Western Times News

Gujarati News

પિતા દિકરીના લગ્ન માટે છોકરો જોવા ગયા: દિકરી બ્રેઇનડેડ થઇઃ પિતાએ અંગદાન કર્યુ

‘વિધિ’ એ ૨૦ વર્ષની ‘નિધી’ ના લેખ અલગ જ સ્યાહીથી લખ્યા !: બ્રેઇનડેડ નિધીના હ્યદય, બંને કિડની, લીવર અને સ્વાદુપિંડનું દાન મળ્યું

બ્રેઇનડેડ નિધીના પરિજનોએ અંગદાન કરીને ૫ જરૂરિયાતમંદના જીવનનો દીપ પ્રજવલ્લિત કર્યો

સિવિલ હોસ્પિટલમાં કિડનીના દાનની સંખ્યા ૧૦૦ એ પહોંચી – સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી

જામનગરમાં રહેતા શ્રીવાસ્ત પરિવારના મોભી સોનુલાલ વારાણસી ગયા હતા. પ્રેમ ,વ્હાલ અને વાત્સલ્યની લાગણીઓ વચ્ચે ઉછરીને મોટી થયેલ નિધીના લગ્ન નક્કી કરવા. બાળપણથી પ્રેમ અને સ્નેહ વચ્ચે ઉછરેલી નિધી હવે અન્યોના પ્રેમ અને લાગણીઓ સાથે જોડાવવા જઇ રહી હતી.

જામનગરથી વારાણસી જતી વખતે મુસાફરી દરમિયાન નિધીના સમગ્ર પરિવારે મનોમન લગ્નની સંપૂર્ણ તૈયારીઓ પણ કરી લીધી હશે. સગાઇ થી લઇ કપડાની ખરીદી, ઠાઠ-માઠ થી લગ્ન કરવાની તડામાર તૈયારીનું મોજુ મનમાં ફરી ગયું હશે..આ તમામ વચ્ચે એકાએક કિસ્મતનું વંટોળ આવ્યું અને સોનુલાલને પિતા કહેનારી દિકરી તેમનાથી વિખૂટી પડી ગઇ.

જામનગરમાં વસતા અને મૂળ વારાણસીના શ્રીવાસ્તવ પરિવારની નિધીને માથાના ભાગમાં ઇજા થતાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. સારવાર દરમિયાન ક્ષણ માટે પણ એમ નહોતું લાગ્યું કે નિધી જીવન ટૂંકાવી દેશે. પરંતુ વિધાતાએ નિધીના લેખ કંઇક અલગ જ સ્યાહી થી લખ્યા હશે. ૪ દિવસની સધન સારવારના અંતે નિધીને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવી.

બ્રેઇનડેડ થયા બાદ નિધીના પિતાએ પોતાની દિકરીને અન્યોમાં જીવંત રાખવા અંગદાનનો નિર્ણય કર્યો. નિધી, શ્રીવાસ્ત પરિવારથી જૂદી તો થઇ ગઇ પરંતુ તેની લાગણીઓ અને પરોપકારવૃતિ દ્વારા તે અન્યોના પરિવારનો અભિન્ન અંગ બની ગઇ.
અંગદાનમાં મળેલ નિધીનું કોમળ અને ઋજુ સ્વભાવ ધરાવતું હ્યદય, તેની બંને કિડની, લીવર અને સ્વાદુપિંડનું દાન મળ્યું. જે અન્ય જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવશે.

નિધી તો શ્રીવાસ્ત પરિવાર થી છૂટી પડી પરંતુ અન્ય ૫ વ્યક્તિઓ અને પરિવાર થકી અંદાજીત ૨૫ ને નવજીવન આપી ગઇ. કેમકે અંગદાનમાં મળેલા અંગોથી એક વ્યક્તિનું જીવન સુધર્યુ અને આખાય પરિવારના સંધર્ષનો કદાચિત અંત આવ્યો.

સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ આ ભાવૂક ક્ષણે ભાવસભર સ્વરે કહે છે કે, નિધી જેવા કેટલાય યુવાન લોહીં કે જેમણે પોતાની પ્રતિભાથી રાષ્ટ્રનિર્માણમાં સહભાગી થવાનું હતુ તેઓ વિધીના લેખ આગળ ઘૂંટળીયા ટેકી ગયા. પરમાત્માં સામે તો કોઇનુંય ચાલતુ નથી. પરંતુ હા પરમાત્માની મરજી બાદ પરિવારજનોનો આત્મા જ્યારે અંગદાનની મંજૂરી આપે છે ત્યારે તે કદાચ પરમાત્મા સાથે પોતાના સ્વજનનું મિલન કરાવે છે.

નિધીના અંગ દાનથી સિવિલ હોસ્પિટલમાં ૧૦૦ કિડનીના દાન પૂર્ણ થયા છે. અત્યારસુધીમાં સિવિલ હોસ્પિટલમાં ૬૨ અંગદાતાઓના અંગદાન થી મળેલા કુલ ૧૯૫ અંગોથી ૧૭૩ વ્યક્તિઓને નવજીવન મળ્યું છે.

થોડા દિવસ અગાઉ અંગદાન વિષે લખતી વખતે અંગદાનની પ્રક્રિયા સાથે સંકળાયેલા એક સ્વાસ્થય કર્મીને અંગદાનની પ્રક્રિયા દરમિયાનની સંવેદનશીલ ક્ષણ વિશે પૂછતા પ્રત્યુત્તરમાં તેમણે જણાવ્યું કે, જ્યારે આઇ.સી.યુ.માં કોઇ યુવાન દર્દીનું મૃત્યું કે તે બ્રેઇનડેડ થાય છે તે અમારા માટે વધું લાગણીસભર ક્ષણ હોય છે. જીવનના ગણતરીના વર્ષો વિતાવ્યા હોય, જીંદગીને જીવતા હજૂ તો શિખ્યા હોય અને ત્યાં જીંદગી મૃત્યુ સમીપે પહોંચી જાય તેનાથી દુ:ખદ વળી શું હોઇ શકે ?

લખ્યા જે લેખ વિદ્યાતાએ તારા, તે વિધાતા જાણે
એ જાણવા કાજે, તુ ફિકર બહુ કરે છે શાને
આવતા આ જગમાં લાવ્યો છે જેવું તું તારી સાથે
છોડતા આ જગ લઇ જશે તેવું તું તારી સાથે
-સદગુરૂ દેવેન્દ્ર ધીયા


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.