Western Times News

Gujarati News

નબીપુર નજીકના બોરી ગામે પેટ્રોલપંપ ઉપર 3 રાઉન્ડ ફાયરિંગ કરી લૂંટનો નિષ્ફળ પ્રયાસ

ભરૂચ જિલ્લામાં સતત બીજા દિવસે બુકાનીધારીઓનો આંતક યથાવત

(વિરલ રાણા) ભરૂચ,ભરૂચ જિલ્લામાં સોમવારની વહેલી સવારે વાગરાના ચાંચવેલ ગામ પાસે આવેલ વેલકમ ફ્યુઅલ્સ પેટ્રોલપંપ લૂંટાયાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં તો જિલ્લાની પોલીસને પડકાર ફેંકતા હોય તેમ નબીપુરના બોરી ગામ પાસે આવેલ રંગ પેટ્રોલીયમને મંગળવારની વહેલી સવારે લૂંટારુઓએ નિશાન બનાવી હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી લૂંટ ચલાવવાનો પ્રયાસ કર્યો હતો.પરંતુ લૂંટારુઓએ ખાલી હાથે વીલા મોઢે પરત ફરવું પડયું હતું.ત્યારે લૂંટારુ ગેંગ વધુ પેટ્રોલપંપને નિશાન બનાવે તે પહેલા ઝડપી પાડે તે જરૂરી બન્યું છે.

મંગળવારની વહેલી સવારે ભરૂચ તાલુકાના નબીપુર ગામ નજીકના રંગ પેટ્રોલિયમ ઉપર વહેલી સવારના સુમારે એક મોટર સાયકલ ઉપર બે અજાણ્યા શખ્સો ગ્રાહકના સ્વાંગમા આવી રિવોલ્વરની અણીએ પંપ ઉપર હાજર કર્મચારીઓને ઓફિસમાં લઈ જઈ લૂંટનો પ્રયાસ કર્યો હતો.જે પ્રયાસ નિષ્ફળ કરી હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી ભયનો માહોલ ઉભો કરી લૂંટારુ પોતાની મોટર સાયકલ ઉપર નબીપુર તરફના રસ્તે ફરાર થઈ ગયા હતા.

આ દરમ્યાન લૂંટારુઓએ ત્રણ રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું.ત્યાર બાદમાં આ પંપના કર્મચારીઓએ નજીકના નબીપુર પોલીસ સ્ટેશનમાં જાણ કરતા નબીપુરના પી.એસ.આઈ એ.કે.જાડેજા તેમના સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા.તેમણે તપાસ દરમ્યામ સીસીટીવી ફૂટેજ ચેક કરતા લૂંટારુઓ નબીપુર તરફ જતા માલુમ પડતા નબીપુર ગામમાં ગ્રામ પંચાયત દ્વારા ગામમાં લગાવેલા સીસીટીવી ફૂટેજ ચેક કરતા લૂંટારુઓ મોટર સાયકલ નબીપુર રેલ્વે  ક્રોસિંગ ફાટકની વચ્ચે મૂકીને ફરાર થઈ ગયા હતા.ભરૂચ જિલ્લામાં આમ ઉપરાછાપરી પેટ્રોલપંપની લૂંટની ઘટનાઓ પોલીસને પડકાર સમાન છે.ત્યારે પોલીસ આ ઘટનાની તપાસ વિવિધ સીસીટીવી ફૂટેજોની ચકાસણી કરી રહી છે.આ બે દિવસમાં ઘટનાઓ બનતા જિલ્લામાં હડધમ મચી જવા પામી છે.

અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે છેલ્લા ચોવીસ કલાકમાં લૂંટારુઓએ રિવોલ્વરની અણી એ બે પેટ્રોલપંપ ઉપર લૂંટ ની ઘટનાને અંજામ આપ્યો છે.જેના પગલે લૂંટારુઓ પણ પોલીસને ખુલ્લો પડકાર ફેંકતા હોય તેમ પેટ્રોલપંપ ઉપર સીસીટીવી કેમેરાની નજર સામે જ રિવોલ્વરની અણી એ લૂંટ જેવા ગંભીર ગુના ને અંજામ આપી રહ્યા છે.ત્યારે ભરૂચ જિલ્લાની પોલીસ પેટ્રોલપંપ ઉપર લૂંટનો કારસો રચતી લૂંટારુ ટોળકીને કેટલા સમયમાં ઝડપી પાડે છે તે જોવું રહ્યું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.