ગાંધીનગર વસાહતી બેતાલીસ ગામ (પાંચ ગોળ) વણકર સમાજનો દ્વિતીય સમૂહલગ્નોત્સવ યોજાયો

તસવીરઃ જનક પટેલ, ગાંધીનગર
(પ્રતિનિધિ) ગાંધીનગર, ગાંધીનગર વસાહતી બેતાલીસ ગામ(પાંચ ગોળ) વણકર સમાજ ગાંધીનગર દ્વારા તા.૧૪-૦પ-૨૦૨૨ને શનિવારના રોજ લગ્નવાડી, દત્ત મંદિર, સેક્ટર-૨૮, ગાંધીનગર ખાતે સમગ્ર વણકર સમાજનો દ્વિતીય સમૂહલગ્નોત્સવ સમારોહનું આયોજન કરવામાં આવેલ હતું .
જેમાં કુલ-૧૬ યુગલોએ પ્રભુતામાં પગલાં પાડયાં હતાં. દરેક સમાજના દિકરા-દિકરીની ઉંમર લાયક થાય તે સાથે જ, ખાસ કરીને ગરીબ પરિવાર માટે મોંધવારીમાં લગ્ન પ્રસંગે કરવો પડતો ખર્ચ અસહ્ય બની જતો હોય, ક્યારેક ઘણા પરિવાર દેવાના ડુંગર નીચે આવી જતાં હોય છે.
ત્યારે વણકર સમાજ દ્વારા સમાજને મોટા અને ખોટા ખર્ચમાંથી મુક્ત કરી સમાજના આર્થિક ઉત્થાનના શુભ હેતુ સાથે દ્વિતીય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સમારંભના પ્રમુખશ્રી કે.કે.ચૌહાણ, સમારંભના ઉદઘાટક સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગના કેબીનેટ મંત્રી પ્રદિપભાઈ પરમાર, ગાંધીનગર મહાનગરપાલિકાના પૂર્વ ડે.મેયર નાઝાભાઈ ઘાંઘર અને ભોજન દાતા ડાહ્યાભાઈ અને સોમાભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા.
બૌદ્ધ ઉપાસદ ભીખાભાઈ અમીને નવદંપતિઓને આશિવચન આપ્યા હતા. રાજ્ય સરકારના સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદિપભાઈ પરમારે જણાવ્યું હતું કે સમાજ કલ્યાણની કલ્યાણકારી યોજનાઓથી માહિતગાર કરી વિદેશ પ્રવાસે ઉચ્ચ અભ્યાસ અર્થે જતા બાળકો તથા સાત ફેરા સમુહલગ્ન યોજનાની વિસ્તૃત જાણકારી આપી લાભ લેવા જણાવ્યું હતું.
નવયુગલોને વિવિધ ભેંટસોગાદ આપી સમાજ કલ્યાણના પ્રમાણપત્રો તથા રોકડ પુરસ્કારથી નવાજ્યા હતા.આ પ્રસંગે નિયામક અનુસુચિત કલ્યાણ બી.પી ચોહાણ, સંયુક્ત નિયામક નયનાબેન તેમજ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આયોજક સમિતિ દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં સવારે જાન આગમન બાદ લગ્ન વિધિ યોજાઈ હતી.