Western Times News

Gujarati News

ગુજરાતમાં ૧૦ વર્ષમાં ૭૩ લાખ મોતીયાના ઓપરેશન કરાયા

કેવડીયા, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે સ્ટેચ્યુ ઓફ યુનિટી-કેવડીયા કોલોની ખાતે સેન્ટ્રલ કાઉન્સીલ ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેરની ૧૪ મી બેઠક અંતર્ગત ત્રિદિવસીય સ્વાસ્થ્ય ચિંતન શિબિરના બીજા દિવસે બેસ્ટ પ્રેક્ટીસ સેશનમાં જણાવ્યું કે, મોતીયા અંધત્વ મુક્ત ગુજરાત મુહિમના પરિણામે દ્રષ્ટિ ખામીને મહદ્‌અંશે દૂર કરવાનો સેવાયજ્ઞ આદરવામાં આવ્યો છે.

ગુજરાતમાં ૧૦ વર્ષમાં ૭૩ લાખ જેટલા મોતીયાના ઓપરેશન કરવામાં આવ્યા છે તેમજ કોરોનાની વિષમ પરિસ્થિતીઓ વચ્ચે પણ ૧૦ લાખ જેટલા મોતીયાના ઓપરેશન સફળતાપૂર્વક કરીને ગુજરાતે અંધત્વમુક્ત ગુજરાત માટેની પ્રતિબધ્ધતા દર્શાવી છે તેમ આરોગ્યમંત્રીશ્રીએ જણાવ્યુ હતુ.

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ સેશનમાં રાષ્ટ્રીય અંધત્વ અને દ્રષ્ટિ ખામી નિયંત્રણ કાર્યક્રમ હેઠળની મોતીયા અંધત્વ મુક્ત ગુજરાત ઝુંબેશની કામગીરીનો ચિતાર કોન્ફરન્સમાં રજૂ કર્યો હતો. આ પ્રસંગે રાજ્ય સરકાર દ્વારા ઉક્ત અભિયાન સંદર્ભે બનાવવામાં આવેલી ફિલ્મ કોન્ફરન્સ હૉલમાં રજૂ કરવામા આવી હતી જે લોકો માટે માહિતીનું કેન્દ્ર બની રહી હતી. મંત્રીએ જણાવ્યું કે, આ કાર્યક્રમ હેઠળ તમામ પ્રવૃતિઓમાં લક્ષ્યાંક સિધ્ધ કરીને ગુજરાત રાજ્ય દેશના સર્વોચ્ય ત્રણ રાજ્યોમાં પોતાનું સ્થાન છેલ્લા દાયકામાં નિયત કર્યું છે.

રાજ્ય દ્વારા દ્રષ્ટિ સારવાર માટે અત્યાધુનિક તકનિકી ઉપકરણો સાથેના ઓપરેશન થિયેટર, ઓ.પી.ડી. વિભાગ જેવા ખાસ માળખાકીય સુવિધાઓ તેમજ નિષ્ણાંત તબીબોનું માર્ગદર્શન ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે. મંત્રીએ વિશેષમાં ઉમેર્યું કે, વર્ષ ૨૦૧૪ થી અત્યંત આધુનિક એવા હાઇડ્રોફોબિક ઇન્ટ્રા ઓક્યુલર લેન્સ દ્વારા દર્દીઓને વિનામૂલ્યે મોતીયાના ઓપરેશનમાં મૂકવામાં આવી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ખાનગી સંસ્થાઓમાં આ પ્રકારના ઓપરેશનનો અંદાજીત ખર્ચ પચાસ થી સિત્તેર હજાર થતો હોય છે. મોતીયા અંધત્વ મુક્ત ગુજરાત કાર્યક્રમ અંતર્ગત રાજ્યના તમામ ગ્રામ્ય સ્તરે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને ઓપરેટીંગ સેન્ટર સાથે જાેડીને દર્દીઓને ઘરઆંગણે જ માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું હોવાનું મંત્રીએ જણાવ્યું હતુ.

આ સેશનમાં મંત્રી દ્વારા ગુજરાત રાજ્યમાં મોતીયા ક્ષેત્રે સેવાભાવી કામગીરી કરનારા ડૉ. રમણીક દોશી અને ડૉ. ભાનુશંકર અધ્વર્યુની કામગીરીને બિરદાવીને લોકસમક્ષ મૂકી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.