Western Times News

Gujarati News

સાત વર્ષમાં ૪૦ હજારથી વધુ વિદ્યાર્થીઓ ખાનગી શાળા છોડી મ્યુનિ.સ્કૂલમાં આવ્યા

પ્રતિકાત્મક તસવીર

કારમી મોંઘવારીથી દાઝેલા વાલીઓ મ્યુનિ.શાળામાં ગુણવત્તાલક્ષી શિક્ષણ અપાતું હોવાથી આકર્ષાયાઃ જાેયફુલ લર્નિગ ધરાવતી સ્માર્ટ સ્કૂલ પહેલી પસંદ

અમદાવાદ, મ્યુનિસિપલ શાળામાં ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને અપાતા શિક્ષણનું સ્તર ટીકાસ્પદ બન્યું છે. ધો.૫ અને ૬ના બાળકને પણ સાદું ગુજરાતી વાંચતા આવડતું નથી અને મહિને રૂ.૬૦થી ૭૦ હજારનો પગાર ધરાવતાં શિક્ષકો શાળાએ ગાડી લઈને આવતા હોવા છતાં બાળકોને ભણાવવામાં વેઠ ઉતારે છે તેવી ગંભીર ફરિયાદો વારંવાર ઊઠતી રહી છે.

તેમ છતાં મ્યુનિ. સ્કૂલબોર્ડના સત્તાવાળાઓનો એવો દાવો છે કે હવે શિક્ષણનું સ્તર સુધર્યું હોઈ સેંકડો વાલીઓ સામે ચાલીને પોતાના બાળકને અમારી શાળામાં પ્રવેશ અપાવે છે. છેલ્લાં સાત વર્ષમાં ખાનગી શાળાઓના ૪૦,૭૮૮ બાળકોએ પ્રવેશ લીધો હોઈ આ બાબત અમારા માટે પ્રોત્સાહનજનક છે. નવા શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩માં પણ અનેક બાળકો ભણવા માટે ખાનગી શાળા છોડીને મ્યુનિ.શાળાનાં પગથિયાં ચઢશે.

ગયા એપ્રિલ મહિનામાં સ્કૂલબોર્ડે શહેરીજનોને અમદાવાદની અગિયારમી સ્માર્ટ સ્કૂલની ભેટ આપી હતી. શીલજની પ્રાથમિક શાળાને રૂ.૧.૩૭ કરોડના ખર્ચે સ્માર્ટ સ્કૂલ તરીકે વિકસિત કરાઈ હતી. જાેયફુલ લર્નિગના અભિગમ સાથે આ શાળામાં બાળકોને ખાનગી શાળા કરતાં પણ અનેક પ્રકારની સુવિધાઓ અપાઈ છે.

મ્યુનિ.સ્કૂલબોર્ડના સત્તાવાળાઓનો એવો દાવો છે કે ઉચ્ચ લાયકાત ધરાવતા તાલીમબદ્ધ શિક્ષકો શાળાઓમાં શિક્ષણ આપે છે. ૬૦૦ શિક્ષકો બીેએસસી બીએડ, એમએસસી પીએચડી છે. ૨૦૦૦ શિક્ષકો બીએ બીએડ છે. મોટાભાગના મેરિટ ધરાવતાં શિક્ષકો સરકારી ભરતી દરમિયાન અમદાવાદને પસંદ કરતા હોય આનો ફાયદો પણ બાળકોને મળે છે.

છેલ્લાં સાત વર્ષમાં રાજ્ય સરકાર અને મ્યુનિ.તંત્ર ૧૦૦ નવી શાળા તૈયાર કરાઈ છે, જેમાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, ઉર્દૂ માધ્યમનાં ૧.૬૩ લાખ બાળકો અભ્યાસ કરે છે. આ બાળકોને મધ્યાહન ભોજન યોજના હેઠળ અઠવાડિયામાં બે વખત સુખડી સાથેનું ભોજન અપાઈ રહ્યું છે. ધો.૧થી ૫નાં બાળકોને લો-ફ્લોર રાઈટિંગ ટેબલ, ધો.૬થી ૮નાં બાળકો માટે આકર્ષક બેન્ચીસ, નિઃશુલ્ક શિક્ષણ, પાઠ્યપુસ્તકો, નક્શાપોથી-પ્રયોગપોથી વગેરે આપવામાં આવે છે.

વર્ષ ૨૦૧૪-૧૫માં ૪૩૯૭ બાળકો, ૨૦૧૫-૧૬માં ૫૪૮૧ બાળકો, ૨૦૧૬-૧૭માં ૫૦૦૫ બાળકો, ૨૦૧૭-૧૮માં ૫૨૧૯ બાળકો, ૨૦૧૮-૧૯માં ૫૭૯૧ બાળકો, ૨૦૧૯-૨૦માં ૫૨૯૨ બાળકો, ૨૦૨૦-૨૧માં ૩૩૩૪ બાળકો અને ગયા વર્ષ ૨૦૨૧-૨૨માં સૌથી વધુ ૬૨૮૯ બાળકોએ તેમની ખાનગી શાળા છોડીને અમારી શાળામાં પ્રવેશ મેળવ્યો હતો.

કુલ ૪૦,૭૮૮ બાળકો છેલ્લાં સાત વર્ષમાં આવ્યાં તે અમારા માટે ગૌરવ લેવા જેવી બાબત છે તેમ મ્યુનિ.સ્કૂલબોર્ડના ચેરમેન ડો.સુજય મહેતા કહે છે.

કારમી મોંઘવારીથી દાઝેલા સેંકડો વાલીઓ ખાનગી શાળાઓની મોંધીદાટ ફી પોસાતી ન હોઈ મ્યુનિ.શાળાને પસંદ કરી રહ્યા છે, જાેકે આમાં મ્યુનિ.શાળાઓમાં અપાતું શિક્ષણ ખાનગી શાળાને ટક્કર અપાવે તેવું બન્યું હોઈ વાલીઓ મ્યુનિ.શાળાને પસંદ કરી રહ્યા છે તેવો દાવો તંત્રનો છે.

બાળકોને વિવિધ પ્રકારની શિષ્યવૃત્તિનો લાભ અપાય છે, જેમાં નેશનલ મીન્સ મેરિટ સ્કોલરશિપ, પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા, ધો.૧૦નાં વિદ્યાર્થીઓ માટે એનટીએસ પરીક્ષાનું માર્ગદર્શન અપાય છે. એનએમએમ સ્કોલરશિપ હેઠળ છેલ્લાં પાંચ વર્ષમાં સ્કૂલબારેડને રૂ.નવ કરોડ અપાયા છે.

બાળકોને વર્ષે રૂ.૧૦૦૦થી લઈને દર મહિને રૂા.૧૦૦૦ની શિષ્યવૃત્તિનો લાભ મળે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે ૨૦૦૩થી શરૂ કરાયેલ કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવ દરમિયાન ધો.૧માં પ્રવેશ મેળવનારાં કુમા-કન્યાઓને શૈક્ષણિક કિટ અને યુનિફોર્મ સહિત રૂ.૧૫૦૦ સુધીની ભેટ અપાય છે. અત્યારે કુમાર કરતાં આશરે આઠ હજાર વધારે કન્યાઓ છે તેમ મ્યુનિ.સ્કૂલબોર્ડના શાસનાધિકારી ડો.એલ.ડી.દેસાઈ કહે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.