Western Times News

Gujarati News

આણંદના કાસોર ગામમાં ધાતુનો ગોળો પડવાથી એક ઘેટાનું મોત

આણંદ, છેલ્લા કેટલાક દિવસથી આકાશમાંથી પડેલા ધાતુઓના ગોળા ચર્ચાનો વિષય બન્યા છે. ગુજરાતના ચાર જિલ્લાના છ અલગ-અલગ ગામમાંથી ૧૨થી ૧૪મી મે દરમિયાન ધાતુના મોટા ગોળા મળી આવ્યા હતા. ધાતુનો ગોળો, જે શંકાસ્પદ રીતે રોકેટનો ભાગ છે, તે પડવાથી આણંદ જિલ્લામાં કથિત રીતે એકનું મૃત્યુ નોંધાયું છે.

ધાતુનો ગોળો પડવાથી સોમવારે પોલીસ સ્ટેશનમાં એક ઘેટાનું મોત અને એક ઘેટાને ઈજા પહોંચી હોવાની ફરિયાદ નોંધાઈ હતી. આ ગોળા વિશે તેવું માનવામાં આવી રહ્યું છે કે, તે અવકાશી ભંગારના સમૂહમાંથી એક છે, જે કદાચ પૃથ્વીની ભ્રમણકક્ષા છોડીને વાયુમંડળમાં ફરી પ્રવેશ કરનારા ચીનના રોકેટમાંથી આણંદના સોજિત્રા પાસેના કાસોર ગામમાં એક ઝુંડ પર પડ્યો હતો.

એસપી અજીત રાજીયાણે જણાવ્યું હતું કે, ઘેટાંના માલિક આ ઘટના અંગે નિવેદન નોંધાવવા માટે તૈયાર નહોતા થયા. આ દરમિયાન જિલ્લા વહીવટીતંત્રમાં પણ મૂંઝવણનો માહોલ હતો. આણંદ કલેક્ટર એમ. વાય. દક્ષિણી કહી રહ્યા હતા કે, ઘેટાનું મોત આકાશમાંથી ધાતુની લાંબી પટ્ટી પડવાના કારણે થયું હતું, પરંતુ કોઈએ મૃત ઘેટાંના માલિક હોવાનો દાવો કર્યો નહોતો.

સૌરાષ્ટ્રથી મધ્ય ગુજરાત સુધીના ક્ષેત્રમાં આકાશમાંથી વધુ આવો કાટમાળ પડી શકે છે તેવો લોકોમાં ભય હોવા છતાં ગુજરાતમાં કાટમાળનો પહેલો ટુકડો પડ્યાના પાંચ દિવસ બાદ પણ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનની વેબસાઈટ પર હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

ખેડા જિલ્લા એસપી રાજેશ ગઢીયાએ જણાવ્યું હતું કે, અમદાવાદની ફિઝિકલ રિસર્સ લેબોરેટરીના અધિકારીઓએ પોલીસને બુધવાર માટે અપોઈન્ટમેન્ટ આપી હતી.

સૌથી પહેલા આણંદ જિલ્લાની અલગ-અલગ જગ્યાએ ધાતુના ગોળા પડ્યા હતા, જે બાદ ખેડા જિલ્લાના નડિયાદ પાસેના એક ગામમાંથી પણ આકાશમાંથી ધાતુનો ગોળો પડ્યો હતો. નડિયાદ તાલુકાના ભૂમેલ ગામની સીમામાં આવેલા પોલ્ટ્રી ફાર્મના ખુલ્લા વિસ્તારમાં મધ્યરાત્રિએ ધાતુનો ગોળો પડ્યો હતો.

ગોળો પડતાં એટલો જાેરદાર અવાજ આવ્યો હતો કે કંઈક થશે તેવા ડરથી લોકો ઘરમાં ઘૂસી ગયા હતા. આણંદ અને ખેડા બાદ વડોદરા અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી પણ ગોળા પડ્યા હતા. વડોદરાના પોઈચા ગામના ખેતરમાંથી આ અવકાશી પદાર્થ પડ્યો હતો. જેના કારણે લોકોમાં ભયની સાથે-સાથે કૂતુહલ પણ સર્જાયું હતું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.