Western Times News

Latest News from Gujarat India

કોંગ્રેસમાં સૌથી મોટું જાતિવાદનું રાજકારણ છે: પાટીદાર નેતા હાર્દિક પટેલના આરોપો

અમદાવાદ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પર પાટીદાર નેતા હાર્દિક પટેલે આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ પ્રથમવાર પત્રકાર પરિષદ સંબોધી હતી. તેમણે કહ્યું હતું કે મેં ગઇકાલે ગર્વ સાથે રાજીનામું આપ્યું છે. એક કાર્યકર્તા સારું કાર્ય કરવાની ભાવના સાથે પાર્ટીમાં જાેડાઇ છે. હાર્દિક પટેલે જણાવ્યું હતું ૨૦૧૫ થી ૨૦૧૯ સુધી ઇમાનદારીથી અસંખ્યક લોકોના અધિકાર માટે આંદોલન કર્યું હતું.

વર્ષ ૨૦૧૫ અને ૨૦૧૭ ની ચૂંટણીમાં ફાયદો કરાવ્યો હતો. લોકોનો અવાજ ઉપાડવા માટે રાજકારણમાં જાેડાવા નક્કી કર્યું અને ૨૦૧૯ માં કોંગ્રેસમાં જાેડાયો હતો. ૨૦૧૯ થી ૨૦૨૨ સુધી મેં કોંગ્રેસને જાણી, કોંગ્રેસમાં સૌથી વધારે જાતિવાદ છે.

હાર્દિક પટેલે કહ્યું હતું કે, કોંગ્રેસમાં મને કાર્યકારી જવાબદારી સોંપવામાં આવી હતી. કાર્યકારી પ્રમુખની જવાબદારી માત્ર શોભાના ગાંઠિયા સમાન છે. બે વર્ષ સુધી કોઈ મને કાર્યકારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી ન હતી. આજે હું ખુલ્લા મનથી ચર્ચા કરવા માટે આવ્યો છું.

કોંગ્રેસમાં સૌથી મોટું જાતિવાદનું રાજકારણ છે. કોંગ્રેસ માત્ર લોકોનો દુરુપયોગ કરીને તેમને ફેંકી દેવાની જ નીતિ અપનાવે છે. નરહરિ અમીન, ચીમનભાઈ પટેલને કોંગ્રેસમાં હટાવી દેવાયા છે. જ્યારે જ્યારે કોંગ્રેસમાં સાચી વાત કરવામાં આવી ત્યારે કેટલાક લોકો દ્વારા બદનામ કરવાનું કામ કરવામાં આવે છે.

હું જ્યારે કોગ્રેસમાં જાેડાયો ન હતો ત્યારે કોંગ્રેસના નેતાઓ મારા વખાણ કરતા અને કહેતા કે તારા જેવા યુવાનની જરૂર છે. જ્યારે કોઇ કોંગ્રેસ વિરોધી નિવેદન કરે ત્યારે તે વેચાઇ ગયો કે ગદ્દારીનું નિવેદન આપે છે.

કોંગ્રેસમાંથી ધારાસભ્યો અને પૂર્વ સાંસદો છોડીને ગયા ત્યારે વિચારવાની જરૂર હતી. અત્યાર સુધી ગુજરાત કોંગ્રેસના પ્રમુખ કોણ બન્યા તે જાેવાની જરૂર છે, ગુજરાતમાં માત્ર પાંચ સાત લોકો પાર્ટી ચલાવે છે. મારા રાજીનામા બાદ અનેક લોકોએ મને ફોન કરી અભિનંદન આપ્યા હતા.

રાહુલ ગુજરાત આવે ત્યારે તેમને ગુજરાતની સાચી માહિતી અપાતી નથી. દિલ્હીમાં બેઠેલા નેતાઓ રાહુલ ગાંધીને કહે છે ગુજરાત માં રીઝલ્ટ નહી આવે તેમે ધ્યાન ન આપો. છેલ્લી સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં સૌથી ખરાબ પરિણામ આવ્યું હતું.

કોંગ્રેસમાં છેલ્લે એક સેલમાં પ્રમુખની નિમણૂંક કરી તેમાં જાતિનો ઉલ્લેખ કરવામાં આવે છે, તેનો મતલબ હું સ્પષ્ટ કરવા માંગુ છું દલિત સમાજમાં પણ આટલા ભાગ છે, પાટીદાર સમાજમાં પણ આટલા ભાગ છે. ગુજરાતમાં બેઠેલા નેતાઓ દિલ્હીમાં એવું પ્રિડિક્શન આપે છે જે કે લેઉઆ કડવાના ભાગલા કરી દઇએ તો ઘણો ફરક પડી શકે છે. કોંગ્રેસની બેઠકમાં જાતિવાદ સિવાય કોઇ કામ નથી.

હું લોકોની માફી માંગુ છું કે ૨૦૧૭ માં મેં તમને કોંગ્રેસને મત આપવાની અપીલ કરી હતી. ધાર્મિક સંસ્થાના વડાઓએ મને ચેતવ્યો હતો પણ માન્યો નહી. ૨૦૨૨ માં લોકો અને યુવાનોનો દુર ઉપયોગ ન થાય એ જુએ.

તેમને આગળ કહ્યું કે ગઇકાલના મારા રાજીનામા પછી આજે અમુક નેતાઓ રાજકોટ ગયા છે ચિંતિન શિબિર માટે ત્યાં અમારા સમાજના અગ્રણી એવા નરેશભાઇને મળ્યા, મારે દુખ સાથે કહેવું પડે છે કે ૯ઃ૫૮ વાગે નરેશભાઇ ઘરની અંદર એન્ટ્રી કરી અને ૧૦ઃ૧૦ વાગે બહાર નિકળી ગયા. તો ૧૨ મિનિટમાં એવી તો શું ચર્ચા કરી લીધી.

કોંગ્રેસ માત્ર એવું બતાવવનો પ્રયાસ કરે છે કે અમે નરેશભાઇને લેવા માંગીએ છીએ. ૨૦૧૭ માં અમારા જેવા લોકોનો ઉપયોગ થયો છે. અમે નિસ્વાર્થ ભાવે ભાજપ સામે એટલા માટે આંદોલન કરતા હતા કારણ કે અમારે અમારા સમાજને ન્યાય આપવો હતો.

જ્યારે કોઇ કોંગ્રેસનો નેતા દિલ્હીથી આવે છે ત્યારે માત્ર કોઇ ગુજરાતી જ અને ગુજરાતી આગળ છે એના હિત સાથે માત્ર ગુજરાતીઓ પર આરોપ-પ્રત્યારોપ થાય છે.

સરદાર પટેલની વાત કરીએ, મોરારજી દેસાઇની વાત કરીએ, અદાણી-અંબાણીની વાત કરીએ દેશના પ્રધાનમંત્રી ભલે ગમે તેવા ન હોય ગમે તે રાજ્યના કેમ ન હોય પણ એ ગુજરાતી છે એટલા માટે તે લોકો વ્યક્તિગત રીતે આરોપ પ્રત્યારોપ કરવાનું કામ કરે છે.

અદાણી અંબાણી એમની મહેનતથી પૈસાવાળા બન્યા છે. ગુજરાતની અંદર એક નાનામાં નાનો ઉદ્યોગપતિ એક નાનામાં નાનો વ્યક્તિપણ ઇચ્છા રાખે છે કે હું પણ અદાણી અંબાણી બનું. દરેક કોઇ મોટા ઉદ્યોગપતિને પોતાના રોલ મોડલ માને છે. ત્યારે આપણે છેલ્લા ૭ વર્ષથી કોંગ્રેસના મોંઢે અદાણી અંબાણીને ગાળો ભાંડતા સાંભળ્યું છે.

હાર્દિક પટેલે આગળ જણાવ્યું હતું કે કોંગ્રેસની પ્રથમ અને બીજી હરોળ કાર્યક્રમોનો દુર ઉપયોગ કરે છે. મારા પિતાના મૃત્યું વખતે મને કોઇ સાંત્વના આપવા માટે આવ્યું ન હતું.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers