Western Times News

Gujarati News

15 ડૉક્ટરની ટીમે 17 કલાકની સર્જરી કરી, એકસાથે લિવર અને કિડનીનું ટ્રાન્સપ્લાન્ટેશન કર્યુ

આ મેરેથોન સર્જરી 17 કલાક ચાલી હતી અને 15 ડૉક્ટરની ટીમે કરી હતી -ડૉક્ટર્સના જણાવ્યા મુજબ, મ્યાન્મારના દર્દીની તબિયત સારી છે અને બુધવારે રજા આપવામાં આવી હતી

ગુજરાતના ડૉક્ટર્સે જીવિત દાતાઓનાં શરીરમાંથી આંતરરાષ્ટ્રીય દર્દીના શરીરમાં એકસાથે લિવર અને કિડનીનું ટ્રાન્સપ્લાન્ટેશન કર્યું

અમદાવાદ, અપોલો હોસ્પિટલ્સ, અમદાવાદના ડૉક્ટર્સની ટીમે 48 વર્ષના એક આંતરરાષ્ટ્રીય દર્દી પર એકસાથે લિવર અને કિડની ટ્રાન્સપ્લાન્ટેશન (યકૃત અને કિડનીનું પ્રત્યારોપાણ) કરીને નવજીવન આપ્યું છે. આ મેરેથોન સર્જરી 3 મેના રોજ 17 કલાક ચાલી હતી અને દર્દીને બુધવારે (18 મે) હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. Doctors perform Gujarat’s first liver & kidney transplant from living donors on international patient in one go

નોંધપાત્ર બાબત છે કે, ગુજરાતમાં આ પ્રકારનો પહેલો કેસ છે, જેમાં એક જ દિવસમાં એક દર્દીના શરીરમાં જીવિત દાતાઓ પાસેથી બે અંગોનું પ્રત્યારોપાણ કરવામાં આવ્યું છે.

આ મેરેથોન સર્જરીમાં સંકળાયેલા ડૉક્ટરની ટીમમાં ડૉ. ચિરાગ દેસાઈ, જીઆઇ, એચપીબી અને લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન, ડૉ. નીરવ ગોયલ, લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન, અપોલો હોસ્પિટલ્સ, નવી દિલ્હી, ડૉ. લક્ષ્મણ ખિરિયા અને ડૉ. સ્વાતિ ઉપાધ્યાય સામેલ હતા. લિવર ફિઝિશિયન્સ હતા –

ડૉ. શ્રવણ બોહરા અને ડૉ. અપૂર્વ શાહ. કિડની ટ્રાન્સપ્લાન્ટની ટીમમાં ડૉ. મનોજ ગુમ્બર, નેફ્રોલોજિસ્ટ અને ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન તથા ડૉ. વિજયા રાજકુમારી, કિડની ટ્રાન્સપ્લાન્ટ સર્જન સામેલ હતા. એનેસ્થેશિયા ટીમમાં ડૉ. અંકિત ચૌહાણ અને ટીમ સામેલ હતી તથા આઇસીયુ ટીમનું નેતૃત્વ ડૉ. જય કોઠારીએ કર્યુ હતું.

મહત્વપૂર્ણ બાબત એ છે કે, દર્દી ડાયાબીટિસ, હાયપરટેન્શન અને હિપેટાઇટિસ સીથી પીડિત હતા તથા છેલ્લાં ત્રણ વર્ષથી ડાયાલીસિસ પર નિર્ભર હતા. તેમણે મ્યાન્મારમાં મેડિકલ ટૂરિઝમ કાર્યક્રમ દરમિયાન સારવાર માટે અપોલો હોસ્પિટલ્સનો સંપર્ક કર્યો હતો.

ડૉક્ટર્સે મૂલ્યાંકન કરતા જાણકારી મળી હતી કે, કિડનીને નુકસાન થવા ઉપરાંત દર્દી લિવર સાયરોસિસથી પીડિત હતા અને લિવર ટ્રાન્સપ્લાન્ટની જરૂર હતી.

એક અંગના પ્રત્યારોપાણની સરખામણીમાં એકસાથે બે અંગના પ્રત્યારોપણમાં ત્રણ ગણું જોખમ સંકળાયેલું હોય છે. કેસની જટિલતા પર ડૉ. દેસાઈએ કહ્યું હતું કે, “સૌથી મોટો પડકાર હતો – સર્જરી માટે કિડની અને લિવર માટે જીવિત અંગદાતાઓની શોધ. ગુજરાતમાં આ સૌપ્રથમ કેસ હતો,

જેમાં જીવિત દાતાઓનો ઉપયોગ કરીને એકસાથે બે અંગોનું પ્રત્યારોપાણ કરવામાં આવ્યું હતું. બંને ટ્રાન્સપ્લાન્ટ ટીમો વચ્ચે સમય અને સંકલન અતિ મહત્વપૂર્ણ હતું.”

જ્યારે કોઈ પણ ટ્રાન્સપ્લાન્ટ સર્જરીની વાત આવે છે, ત્યારે ઇમ્મ્યૂનોસપ્રેશન દવાઓના ઉપયોગ પર નજર રાખવી અતિ મહત્વપૂર્ણ બાબત છે. આ પ્રક્રિયાનું મહત્વ સમજાવતાં ડૉ. ગુમ્બરે કહ્યું હતુ કે, “ટ્રાન્સપ્લાન્ટ દરમિયાન ઇમ્મ્યૂનોસપ્રેશન દવાઓનો સંતુલિત ઉપયોગ સફળ સર્જરીની ચાવી હતી.

જો પર્યાપ્ત પ્રમાણથી ઓછી દવાઓ આપવામાં આવે, તો અંગોનો અસ્વીકાર થાય છે અને પર્યાપ્ત પ્રમાણથી વધારે દવાઓ આપવામાં આવે, તો દર્દીમાં ઇન્ફેક્શનનું જોખમ વધશે. આ જોખમને ધ્યાનમાં રાખીએ તો અપોલોમાં મલ્ટિ-સ્પેશિયાલિટી ડૉક્ટર્સ અને ઉપલબ્ધ સંસાધનોએ આ સર્જરીને શક્ય બનાવી છે.”

આ ઉપરાંત સર્જિકલ કુશળતાઓ, આઇસીયુની શ્રેષ્ઠ સુવિધાઓ અને ઓપરેશન પછી નજર રાખવી – આ સંવેદનશીલ સર્જરીની સફળતાના મહત્વપૂર્ણ પરિબળો હતા.

દર્દીની રિકવરી પર ડૉ. વિજયા રાજકુમારીએ કહ્યું હતું કે, “તેઓ સામાન્ય વ્યક્તિની જેમ આહાર લે છે. ક્રિએટિનાઇન પરિણામો સામાન્ય છે. ડિસ્ચાર્જ પછી નિયમિત ફોલો-અપ્સ, નિયમિત દવાઓનું સેવન અને નજર રાખવી – સફળ પ્રત્યારોપાણ અને અંગો લાંબા સમય સુધી સારી રીતે કામ કરે એ માટે મહત્વપૂર્ણ છે.”

અપોલો હોસ્પિટલ્સના સીઓઓ (ગુજરાત રિજન) નીરજ લાલે કહ્યું હતું કે, “કોવિડ-19ના કેસોમાં ઘટાડો થવાથી અને આંતરરાષ્ટ્રીય પ્રવાસ શરૂ થવાથી ઘણા વિદેશી દર્દીઓ સર્જરીઓ અને સારવાર માટે અપોલો હોસ્પિટલ્સમાં આવી રહ્યાં છે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.