વહીવટીતંત્ર તથા ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના અને વાલીયા તાલુકાના નેતાઓ કામ પૂર્ણ કરાવી શક્યા નથી.

ઝઘડીયાથી વાલિયા રોડ નવો બનાવવાની મંજુરી મળી ત્યારે તેનું ભૂમિપૂજન ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું.રોડ નવો બનશે તેવી આશાથી બંને તાલુકાની જનતા તથા ઝઘડીયા જીઆઇડીસીમાં જતાં કંપની કામદારો,માલ વાહક વાહન ચાલકો તથા વિદ્યાર્થીઓ ખુશખુશાલ થયા હતા,

પરંતુ સાંસદના ભૂમિપૂજનના ગણતરીના દિવસોમાંજ ઈજારાદાર દ્વારા કામને અભરાઈએ ચઢાવી દેવાયું હતુ. સ્થાનિકોના માર્ગ બાબતે આક્રોશને પારખી ગયેલા અધિકારીઓ, નેતાઓએ ફરી કામ તો શરૂ કરાવ્યું પરંતુ ફરીથી ત્રીજી વખત હાલમાં કામ ખોરંભે પડયુ છે. તલોદરાથી વખતપુરા સેલોદ મોતીપુરા ફુલવાડી પાટીયા વઠેવાડ ઝઘડિયા તળાવ સુધીની કામગીરી જવાબદાર ઈજારદાર દ્વારા ફરીથી બંધ કરી દેવામાં આવી છે.

ઈજારદાર તેનો બધો જ સામાન આટોલી પલાયન થયો હોય તેમ લાગી રહ્યું છે!હાલમાં ઝઘડીયાથી જીઆઇડીસી તલોદરા સુધી રોડની બાકી રહેલી કામગીરીનો રોડ એટલી બદતર પરિસ્થિતિ છે કે રોજીંદા હજારો કંપની કર્મચારીઓ, ગામડાના લોકો તેમજ વિદ્યાર્થીઓ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

ઝઘડિયા અને વાલિયાના રાજકીય નેતાઓ તથા પદાધિકારીઓની ખેંચતાણમાં અતિ મહત્વના ગણાતા એવા ઝઘડીયા થી તલોદરા વાયા જીઆઈડીસીનો માર્ગની કામગીરી ખોરંભે પડી છે. મોટાઉપાડે ભૂમિપૂજનો અને ખાતમુહૂર્ત કરતા નેતાઓ વિકાસના કામોના મૂહુર્ત કરાવ્યા બાદ કયા કારણોસર કામ ખોરંભે પડ્યું છે

તે જાેવાની તસ્દી પણ લેતા નથી તે ઝઘડીયા થી વાલિયા રોડની ઝઘડિયા થી તલોદરામાં સુધીની ખોરંભે પડેલી કામગીરી પરથી ફલિત થાય છે. પ્રજાના મત લેવા લોભામણી વાતો કરતાં અને ફક્ત પોતાના વિરોધી તથા વિરોધપક્ષને જ પછાડવા

મહેનત કરતા તમામ પક્ષોના સફેદ ઝભ્ભાધારી નેતાઓ પ્રજાના પ્રાથમિક જરૂરિયાત એવા બાકી રહેલ અને બદતર હાલતમાં થઈ ગયેલ બબ્બે વખત સરકાર દ્વારા મંજૂર કરાયેલ પરંતુ પૂર્ણ નહીં થયેલ ઝઘડિયા વાલીયા રોડ ના તલોદરા સુધીનું કામ સત્વરે ફરીથી પ્રારંભ કરાવી તેની સુખદ પૂર્ણાહુતિ કરે તે અનિવાર્ય બન્યું છે.

તાલુકા પંચાયતના પ્રમુખના આંગણા માંથી જ રોડની કામગીરી ખોરંભે ઃ ઝઘડીયા તાલુકા પંચાયતના પ્રમુખ રીનાબેન વસાવા તલોદરા ગામે રહે છે.બબ્બે વખત ખોરંભે પડેલો ઝઘડિયા વાલિયા રોડ ત્રીજી વખત તાલુકા પંચાયતના પ્રમુખનાં આંગણા તલોદરા માંથી જ ઝઘડિયા તરફના રોડની કામગીરી ઈજારાદાર દ્વારા બાકી રખાતા કામ ખોરંભે પડયુ છે.

તાલુકા પંચાયતના પ્રમુખ આ માર્ગ પરથી જ રોજિંદા આવન-જાવન કરતા હોય છે ત્યારે કરોડોના ખર્ચે બીજી વખત મંજુર થયેલ વાલીયા ઝઘડિયા રોડની કામગીરી ક્યારે પૂર્ણ થશે તે જાેવાનું રહ્યું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.