Western Times News

Latest News from Gujarat India

અરવલ્લીના વિકાસ કાર્યોની સમીક્ષા કરતા મુખ્યમંત્રી

(માહિતી) ગાંધીનગર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અરવલ્લી જિલ્લાના વિકાસ કામોની સર્વગ્રાહી સમીક્ષા જિલ્લા અધિકારીઓ સાથે બેઠક યોજીને હાથ ધરી હતી.

મુખ્યમંત્રી ગુરૂવારે અરવલ્લીની મુલાકાતે હતા અને બાયડ ખાતે તેમણે અરવલ્લી જિલ્લામાં હાથ ધરાઇ રહેલા તથા પ્રગતિ હેઠળના વિવિધ કામો, રાજ્ય સરકારની યોજનાઓ વગેરેમાં જિલ્લાની પ્રગતિની વિગતો આ બેઠકમાં મેળવી હતી. મુખ્યમંત્રીએ ‘ટીમ અરવલ્લી’ સાથે સમીક્ષા બેઠકમાં જણાવ્યું હતું કે, જનપ્રતિનિધિઓ અને અધિકારીઓના સુદ્રઢ સંકલનથી જ આપણે વિકાસ કામોમાં નવી સિદ્ધિ પ્રાપ્ત કરી શકીશું. તેમણે જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને પ્રજાના પ્રશ્નોના હકારાત્મક ઉકેલ માટે દિશા નિર્દેશ આપતા જણાવ્યું હતું કે, આપણે એક થઈ, નેક થઇ પ્રજાની નિસ્વાર્થ ભાવે સેવા કરીએ અને લોકપ્રશ્નોના ઉકેલની દિશામાં આગળ વધીએ.

મુખ્યમંત્રીએ અરવલ્લી જિલ્લાના વીજળી, પાણી કાયદો-વ્યવસ્થા જેવા વિવિધ વિકાસલક્ષી મુદ્દાઓ અંગે અધિકારીઓ સાથે વિમર્શ કરતા કહ્યું કે, આપણને પ્રજાની સેવા કરવાની જે તક પ્રાપ્ત થઈ છે તેને પરિણામલક્ષી રૂપ આપીએ.

આ સમીક્ષા બેઠકમાં પદાધિકારીઓ દ્વારા રજૂ થયેલા પ્રજાકીય પ્રશ્નોના ઝડપથી નિવારણ માટે મુખ્યમંત્રીએ જિલ્લા અધિકારીઓને સૂચનાઓ આપી હતી. તેમણે વિકાસ કાર્યોમાં જનભાગીદારી વધારવાનું પણ પ્રેરક સૂચન કર્યું હતું.

ઉનાળાને અનુલક્ષીને જિલ્લામાં પીવાના પાણીની સમસ્યા ન સર્જાય તે પ્રકારે સુદ્રઢ આયોજન કરવા અંગે પણ બેઠકમાં વિચાર-વિમર્શ કરવામાં આવ્યો. જિલ્લા પ્રભારીમંત્રી કુબેરભાઈ ડીંડોરે દરેક ઘર સુધી પાણી પહોંચાડવા માટે નાની અને મધ્યમ કક્ષાની યોજનાઓનો ઉપયોગ કરવાનો અનુરોધ કર્યો હતો.

અરવલ્લી જિલ્લા કલેકટર ડૉ. નરેન્દ્રકુમાર મીનાએ મુખ્યમંત્રીશ્રી સમક્ષ અરવલ્લી જિલ્લામાં ચાલી રહેલા વિવિધ વિકાસ કાર્યોની રૂપરેખા રજૂ કરી હતી.

જિલ્લા વિકાસ અધિકારી બી.ડી ડાવેરા, જિલ્લા પોલીસ વડા શ્રી સંજય ખરાત અને નિવાસી અધિક કલેકટર એન. ડી. પરમાર સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સમીક્ષા બેઠકમાં પૂર્વ મંત્રી રજનીભાઇ પટેલ તેમજ જિલ્લાના પદાધિકારીઓ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers