બોરસદના વિરસદ-કાળુમાંથી બે નકલી તબીબો ઝડપાયા

પ્રતિકાત્મક
આણંદ, વિરસદ પોલીસે ગામના દીલ્લી ચકલા અને કાળુ ગામે છાપો મારી પશ્ચિમ બંગાળના બે નકલી તબીબોને કોઈપણ જાતની ડિગ્રી વિના દવાખાના ચલાવતા ઝડપી પાડ્યા તા. પોલીસે બંને પાસેથી બે મોબાઈલ, દવાખાનાના સાધનો ગોળીઓ વગેરે મળી કુલ રૂા.૩૦૩૧૦નો મુદ્દામાલ કબ્જે લીધો છે.
બોરસદના પીએસઆઈ જે.કે.ભરવાડ, હેકો.રણજીતસિંહ તથા સ્ટાફ પોલીસ મથકે હાજર હતા. આ દરમ્યાન બાતમી મળતાં તેમણે વિરસદ આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફીસર ગુંજન કે.જાદવને સાથે રાખી કાળુ ગામના દીલ્લી ચકલા સાથે ચાલતા માતારા દવાખાનું ડો.તાપોસ બીસ્વાસને ત્યાં તેઓ મળી આવ્યા હતા.
પૂછતાછમાં તેમનું આખુ નામ તાપોસ રતનકુમાર બીસ્વાસ (રહે.કાંધરોટી આંગણવાડી પાસે તા.બોરસદ મુળ રહે.ઉત્તર પાંચપોતા પશ્ચિમ બંગાળ) હોવાનું જણાવ્યું હતું. તેમની પાસે ગુજરાત મેડિકલ કાઉન્સિલ રજીસ્ટ્રેશન અંગેનું પ્રમાણપત્ર પણ ન હતું. કોઈપણ જાતની ડીગ્રી વિના તેઓ લોકોની સારવાર કરતા હતા.
તેમને ત્યાં બે પલંગ પણ રાખવામાં આવ્યાં હતાં. પોલીસે તેમને ત્યાંથી સ્ટેથોસ્કોપ ઉપરાંત બીપી માપવાનું મોનીટર સીરીન, થરમોમીટર, પાટા અને ૩૦ પ્રકારની ગોળીઓ મળી આવી હતી. પોલીસે તેમની પાસેથી રૂ.૧૦ હજારનો મોબાઈલ ફોન પણ જપ્ત કર્યાે હતો.
પોલીસે ત્યાંથી કાળુ ગામે છાપો મારતાં અનીમેષ અશોક પુલીન મૈત્રા (હાલ રહે.કાળુ મુળ રહે.ગાજના, પશ્ચિમ બંગાળ) મળી આવ્યો હતો. તેમની પાસે કોઈ ડિગ્રી કે પ્રમાણપત્ર ન હતું વગર ડીગ્રીએ તેઓ તબીબની પ્રેક્ટીસ કરતા હતા. પોલીસે તેમને ત્યાંથી પણ દવાખાનાના સાધનો અને ગોળીઓ મળી કુલ રૂ.૧૨,૬૨૦નો મુદ્દામાલ જપ્ત કર્યાે હતો.