Western Times News

Gujarati News

આગામી ૨૪ કલાક ઓડિશા અને પ. બંગાળ માટે ભારે હોવાની આગાહી

કોલકાતા/ભુવનેશ્વર, બંગાળની ખાડીમાં ઉદ્ભવેલું વાવાઝોડું ‘અસાની’ દક્ષિણપૂર્વ અને તેની પાસે આવેલા પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાં તીવ્ર વાવાઝોડામાં પરિવર્તિત બન્યું છે. આવી સ્થિતિમાં આગામી ૨૪ કલાક ભારે રહેવાના છે. ભારતીય હવામાન વિભાગએ (આઈએમડી)રવિવારે મોડી રાત્રે આ માહિતી આપી છે.

દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પર આવેલું ચક્રવાતી તોફાન લગભગ ઉત્તરપશ્ચિમ તરફ તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં પરિણમ્યું અને રવિવારે સાંજે ૫.૩૦ વાગ્યે દક્ષિણપૂર્વ અને અડીને આવેલા પૂર્વ મધ્ય બંગાળની ખાડી પર કેન્દ્રિત થયું છે.

હવામાન વિભાગે જણાવ્યું હતું કે, મંગળવારે એટલે કે ૧૦ મેના રોજ, ‘અસાની’ ઉત્તર આંધ્ર-ઓડિશાના દરિયાકાંઠેથી પશ્ચિમ-મધ્ય અને તેને સંલગ્ન ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડીમાં પહોંચશે તો તે ઓડિશાના કિનારેથી ઉત્તર-પૂર્વ તરફ ફરશે અને ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી તરફ તરફ આગળ વધશે.

હવામાન વિભાગે અસાનીની ગતિ અને તીવ્રતાં અંગે પૂર્વાનુમાન કરતાં કહ્યું કે આ વાવાઝોડું ત્યારબાદ બુધવારે ભયાનક ચક્રવાતી વાવાઝોડું બનશે અને પછી ગુરુવાર સુધીમાં તે ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે તેવી પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે.

આ સાથે હવામાન વિભાગે કહ્યું કે આ વાવાઝોડું ઓડિશા અથવા આંધ્રપ્રદેશમાં લેન્ડફોલ નહીં થાય. આઈએમડીના ડિરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે ચક્રવાત પૂર્વ કિનારે સમાંતર આગળ વધશે અને મંગળવાર સાંજથી દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે વરસાદનું કારણ બનશે.

ઓડિશાના વિશેષ રાહત કમિશનર પીકે જેનાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે બચાવ કામગીરી માટે પૂરતી વ્યવસ્થા કરી છે. “અમને રાજ્યમાં કોઈ મોટો ખતરો દેખાતો નથી કારણ કે વાવાઝોડું જગન્નાથપુરી નજીકના દરિયાકિનારાથી લગભગ ૧૦૦ કિમી દૂરથી પસાર થશે.”

તેમણે સાથે ઉમેર્યું કે, જાેકે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ), ઓડિશા ડિઝાસ્ટર રેપિડ રિસ્પોન્સ ફોર્સ (ઓડીઆરએએફ) અને ફાયર સર્વિસની બચાવ ટીમો કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે. એક એનડીઆરએફટીમને બાલાસોરમાં તૈનાત કરવામાં આવી છે અને એક ઓડીઆરએએફટીમને ગંજમ જિલ્લામાં મોકલવામાં આવી છે.

પુરી જિલ્લાના કૃષ્ણ પ્રસાદ, સતપારા, પુરી અને અસ્તરાંગ બ્લોક અને કેન્દ્રપાડાના જગતસિંહપુર, મહાકાલપાડા અને રાજનગર અને ભદ્રકમાં પણ ઓડીઆરએએફટીમો તહેનાત કરવામાં આવી છે.

જેનાએ કહ્યું કે તમામ જિલ્લાઓને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. જિલ્લા અધિકારીઓને સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લોકોને સુરક્ષિત સ્થળાંતર કરવાનો અધિકાર સોંપવામાં આવ્યો છે.’

મંગળવારે ઓડિશાના ગજપતિ, ગંજમ અને પુરીના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. બુધવારે ગંજમ, ખુર્દા, પુરી, જગતસિંહપુર અને કટકમાં ભારે વરસાદ પડી શકે છે. ગુરુવારે પુરી, જગતસિંહપુર, કટક, કેન્દ્રપારા, ભદ્રક અને બાલાસોરમાં ભારે વરસાદની સંભાવના છે.

હવામાન વિભાગે જણાવ્યું હતું કે ચક્રવાત મંગળવારથી શુક્રવાર સુધી ગંગાના પશ્ચિમ બંગાળમાં હળવાથી મધ્યમ વરસાદની સાથે કોલકાતાના દરિયાકાંઠાના જિલ્લાઓમાં એક કે બે સ્થાને ભારે વરસાદની સંભાવના દેખાય છે.

કોલકાતાના મેયર ફિરહાદ હકીમે જણાવ્યું કે, હવામાન વિભાગની આગાહીને પગલે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમોને એલર્ટ કરી દેવામાં આવી છે. તેમણે કહ્યું કે મે ૨૦૨૦ માં ચક્રવાત અમ્ફાનની વિનાશક અસરોમાંથી બોધપાઠ લઈને, મ્યુનિસિપલ વહીવટીતંત્રે પડી ગયેલા વૃક્ષો અને અન્ય કાટમાળના અવરોધોને દૂર કરવા માટે ક્રેન્સ, ઇલેક્ટ્રિક કરવત અને બુલડોઝર (અર્થમુવર) સહિતના સાધનો એલર્ટ રાખવા જેવા તમામ પગલાં લીધાં છે.

કોલકાતાના એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે પૂર્વ મેદિનીપુર, દક્ષિણ ૨૪ પરગણા અને ઉત્તર ૨૪ પરગણાના વહીવટીતંત્રે ભોજન અને આવશ્યક દવાઓની વ્યવસ્થા સિવાય, સ્થળાંતરની જરૂર પડે તો વાવાઝોડથી સુરક્ષિત આશ્રયસ્થાનો, શાળાઓ અને અન્ય પાકા આશ્રયસ્થાનો તૈયાર કરી રહ્યા છે. હવામાન વિભાગે માછીમારોને મંગળવારથી આગામી સૂચના સુધી દરિયામાં અને પશ્ચિમ બંગાળ અને ઓડિશાના દરિયાકાંઠે ન જવાની સલાહ આપી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.